અવાર નવાર અનેક જગ્યાઓના અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ડ્રાઇવરે તેજ રફતાર બસ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ખાઇ ગઇ હતી અને તેમાં સવાર 7-8 લોકોના મોત નિપજ્યા હતા અને 20-25 જેટલા લોકો ઘાયલ થયા હતા. ત્યારે હાલ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શુક્રવારે દિલ્હી-જયપુર હાઈવે પર બહેરોર પાસે રોડ અકસ્માતમાં 3 મિત્રોના મોત થયા હતા.
જ્યારે અન્ય ત્રણ મિત્રો ઘાયલ થયા હતા. બધા કારમાં બેહરેડથી નીમરાના મિત્રને મળવા જઈ રહ્યા હતા. હાઈવે પર કાર રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે અલ્કેશ કુમાર, મનોજ યાદવ અને વિક્રમ માસ્ટરનું અકસ્માતમાં મોત થયું હતું. જાટગાંવડાના રહેવાસી અરવિંદ સિંહ, ભાવતાના ધાની બહેરોર નિવાસી દેવેન્દ્ર, મંધાના રહેવાસી રોશનલાલ, હાલ ભાવતાના ધાની બહેરોર ઘાયલ થયા હતા.
ઘાયલોમાં રોશનની હાલત નાજુક છે. ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતક મનોજ યાદવ 5 વર્ષ પહેલા સેનામાંથી નિવૃત્ત થયો હતો. તે REETની તૈયારી કરી રહ્યો હતો. વિક્રમ ખાનગી શાળામાં શિક્ષક છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
બહેરોર પોલીસ સ્ટેશનના એસઆઈ કૈલાશ ચંદ મીનાએ જણાવ્યું કે અકસ્માત ખૂબ જ ભયાનક હતો. કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. પોલીસ આ કેસમાં વધુ માહિતી મેળવવામાં વ્યસ્ત છે. હાઇવે પર ટ્રક પહેલેથી જ ઉભી હતી, ત્યાં જ તેજ ગતિએ આવી રહેલી કારે પાર્ક કરેલી ટ્રકને ટક્કર મારી હતી.