...
   

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં દર્દનાક અકસ્માત, મૂશળધાર વરસાદને કારણે કાટમાળમાં દબાયા 4 લોકો, આખી રાત ચાલ્યુ રેસ્ક્યુ પણ ના બચ્યો જીવ

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં મોટો અકસ્માત, કાટમાળમાં દબાવાને કારણે 4 લોકોના મોત, અડધી રાત્રે શરૂ થયુ હતુ રેસ્ક્યુ ઓપરેશન- જુઓ તસવીરો

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ગુરુવાર-શુક્રવારની વચ્ચેની રાત્રે ભારે વરસાદને કારણે ચાર લોકો કાટમાળ નીચે દટાયા હતા. મુશળધાર વરસાદને કારણે પહાડમાં ભૂસ્ખલન થયું અને ચાર લોકો ચપેટમાં આવી ગયા. રાત્રે 1:30 વાગે ફાટા હેલિપેડ સામે ખાટ ગડરેમાં 4 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની માહિતી મળી હતી. આ પછી રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

જો કે, તેમાંથી કોઈને બચાવી શકાયા નથી. રેસ્ક્યુ ટીમે તમામના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જિલ્લા આપત્તિ પ્રબંધન અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે એટલે કે 23 ઓગસ્ટે રાત્રે 1.20 કલાકે ફાટા હેલિપેડ નજીક ખાટ ગડરે પાસે કાટમાળ નીચે 4 લોકો દટાયા હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ રાહત અને બચાવ કાર્ય માટે એક રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી, જે સ્થળ પર દટાયેલા લોકોને બચાવવાનું કામ કરી રહી છે.

પોલીસે 4 મૃતદેહોને રિકવર કર્યા બાદ તમામને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો નેપાળના છે, જેમાં તુલ બહાદુર, પૂરના નેપાળી, કિશના પરિહાર અને દીપક બુરાનો સમાવેશ થાય છે. બચાવ ટીમમાં SDRF પોલીસ અને DDRFના જવાનો સામેલ હતા. જણાવી દઈએ કે, ઉત્તરાખંડના અલગ-અલગ જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે જાન-માલનું નુકસાન થઈ રહ્યું છે.

ચમોલી જિલ્લામાં ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવે ઘણી જગ્યાએ બંધ થઈ ગયો હતો. કંચન ગંગા, ગુલાબકોટી, પાગલનાલા અને છિનકામાં હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ તમામ સ્થળોએ ચારધામના યાત્રાળુઓ ફસાયેલા છે. માર્ગ ખોલવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. જ્યારે ટિહરીમાં વરસાદને કારણે 15 ગ્રામીણ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ઋષિકેશ-બદ્રીનાથ હાઈવે પર તિનધારા પાસે મલબા-બોલ્ડર પડ્યો છે.

Shah Jina