હિમાચલ પ્રદેશમાં અનેક પર્યટન સ્થળ છે, પરંતુ આ જગ્યા પેરાગ્લાઇડિંગ, ટ્રેકિંગ અને પર્વતારોહણ જેવી ગતિવિધિઓ માટે પ્રખ્યાત છે. ખીરગંગા આવા જ પર્યટન સ્થળોમાંથી એક છે. આ ખૂબ જ લોકપ્રિય જગ્યા છે. સાથે જ અન્ય કારણો માટે પણ પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે અહીં શિવજીના મોટા દીકરા કાર્તિકે તપ કર્યું હતું. અહીં ખીર ગંગા નદી વહે છે, જેમાં નાના-નાના સફેદ કણ જોઈ શકાય છે. જો કે આ સ્થળ સુધી પહોંચવા માટે થોડી તકલીફોનો સામનો કરવો પડે છે. કારણ કે અહીં સુધી પહોંચવા માટે ડાયરેક્ટ કોઈ પણ વાહન નથી મળતું, અને છેક ખીરગંગા સુધી રોડ માર્ગે નથી પહોંચી શકાતું.
ખીરગંગા ટ્રેક હિમાચલના કુલ્લુ જિલ્લાના ભૂંતરથી ઉત્તર પશ્ચિમમાં સ્થિત છે. ખીરગંગાથી સૌથી નજીકનું શહેર નજીકના શહેર બારશૈની છે. ભૂંતરથી બસ દ્વારા અહીં પહોંચી શકાય છે, જેના માર્ગમાં કસોલ અને મણિકર્ણ આવે છે. આ ટ્રેક સમુદ્ર સપાટીથી 13,051 ફુટની ઊંચાઈ પર છે. ખીરગંગા જવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચેનો છે.

મણિકર્ણથી ખીર ગંગા 25 કિલોમીટર દૂર છે. ખીરગંગા પહોંચવા માટે ભૂંતર, કસોલ, મણિકર્ણ અને બારશૈની સુધી રોડ માર્ગે વાહનથી જઈ શકાય છે. અને આગળના 10 કિલોમીટર મુસાફરી પગે ચાલીને કરવી પડે છે. જ્યા રસ્તામાં પુલગાથી 3 કિમી દૂર આગળ નકથાન ગામ આવે છે જે પાર્વતી ઘાટનું છેલ્લું ગામ છે. અહીં તમને ભોજન અને નાસ્તો મળી જશે. ગામના લોકો સ્ટોલ લગાવીને ચા-બિસ્કિટ વેચે છે. આ પછી કોઈ વસ્તી જોવા નહિ મળે.
અહીંથી આગળ વધતા થોડા દૂર રુદ્રનાગ આવે છે જ્યા ખડકો પરથી વહીને પાણી નીચે આવે છે. આ ધોધ જોવામાં ખૂબ જ આકર્ષક છે. સ્થાનિક લોકોમાં આ ધોધ માટે ખૂબ જ શ્રદ્ધા છે, તેઓ માને છે કે દેવતાઓ પણ અહીં દર્શન કરવા માટે આવે છે. નજીકમાં જ પાર્વતી નદીનો ધોધ પણ છે.
પાર્વતી નદી પછી, જંગલ શરૂ થાય છે, જે લગભગ 4 કિલોમીટર સુધી ફેલાયેલું છે, જે તમને ખીરગંગા સુધી સારી કંપની આપશે. જો કે આ જંગલનો રસ્તો તમે ઘોડા કે ખચ્ચરની સવારી કરીને પસાર કરી શકો છો, પરંતુ થોડું અંતર કાપ્યા પછી તો તમારે જાતે જ ચાલવું પડશે. આ સિવાય સાવધાની પણ રાખવી પડશે કારણ કે ક્યારેક જંગલમાં રીંછ પણ જોવા મળે છે. જો કે તમને ભાગ્યે જ એ જોવા મળશે, કારણકે દિવસના પ્રકાશમાં અને લોકો વચ્ચે રીંછ બહાર નથી આવતા.

ખીર ગંગા પહોંચીને ત્યાંનું રમણીય દ્રશ્ય જોઈને તમારો બધો જ થાક ઉતારી જશે અને આંખોને જે ઠંડક મળશે એ પહેલા તમે ક્યારેય આવો અનુભવ નહિ કર્યો હોય. ખીરગંગામાં તમે ટેન્ટમાં પણ રોકાઈ શકો છો જે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા રહેવા માટે ભાડે આપવામાં આવે છે. ખીરગંગામાં રહેવા માટે ટેન્ટ કે સાધુઓ દ્વારા ચલાવતા આશ્રમમાં સામાન્ય રૂમ એક દિવસ માટે 300 રૂપિયામાં મળી જશે. ખાવા-પીવાનો ખર્ચ અંદાજે 500 રૂપિયા થશે.
ટ્રેકિંગના થાક પછી ઉપર પહોંચવા પર ગરમ પાણીના કુંડ છે જે કડકડતી ઠંડીમાં તમને હૂંફ આપશે અને બધો જ થાક ઉતારી દેશે. નજીક જ પાર્વતી માતાનું મંદિર પણ છે, થોડે જ દૂર ભગવાન કાર્તિકની ગુફા પણ છે. આ સ્થળ સાથે સ્થાનિકોની આસ્થા જોડાયેલી છે. તેમને આ મંદિર અને ભગવાન પર અતૂટ શ્રદ્ધા છે.
ખીરગંગાનું ટ્રેકિંગ જેટલું દુર્ગમ અને મુશ્કેલ છે એટલું જ આસાન છે પાછું નીચે ઉતરવું. ત્રણ કલાક જેટલા જ સમયમાં પાછા નીચે આવી શકાય છે. ખીરગંગાના ટ્રેકિંગ પર તમને ઘણા ઇઝરાયેલી પર્યટકો મળી જશે. અહીં ઇઝરાયેલી પર્યટક સૌથી વધુ આવે છે જેની જાણ તમને ત્યાંના રેસ્ટોરન્ટના મેનુ જોઈને થશે. મેનુમાં તમને ઇઝરાયેલી ડીશ જરૂર મળશે.

ખીરગંગા પહોંચવા માટે તમારે વધુ ખર્ચ નહિ કરવો પડે, દિલ્હીથી ભૂંતર સુધી વોલ્વો મળી જશે જેનું બંને બાજુનું ભાડું મળીને 2000-2500 જેટલો ખર્ચ થશે. ભૂંતરથી બારશૈની આવવા અને જવા માટેની ટિકિટ આશરે 300 રૂપિયા જેટલી હોય છે. તમે ભૂંતરથી ટેક્સી કરીને પણ બારશૈની પહોંચી શકો છે, જેનો ખર્ચ પણ અંદાજે 500 રૂપિયા આવશે.
નોંધ: આ જગ્યા વિશે ૮૦૦૦ થી ૧૨૦૦૦ નું બજેટ ફક્ત દિલ્હીથી માપવામાં આવ્યું છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks