સ્કેટબોર્ડ લઈને કન્યાકુમારીથી કાશ્મીર જવા માટે નીકળેલા યુવકને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારીને કચડી નાખ્યો, અનોખો રેકોર્ડ બનાવે એ પહેલા જ મળ્યું મોત

ગત મંગળવાર 2 ઓગસ્ટના રોજ હરિયાણાના પંચકુલામાં એક માર્ગ અકસ્માતમાં સ્કેટબોર્ડ પર સવાર યુવકનું મોત થયું હતું. યુવકનું નામ અનસ હજસ જણાવવામાં આવી રહ્યું છે. કેરળનો રહેવાસી અનસ પોતાના સ્કેટબોર્ડ પર કન્યાકુમારીથી કાશ્મીર જઈ રહ્યો હતો. અકસ્માત દરમિયાન તે પંચકુલાના પિંજોરથી હિમાચલ પ્રદેશના નાલાગઢ જઈ રહ્યો હતો. ત્યારે અનસને સવારે 7.30 વાગ્યાના અરસામાં રસ્તામાં એક ઝડપથી આવતી ટ્રકે ટક્કર મારી હતી. તેને નજીકની કાલકા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

અનસ જે સમયે તેના સ્કેટબોર્ડ પર સવાર થઈ રહ્યો હતો તે સમયે એક ટ્રકે તેને પાછળથી ટક્કર મારી હતી અને ટ્રક ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પરંતુ, નજીકમાં હાજર લોકોએ ટ્રકનો નંબર નોંધી લીધો હતો. IPCની કલમ 304A અને 279 હેઠળ FIR નોંધવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે 31 વર્ષીય અનસ કેરળના તિરુવનંતપુરમના વેંજારામુડુનો રહેવાસી હતો. અનસની માતાનું નામ શૈલા છે અને અનસના પિતા અલિયારકુંજી સાઉદી અરેબિયામાં નોકરી કરે છે. અનસે કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક થયા બાદ તિરુવનંતપુરમના ટેક્નોપાર્કમાં એક આઈટી ફર્મમાં કામ કર્યું હતું. ત્રણ વર્ષ પહેલા અનસે એક સ્કેટિંગ બોર્ડ ખરીદ્યું હતું અને ત્યારથી તેણે ટ્રેનિંગ શરૂ કરી હતી.

અનસ લોકોમાં સ્કેટબોર્ડ વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરતો હતો. તેથી જ તેણે સ્કેટબોર્ડ વડે લાંબા અંતરને કવર કરવાનું અભિયાન શરૂ કર્યું. આટલું જ નહીં, અનસે કન્યાકુમારી-કાશ્મીર પછીની યાત્રા પૂરી કરીને સ્કેટબોર્ડ દ્વારા ભૂટાન, નેપાળ અને કંબોડિયા જવાનો પ્લાન બનાવ્યો હતો.

જણાવી દઈએ કે અનસ 29 મેના રોજ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3511 કિલોમીટર લાંબી સફર શરૂ કરીને 30 જુલાઈએ હરિયાણા-પંજાબ બોર્ડર પર પહોંચ્યો હતો. તે જ સમયે, તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા, તેના પરિવાર અને મિત્રોને તેની સુરક્ષા વિશે જાણ કરી હતી. પોસ્ટ સાથે તેણે લખ્યું કે હું કાશ્મીરથી માત્ર 600 કિમી દૂર છું. કાશ્મીર પહોંચવામાં હજુ 15 દિવસ લાગી શકે છે. હું દરરોજ માત્ર 40 થી 50 કિમી સ્કેટિંગ કરું છું. આ પછી અનસે કહ્યું કે અત્યાર સુધી બધું સુરક્ષિત છે. બધાનો આભાર.

Niraj Patel