ખરેખર મરી પરવારી છે માનવતા, એક બાજુ ઘાયલ ટ્રક ડ્રાઇવર તડપતો રહ્યો અને બીજી બાજુ લોકો લૂંટતા રહ્યા સફરજનની પેટીઓ

ઘણીવાર ગુજરાત રાજય સહિત દેશભરમાંથી માનવતાને શર્મશાર કરનારી ઘટના સામે આવે છે. ત્યારે હાલમાં પંજાબથી આવી ઘટના સામે આવી છે, જ્યાં ફતેહગઢ સાહિબ ના રાજેન્દ્રગઢ પાસે એક ટ્રકનો અકસ્માત થયો હતો. ટ્રક સફરજનની પેટીઓથી ભરેલી હતી અને આ અકસ્માતમાં ડ્રાઇવર ઘાયલ થયો હતો. રોડ અકસ્માત બાદ સફરજનની પેટીઓ રસ્તા પર વિખરાઇ ગઇ, પરંતુ આ ઘટનામાં હેરાનીની વાત એ હતી કે એક બાજુ ડ્રાઇવર તડપતો રહ્યો અને બીજી બાજુ લોકોએ તેની મદદ કરવાની જગ્યાએ સફરજનની 1200 પેટી લૂંટી લીધી.

દુર્ઘટનામાં ઘાયલ ટ્રક ડ્રાઇવરે ફતેહગઢ સાહિબ પોલિસ સ્ટેશનમાં સફરજનની 1200 પેટીઓની લૂંટની ફરિયાદ દાખલ કરાવી છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે જેઓએ સફરજનના બોક્સની ચોરી કરી છે, તેની શોધખોળ ચાલુ છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ફતેહગઢ સાહિબ પોલીસે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક તસવીર પણ શેર કરી છે,

જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સફરજનના બોક્સ સાથે હસતો જોવા મળી રહ્યો છે જ્યારે રોડ કિનારે પલટી ગયેલી ટ્રકની પાસે વેરવિખેર સફરજનના બોક્સ લૂંટી રહ્યો છે. અન્ય એક વ્યક્તિ તેની પાછળ શાલ મૂકતો જોવા મળે છે. બીજા ઘણા લોકો પણ સફરજનના બોક્સ લૂંટી રહ્યા છે. આ મામલે કેસ નોંધ્યા બાદ પોલીસે ફોટોગ્રાફ્સ અને વીડિયો દ્વારા ચોરોની શોધ શરૂ કરી છે.

કેસની ગંભીરતા અને નુકસાનને જોતા જિલ્લા પોલીસ સફરજનની ચોરી કરનારા લોકોની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે સ્થળ પર લીધેલા ફોટોગ્રાફ્સની પણ મદદ લેવામાં આવી રહી છે. આરોપીઓની ધરપકડને કારણે ટ્રાન્સપોર્ટર અને ઘાયલ ડ્રાઈવરને થયેલા નુકસાનની ભરપાઈ થવાની આશા છે. જો કે હજુ સુધી આ કેસમાં એકપણ આરોપી પોલીસના હાથે ઝડપાયો નથી.

Shah Jina