કૌશલ બારડ લેખકની કલમે

Top 10 ગુજરાતી બુક જેણે ગુજરાતને ગાંડી કરી હતી!જો તમે આ ૧૦ બુક વાંચી જ નથી તો તમે ગુજરાતી નથી

૨૩ એપ્રિલ એટલે ‘વિશ્વ પુસ્તક દિવસ’.પુસ્તક માનવીનો સાચો મિત્ર છે એ વાત સાંભળી તો ઘણીવાર હશે પણ એકાંતમાં બેસીને કદી અનુભવી છે?જો હાં,તો તમે છો પુસ્તકોના વ્યસની!આજે પણ ઇલેક્ટ્રોનીક ઉપકરણો કરતા મેલું-ઘેલું પુસ્તક તમને વધારે આનંદ આપે છે?જો હાં,તો તમે છો પુસ્તકોના બંધાણી!

અહીં એક લિસ્ટ તૈયાર કરેલ છે જેમાં ગુજરાતી ભાષાના શ્રેષ્ઠત્તમ ૧૦ પુસ્તકો વિશે અમે જણાવ્યું છે.જો તમે ગુજરાતી ભાષાના જાણકાર છો કે તમને થોડો પણ રસ છે ગુજરાતી વાંચનમાં તો આ પુસ્તકો તમારે વાંચવા જ જોઇએ.ગુજરાતી ભાષાના બેમિસાલ પ્રસ્તુતીની પણ અહીં ઝાંખી થાય છે.તો આવો જાણીએ ક્યાં-ક્યાં છે એ ટોપ ટેન ગુજરાતી પુસ્તક જેના વિશે હરેક ગુજરાતીને ખબર હોવી જોઇએ :

(1)સૌરાષ્ટ્રની રસધાર –

ગાંધીજીએ જેને ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે નવાજેલા એ આપણી ભાતીગળ સંસ્કૃતિના સર્વશ્રેષ્ઠ લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના આ પાંચ ભાગના પુસ્તકે ગુજરાત ગાંડી કરી એમ કહો તો અણસાજતું નથી.ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશની લોકમુખેથી ચાલી આવતી સત્યઘટનાઓને એવો તો ઓપ આપ્યો છે આ કસબીએ કે વાંચનાર ડૂબી જ જાય એમાં!આ સાથે સોરઠી તળપદી ભાષાનો રસદાર પ્રયોગ પણ આકર્ષિત કરી દે તેવો છે.

(2)સરસ્વતીચંદ્ર –

ગુજરાતી ભાષાની સર્વશ્રેષ્ઠ અર્થાત્ નંબર વન નવલકથા કઇ છે ખબર?આ ‘સરસ્વતીચંદ્ર’ જ તો!ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા ધુરંધર સાક્ષરવર્ય દ્વારા લખાયેલ આ ચાર ભાગની મહાનવલ એકવાર પ્રત્યેક ગુજરાતીએ વાંચવા જેવી છે.ગુજરાતી ભાષામાં ઓછી ગમ ધરાવતા માટે સાક્ષરવર્યની ભાષા થોડી અઘરી જરૂર સાબિત થશે પણ તોયે અનહદ આનંદ આવશે.આખરે શું છે આ બુકમાં કે એ ગુજરાતી ભાષાની સર્વશ્રેષ્ઠ નવલકથા બની રહી ને આજે એક સદી વીતી ગઇ હોવા છતાં એને ટપી જાય એવી નવલકથા રચાઇ જ નથી?એ જાણવા માટે તો આ બુક વાંચવી જ રહી.(3)ભદ્રંભદ્ર –

ગુજરાતી ભાષાની પહેલી હાસ્યનવલ એટલે ભદ્રંભદ્ર!રમણભાઇ નીલકંઠ દ્વારા રચાયેલી આ હાસ્યનવલ આજે પણ લોકોને પેટ પકડીને હસાવવા માટે મજબૂર કરી મુકે તેવી છે.અમુક ઠેકાણે લાંબા વર્ણન હોવા છતાં આ નવલ છેવટ સુધી રસપ્રદ બની રહે છે.તમે ગુજરાતી સાહિત્યના રસિક છો તો આ પુસ્તક વાંચવું જ રહ્યું!સામાજીક રૂઢિરીવાજો પર કટાક્ષ કરીને નીલકંઠ સાહેબે જે હાસ્ય ઉપજાવ્યું છે એ બેનમૂન છે.(4)માનવીની ભવાઇ –

દુષ્કાળ કેવો હોય છે એની ખરેખરી વાસ્તવિક ભયાનકતા અનુભવવી છે?ગાયો માર્ગ પર મરી ગયેલા મંકોડા ચરી જાય એવા નજારા જોવા છે?માણસો ભરુ ગયેલી ભેંસના દેહને પથ્થરા મારીને માંસ કાઢીને કાચેકાચું ખાઇ જાય એવા કમકમાટીભર્યાં દ્રશ્યો જોવા છે?અને એમાંયે માનવતાનો અનુભવ કરવો છે?તો આ ગુજરાતી ભાષાની બીજા ક્રમાંકે આવતી નવલકથા તમારે માટે છે.પન્નાલાલ પટેલે લખેલી આ નવલકથાનું શબ્દોમાં વર્ણન પણ અશક્ય જ કહી શકાય.ગુજરાતમાં બહુ જૂજ વ્યક્તિઓ એવા છે જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે.એક હાથની આંગળી જેટલા જ!પન્નાલાલ પટેલ તેમાંના એક છે.અને માનવીની ભવાઇ માટે તેમને આ એવોર્ડ મળેલો છે.વધુ કોઇ પુરાવાની જરૂર ખરી?વાંચી જ લેજો મળે ત્યાંથી.

(5)તણખામંડળ –

ગુજરાતી ભાષામાં ટૂંકીવાર્તાના બેતાજ બાદશાહ ગણાતા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ઉર્ફે ‘ધુમકેતુ’નો ચાર ભાગમાં વહેંચાયેલો આ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ છે.એક-એક વાર્તા તમને જકડી રાખશે.એવા નજારા ઉભા થશે જે ખરેખર તમારુ સામે બનતા હોય!માનવ જીવનની ફિલસૂફી ભરી વાતો એમ જ બહાર આવતી દેખાશે!વધુ વાર ન લગાડતાં ‘તણખામંડળ’જરૂરથી વાંચી લેજો.એ યાદ રાખજો કે ધૂમકેતુ જેવી ટૂંકીવાર્તા પર કોઇ જ ગુજરાતી સર્જકે હજી સુધી પકડ મેળવી નથી.

(6)પૃથ્વીવલ્લભ –

કનૈયાલાલ માણેકલાલ મુનશી!ગુજરાતી સાહિત્યના ફલક પર આ માણસ જેવી ધારદાર,ચિરંજીવી ઐતિહાસીક નવલકથાઓ કોઇ લખી શક્યું નથી.’પૃથ્વીવલ્લભ’તેમાંની જ એક છે.માલવપતિ મુંજ અને ગંગરાજ તૈલપ વચ્ચે ચાલતા સંઘર્ષની ચોટદાર રજૂઆત અને મુંજના વિરાટ વ્યક્તિત્વનું એવું તો વર્ણન છે કે નવલકથા પૂરી કરતાં તમે એની અસરમાંથી બહાર નહી આવી શકો!હજી સુધી આ નવલકથા નથી વાંચી તો વાંચી જ લેજો હવે.ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠત્તમ ઐતિહાસિક નવલકથામાંની આ એક છે.

(7)દરીયાલાલ –

દૂર આફ્રિકાના ઘના જંગલોના એક અવાવરું કિનારે ગુજરાતના શેઠની એક પેઢી ચાલે છે.દરીયાદેવ સામે જ માઝા મૂકીને ગર્જે છે.પાછળ તો ગાઢ જંગલ જ છે.એમાં જામે છે ખૂનખાર જંગાલિયતનો હાદસો!પછી હાકોટા પાડતા સાગર પર ખેલાય છે જોરાવર સમુદ્રી યુધ્ધો…!હડુડુડુ…ધ્રબાંગ કરતાક ને તોપગોળાઓ અથડાય છે અને વિકરાળ જહાજોના કુવાથંભના કટકા થઇ જાય છે!ગુણવંતરાય આચાર્યે લખેલી ‘દરીયાલાલ’ ગુજરાતી ભાષાની નંબર વન દરીયાઇ નવલકથા છે.’પાઇરેટ્સ ઓફ ધી કેરેબિયન’ની મૂવીઓ જોઇ છે?ટૂંકમાં,આ હોલિવૂડ મૂવીઓને ઠોકર મારે એવી જબરદસ્ત વાર્તા ગુણવંતરાય આચાર્યે આલેખી છે આ પુસ્તકમાં.કોઇપણ વાચક એને એકવાર હાથમાં લે એટલે પૂરી કર્યા સિવાય રહી ના જ શકે,ના જ શકે!વાંચીને “અદ્ભુત!” ઉદ્ગાર પણ કાઢી જ બેસે.

(8)સત્યના પ્રયોગો –

ગાંધીજીની આત્મકથા.વિશ્વના સર્વશ્રેષ્ઠ પુસ્તકોની તોલે આવતી આ બૂક ગુજરાતી ભાષાને મળેલું અમૂલ્ય ઘરેણું છે.શાંતિના એક નહી એક હજાર નોબેલ પારિતોષિક જેની આગળ વામણા લાગે એવા બાપૂની આ કથા છે અને એ પણ તેમના હાથે લખાયેલી;એ પણ આપણી ગુજરાતી ભાષામાં!અમૂલ્ય જ કહેવાય!એક ગુજરાતી તરીકે આપણે આ પુસ્તકથી સુપેરે પરિચીત હોવું જરૂરી છે.એટલું જ નહી આજે પ્રત્યેક ઘરમાં આ પુસ્તકનો વસવાટ હોવો જોઇએ.

(9)ગુજરાતનો નાથ –

યાદીમાં બીજીવાર કનૈયાલાલ મુનશીનું નામ ઉમેરાય છે.ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતી,અદ્ભુત વર્ણન ક્ષમતા ધરાવતી અને ખરેખર વાચકને પુસ્તકના અંતિમ વાક્ય સુધી જકડી રાખતી આવી ઐતિહાસિક નવલકથાઓનો જોટો જડે તેમ નથી.’પાટણની પ્રભુતા’ પુસ્તકથી આ સિરીઝ ચાલુ થાય છે.એના પછી ‘ગુજરાતનો નાથ’ આવે છે અને અંતે ‘રાજાધિરાજ’.ગુજરાત પર સોલંકીરાજાઓના શાસનકાળને વિશાળ ફલક પર આટલી જબરદસ્ત રીતે કોઇ આલેખી શક્યું નથી.ધૂમકેતુએ પણ સિધ્ધરાજ જયસિંહ ઉપરાંત સોલંકી વંશાવલી વિશે નવલકથાઓ લખી છે છતાં ક.મા.મુન્શી જેટલી પ્રભાવક નહી.તે છતાં વાચકને છેવટ સુધુ જકડી રાખવામાં તે જરાય પાછા પડે તેવા નથી.અહીં નોંધ કરી લો કે ક.મા.મુન્શીના આટલાં પુસ્તકો ગમે તેમ કરીને ખરીદી લેશો અથવા વાંચવા મળે તો સોનું મળ્યું એમ સમજી મુકશો નહી – પાટણની પ્રભુતા,ગુજરાતનો નાથ,રાજાધિરાજ,પૃથ્વીવલ્લભ અને જય સોમનાથ.

(10)રંગતરંગ –

ગુજરાતી ભાષાના સૌથી શ્રેષ્ઠ હાસ્યકાર કોણ છે ખબર?જ્યોતિન્દ્ર દવે!રંગતરંગ ના છ ભાગ એમના જ હાસ્ય ભેજાંની અદ્ભુત દેણ છે.તમને થોડી પણ ગુજરાતી ભાષાની ગતાગમ છે તો દવેસાહેબની બુક વાંચી લોટપોટ થઇ જશો.શા માટે ગુજરાતી ભાષાના નંબર વન હાસ્ય લેખક કહેવાય છે તેમને ખબર?એ જાણવા માટે એનું પુસ્તક છ વાંચી લેજો.

લેખક – કૌશલ બારડ

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો