રિંગ રોડ ઉપર ધડામ દઈને ધરાશાયી થયું વિશાળકાય ઝાડ, પસાર થઇ રહેલી ગાડીઓ અને બાઇકનો નીકળી ગયો કચ્ચરઘાણ, જુઓ વીડિયો

દેશભરમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે અને ઠેર ઠેર ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે, આ વરસાદની અંદર અકસ્માતની ઘણી ઘટનાઓ પણ સામે આવતી રહે છે, ચોમાસાના વરસાદમાં પવન પણ ઘણીવાર તેજ ઝડપે ફૂંકાય છે અને રસ્તા ઉપર રહેલા વૃક્ષ પણ ધરાશાયી થઇ જતા હોય છે, જેના કારણે પણ ઘણા લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે.

દિલ્હીના નેહરુ પ્લેસ પાસે ગુરુવારે મોટી દુર્ઘટના ટળી હતી. ઝરમર વરસાદ સાથેના જોરદાર પવનને કારણે આઉટર રિંગ રોડ પર પમ્પોશ એન્ક્લેવની સામે એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. ઝાડ પાડવાના કારણે છ કાર અને એક મોટરસાઇકલને ખરાબ રીતે નુકસાન થયું હતું. પરંતુ રાહતની વાત એ રહી કે આ ઘટનાના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.

વિશાળ વૃક્ષને કારણે આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. નેહરુ પ્લેસથી મુનિરકા સુધીનો કેરેજવે સંપૂર્ણપણે બંધ હતો. મોડી રાત સુધી જામ ખૂલી શક્યો ન હતો. મુનિરકાથી નેહરુ પ્લેસ તરફ આવવા માટે એક લેન બાકી છે. જેના કારણે ટ્રાફિક પોલીસે ટ્રાફિક બદલવો પડ્યો હતો.

વૃક્ષો પડતાં નુકસાન પામેલી કારમાંથી લોકોને ભારે મુશ્કેલીથી બચાવી લેવાયા હતા. નહેરુ પ્લેસથી ચિરાગ દિલ્હી તરફ જઈ રહેલો મોટરસાઈકલ સવાર સમીર ચૌધરી પણ માંડ માંડ બચ્યો હતો.  વૃક્ષનો કેટલોક ભાગ મોટરસાઇકલ પર પડી ગયો હતો. પરિવાર સાથે એરપોર્ટથી પરત ફરતી વખતે તનવીરની કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.

ગુરુવારે બપોરે દર્શન પાલ કાર ચલાવીને આઉટર રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. અચાનક જોરદાર અવાજ આવ્યો અને કાચ કાળો થઈ ગયો. પહોળા, વ્યસ્ત રસ્તાની વચ્ચે તે ચોંકી ગયો. તેણે તરત જ બ્રેક લગાવી અને પાછળની સીટ પર બેઠેલા તેના માલિકને જોવા માથું ફેરવ્યું.

કાર પર ઝાડ પડતાં તેની છત તૂટી પડી હતી. તેના બોસ, પાછળ બેઠેલા ડૉક્ટર કારની સીટ નીચે દટાયેલા દેખાયા. આ જોઈને દર્શન પાલ સાવ ડરી ગયો. કારના બોનેટ પર પાંદડા અને ઝાડની ડાળીઓ પડી ગઈ હતી. બાદમાં પોલીસે અન્ય એજન્સીઓની મદદથી ઝાડનો એક ભાગ હટાવી લીધો હતો. ડીસીપી (ટ્રાફિક) અંકિત ચૌહાણે જણાવ્યું હતું કે આઉટર રિંગ રોડ પર ત્રણ કલાક સુધી ટ્રાફિક પ્રભાવિત રહ્યો હતો અને વાહનોને મૂળચંદ તરફ વાળવા પડ્યા હતા.

Niraj Patel