વડોદરામાં ટ્રકચાલકે એક સગીરાને કચડી નાખી, 10 વર્ષના વિઝા મળતા જવાની હતી અમેરિકા
ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતોના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી એક અકસ્માતની ઘટના સામે આવી, એક્ટિવા પર જઈ રહેલી બે બહેનોને પૂરપાટ ઝડપે જઈ રહેલી આઇસર ટ્રકે ટક્કર મારતાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાનું મોત થયું. ચાર રસ્તા પર થયેલ આ અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી હતી. એક્ટિવા પર ટર્ન લઈ રહેલ વિદ્યાર્થિનીને પાછળથી આવતી ટ્રકના ચાલકે હડફેટે લેતા એક વિદ્યાર્થિની પર ટ્રકનું ટાયર ફરી વળ્યુ હતુ અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું.
જો કે, સગીરાનું સારવાર મળે એ પહેલાં જ મોત થયુ હતું. કારેલીબાગ પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. જણાવી દઇએ કે, અકસ્માતે મોતને ભેટનાર વિદ્યાર્થિનીને 10 વર્ષના વિઝા મળ્યા હતા અને તે એક મહિનાની અંદર અમેરિકા પણ જવાની હતી, જો કે કાળ બનીને આવેલી ટ્રક ભરખી ગઈ. વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થિની તેના માસી અને મામાની દીકરી તેમજ મિત્ર સાથે ખરીદી કરવા ગઇ હતી.
ત્યાંથી સાંજે પરત ઘરે જતાં સમયે ટર્ન મારતા આઇસર ટ્રકચાલકે પૂરઝડપે ટ્રક ચલાવીને અચાનક ટર્ન મારી એક્ટિવાને ટક્કર મારી અને તેને કારણે એક્ટિવા ચાલકની માસીની દીકરી નીચે પડી અને તેને નાકમાંથી અને જમણા પગના ઘૂંટણમાંથી લોહી નીકળતું હતું. આ દરમિયાન તે બેભાન થઇ ગઈ જો કે ત્યાં હાજર કોઇએ 108ને જાણ કરી પણ એમ્બ્યુલન્સ આવતા પહેલાં મામા આવી ગયા અને તેને હોસ્પિટલ ખાતે લઇ જવાઇ. એક હોસ્પિટલે ના પાડતા તેઓ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઇ ગયા જ્યાં તબીબોએ તને મૃત જાહેર કરી.
મૃતકનું નામ કેયા પટેલ હોવાનું સામે આવ્યુ છે, જે 17 વર્ષની હતી. આ મામલે એક્ટિવા ચાલકે આઈસર ટ્રકના ચાલક સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસે આરોપી આઇસર ટ્રકચાલક હરીશ ગોહિલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. એવું સામે આવ્યુ છે કે મૃતક કેયા પટેલને તાજેતરમાં જ અમેરિકાના 10 વર્ષના વિઝા મળ્યા હતા અને તે 1 મહિનામાં અમેરિકા પણ જવાની હતી. જો કે, અમેરિકા ગયા પહેલા જ અકસ્માતમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો.