લેખકની કલમે

“તો ભગવાન રાજી થશે…” – શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો મર્મ સમજાવતી અદભૂત વાર્તા, સમાજ માટે ઉતમ ઉદાહરણ સાબિત થશે….વાંચો અને શેર કરો આ સમજવા જેવી વાત….

“તો ભગવાન રાજી થશે..સૌ જીવોમાં દર્શન શિવનું, એજ સાચી શિવ ભક્તિ.
ભક્તિની ત્યજી સરળતા, આડંબરમાં ભટકે વ્યક્તિ. અપનાવું સર્વ જીવધારીને, તારોજ અંશ સમજીને હું,
આટલી સમજ દે તું પ્રભુ, અને સમજણની શક્તિ…” – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’
સોમવતી અમાસનો દિવસ હતો. આખો મહિનો ભગવાન શિવની ખૂબ ભક્તિ ભાવથી સેવા પૂજા કરી ગામ લોકો ખૂબ ધન્યતા અનુભવી રહ્યા હતા. વ્હાલા શ્રાવણ માસ અને વ્હાલા મહાદેવની મહિમાનો માસ શ્રાવણ આજે વિદાય લઈ રહ્યો હતો. આમ તો ઈશ્વર આરાધના માટે કોઈ શિડયુલ ન હોય પણ આપણા પૂર્વજો જે વ્યવસ્થા ખાતર બધી ગોઠવણ કરીને ગયા છે એ એના સ્થાને ખૂબ યોગ્ય અને વ્યવહારિક પણ છે.
એ ગામમાં પણ લોકોએ ખૂબ શ્રદ્ધા ભાવથી ભગવાન શિવની આખા શ્રાવણ માસ દરમિયાન ભક્તિ કરી અને ગામની વર્ષો જૂની પરંપરા હતી કે શ્રાવણી અમાસના દિવસે ગામથી દસેક કિલોમીટર દૂર આવેલ પ્રસિદ્ધ અને અતિ પ્રાચીન શિવાલયમાં જવું અને વિદાય લઈ રહેલ શ્રાવણ માસના અંતિમ દિવસે ભગવાન શિવને જળ અને દૂધનો અભિષેક કરી આખા શ્રાવણ માસની ભક્તિનું શુફળ ભગવાન પાસે માંગવું. એ ગામની વર્ષો જૂની પરંપરા એ દિવસે પણ નિભાવવાની હતી. એ જુના શિવાલયમાં ગામલોકો સૌ સાથે જતા અને ભગવાન શિવને અભિષેક કરતા. એમાં જેટલા લોકોને જોડાવું હોય એ તમામ જોડાઈ શકતા. કોઈ પાબંધી ન હતી. પણ એક ખાસ નિયમ એ હતો કે આખા શ્રાવણ માસ દરમિયાન જેને જેને એકટાણા કર્યા હોય એટલા ભક્તોએતો એ રસમ નિભાવવા ખાસ આવવુજ પડતું. વર્ષોથી ચાલી આવતી ગામની એ પરંપરા આજ દિવસ સુધી અકબંધ હતી. ભલે ગમેતે કામ હોય પણ આ નિયમ કોઈ દિવસ તૂટ્યો ન હતો.
એ દિવસે પણ ગામની લગભગ ત્રીસ પાંત્રીસ સ્ત્રીઓ કે જેમને આખો મહિનો એકટાણા કર્યા હતા એમને તો ખાસ શિવ અભિષેક કરવા શિવાલય જવાનું હતું. આગલા દિવસે રાત્રે ભજન મંડળીમાં નક્કી પણ થઈ ગયું હતું કે આવતી કાલે સવારે આઠ વાગ્યે સારું ચોઘડિયું છે તો આઠ વાગ્યેજ શિવ અભિષેક માટે શિવાલય જવા બધાએ ઘેરથી નીકળવું. વાત પાકા પાયે નક્કી થઈ ગઈ અને બધી સ્ત્રીઓ ભજન ગાઈ પોતપોતાના ઘેર ગઈ.
સવાર પડી એકટાણા કરનાર એ ગામની પાંત્રીસ સ્ત્રીઓમાંના એક બેન પણ સવારે શિવાલય જવા વહેલા ઉઠી નાહી ધોઈ વહેલા પરવારી ગયા. ઘરે ભગવાનની જે દિવા બત્તી કરવાની હતી એ પણ કરી લીધી. ભગવાન શંકરને જે જે સામગ્રીનો અભિષેક કરવાનો હતો એ તમામ વસ્તુ પણ પોતાની પૂજાની થેલીમાં એકઠી કરી લીધી. હવે રાહ માત્ર આઠ વાગ્યાની હતી કે એ શુભ ચોઘડિયે શિવાલય જવા નીકળવાનું હતું. એ બેન વારંવાર પોતાના ઘરની બાજુના વાડામાં નજર નાખી રહ્યા હતા. એ વારંવાર બોલાવી રહ્યા હતા કૂતરાઓને કે કાયમ પહેલા કૂતરાઓને ખવડાવી પછીજ પોતે ચા પાણી કરતા. આજે આઠ વાગવા આવ્યા છતાં કૂતરાં ખાવા માટે આવ્યા ન હતા. એ કુતરાઓની ટોળીમાં એક કુતરી પણ હતી કે જે વિયાવાની તૈયારીમાં હતી.
આઠ વાગવાની અને ઘરેથી શિવાલય જવાની હવે માત્ર પાંચજ મિનિટ બાકી હતી. હજી સુધી કૂતરાં ખાવાનું ખાવા આવ્યા ન હતા એટલે એ બેન પોતેજ હવે વાડામાં, કૂતરાં શા માટે નથી આવ્યા એ શંકાનું સમાધાન કરવા ગયા. આઠ વાગી ચુક્યા હતા. ગામની બીજી સ્ત્રીઓ એ બેનને શિવ મંદિર જવા બોલાવવા પણ આવી ગઈ હતી પણ એ બેન તો હતા વાડા માં કે જ્યાં કુતરી વિયાઈ ચુકી હતી. સુવાવડ થવાથી અને એક સાથે પાંચ ગલુંડિયાને જન્મ આપનાર એ કુતરી હવે ભૂખથી બરાડા પાડી રહી હતી. એ બેન સામે એવું ધર્મસંકટ ઉભું થયું કે જ્યાં એક તરફ ભગવાન શિવના અભિષેક માટે ગામની સ્ત્રીઓ એમને બોલાવી રહી હતી તો બીજી તરફ તાજીજ વિયાએલી ભૂખથી આક્રંદ કરતી કુતરી કઈક ખાવા માટે બરાડા પાડી રહી હતી. એ બેને બોલાવવા આવેલી ગામની સ્ત્રીઓને કહી દીધું…

તમે શિવાલય જઈ આવો હું પછી જઈશ…”તો બધી સ્ત્રીઓએ પણ સામે કહ્યું કે…

“પણ અલી સમજ આઠ વાગ્યાનું શુભ ચોઘડિયું છે. જો એ વીતી જશે તો પછી તારો કરેલો અભિષેક અફળ જાશે અને સાથે સાથે તે જે આખો મહિનો એકટાણા કર્યા છે એનું પણ ફળ તને નહિ મળે…”
એ બેને પણ મનમાં એક પ્રકારનાં સમાધાન અને મુખ પર પરમ સંતોષના અને ત્યાગના ભાવ સાથે જવાબ આપ્યો કે…”ભૂખથી આક્રંદ કરતી આ કુતરીને એમને એમ મુકીને હું શિવ અભિષેક કરવા આવું તો કદાચ શંકર ભગવાનને પણ નહીં ગમે… એટલે તમ તમારે તમે ખુશીથી જઇ આવો. હું પછી જઈશ…”
“આ બાઈ સાવ મૂરખ છે લ્યો… ખાલી એક કુતરી માટે આખા મહિનાના એકટાણા અફળ કરવા બેઠી છે. અને આખા વર્ષમાં માત્ર એકવાર મહાદેવજીના અભિષેક જેવા પવિત્ર અને પુણ્યકારી કામને પણ કરવા નથી માંગતી…” આવી અંદરો અંદર ચર્ચા કરતી બધી સ્ત્રીઓ શિવાલય જવા રવાના થઈ ગઈ…

આ તરફ પેલી બેને વિયાએલી કૂતરીને પોતાના ઘેર ચોખ્ખા ધી નો શિરો બનાવી ભરપેટ ખવડાવ્યો. અને ભૂખી કૂતરીની ભૂખથી આક્રંદ કરતી આંતરડી ઠારી. એક તરફ ગામથી દૂર શિવાલયમાં ગામની સ્ત્રીઓ દ્વારા પથ્થરના શિવલિંગ પર દૂધ દહીં નો અભિષેક થઈ રહ્યો હતો તો બીજી તરફ પોતાના ઘરના વાડા માં એ બેન દ્વારા એ કુતરી કે એ અબોલ જીવમાં પણ સાક્ષાત શિવ સૂક્ષ્મ સ્વરૂપે વિદ્યમાન હતા એના આત્માની તૃપ્તિ થઈ રહી હતી.

એ બેનને ખુદ ભગવાન શિવના અભિષેક માં જે આનંદ આવવાનો હતો એનાથી પણ વધુ આનંદ એક કૂતરીને ખવડાવવાનો આવ્યો હોય એવા આત્મસંતોષનો આભાસ મનોમન થઈ આવ્યો…

શિવને અભિષેક કરી બધી સ્ત્રીઓ ગામમાં પાછી ફરી. વળી પાછી બધી સ્ત્રીઓ એ બેનના ઘેર આવી અને કહેવા લાગી…”બઉજ આનંદ થયો. અમારો શિવ અભિષેક થઈ ગયો અને તું રહી ગઈ…”
પેલી બેને પણ આત્મસંતોષના આનંદ સાથે ખુબજ સહજતાથી કહ્યું…”મારો પણ શિવ અભિષેક ઘરના વાડામાં જ થઈ ગયો…”

સ્ત્રીઓ વચ્ચેનો આ વાર્તાલાપ સાંભળી કદાચ “આપણે માત્ર શિવલિંગ કે મંદિર પૂરતો મર્યાદિત કરી અને માની લીધેલ સર્વવ્યાપી એ ભગવાન શિવ પણ મનોમન કહી રહ્યો હશે કે હે માનવ તે મારી હાજરી માત્ર મંદિરમાજ માની લીધી પણ તને કોઈ જીવના આક્રંદમાં મારી હાજરીની પ્રતીતિ પણ થતી નથી…

● POINT :

શિવ એ માત્ર મંદિરોમાં પથ્થરમાં પુરાયેલ તત્વ નથી. શિવ એતો જગતના સર્વ જીવોમાં સૂક્ષ્મ રીતે વિચારી રહેલ વિરાટ સ્વરૂપ છે. સર્વ જીવોમાં એ શિવના દર્શનની દ્રષ્ટિ કેળવવી એજ સાચી શિવભક્તિ…

લેખક:- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર) GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.