દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“તમે રાણા બાપુને ઓળખો છો” જે વ્યક્તિનો કયારેય સપનામાં પણ પરિચય ન હોય તે વ્યક્તિ સાથેના સંબંધોની બડાઈ ક્યારેય ન મારવી જોઈએ-વાંચો મુકેશ સોજીત્રાની કલમે

ગાડીને સિગ્નલ અપાઈ ચૂકયું હતું. મુસાફરો સાબદા થઇ રહ્યા હતા. નટવરગઢથી ગાડી ઉપડી ચુકી હતી. પાંચ જ મીનીટમાં ગાડી સુરજ ગઢ આવી પહોંચે એમ હતી. આજુબાજુનો વિસ્તાર થોડો ડુંગરાળ અને ગીચ ઝાડી વાળો. એમ તો બસો પણ વાહન વ્યવહાર માટે ઉપલબ્ધ હતી પણ રેલગાડી સસ્તી પડતી હોવાના કારણે લોકો રેલગાડીમાં જ વધારે મુસાફરી કરતાં હતાં.
દુરથી ગાડી દેખાણી અને પાવો પણ વાગ્યો. રણમલ ગઢ તરફ જવા વાળા મુસાફરો તૈયાર થઇ ગયાં. બુધવાર હોવાના કારણે રોજ હોય એટલી ભીડ નહોતી. આમ તો બધે બ્રોડગેજ લાઈનો નંખાઈ ગઈ હતી પણ હજુ સુધી આ ટ્રેક મીટર ગેજ જ રહ્યો હતો. બારેક સ્ટેશન પસાર કરતી ગાડી દિવસમાં બે ફેરા કરતી હતી. પહેલા કોલસાના એન્જીનથી ચાલતી ગાડી હવે ડીઝલ એન્જીનથી ચાલતી હતી. ડબ્બા પણ જુનવાણી હતાં. બસ કશું જ બદલાયું નહોતું.

અહીંથી ગાડી ઉપડે એટલે કલાકમાં રણમલ ગઢ આવે પછી નાજર રોડ, વીકાવદર, માધવ ગઢ અને છેલ્લે વિઠ્ઠલગઢ!! વિઠ્ઠલ ગઢથી વળી એન્જીન આગળ આવે અને ગાડી પાછી સુરજ ગઢ તરફ રવાના થાય. સુરજગઢ થી નટવર ગઢ વાંકિયા રોડ અને બીજા ત્રણ નાના સ્ટેશન લઈને ગાડી ધારા ગઢ પહોંચે. ત્યાંથી ગાડી પાછી ફરતી હતી. ઘણા લોકો ગાડીને “વિઠ્ઠલગઢ એક્સપ્રેસ” કહેતા હતાં. શનિ રવિ ગાડીમાં ૧૨ ડબ્બા જોડાયેલા હોય બાકીના દિવસોમાં ૧૦ ડબ્બા!!

Image Source

વિઠ્ઠલ ગઢ એક્સપ્રેસ હાંફતી હાંફતી ઉભી રહી અને જે લોકોને નજીક પડ્યો એ ડબ્બામાં ચડી ગયાં. જોકે બધા જ ડબ્બા જનરલના હતાં એટલે ગમે તે ડબ્બામાં ગમે તે ચડી જાય એવી વ્યવસ્થા હતી!!.
“ચાય ગરમ ચાય ગરમ!! ચીકુ લાડવા!! સાકર લાડવા!! ગરમા ગરમ સમોસા!! ગરમા ગરમ સમોસા” ફેરિયાઓના અવાજ થી સ્ટેશન ગુંજી ઉઠયું!! આગળથી લોકો પાઈલટ પાછળથી ગાર્ડ અને વછલા ડબ્બામાંથી ઉતરેલા ટીટી ત્રણેય જણા સમોસાના કેબીન પાસે ભેગા થઇ ગયા. સમોસા વાળાએ ત્રણેયને સમોસાના મોટા મોટા પડીકા આપ્યાં. સમોસાના કેબીનની પાછળ મોટા અક્ષરોમાં રેલવે યુનિયનની ચૂંટણીના બોર્ડ લાગેલા હતાં.
“શર્માજી ક્યાં ચલ રહા હૈ!! આજ કુચ મુનાફા હુવા કી નહિ!!” લોકો પાયલટ ટીટીને ઉદેશીને બોલ્યો!!
“ સિર્ફ છહ લોગ બીના ટિકિટકે મિલે!! આજ કલ મુનાફા કમ હો ગયા હૈ!! ફિર ભી ચલતા રહતા હૈ!! જો ભી મિલતા હૈ ભગવાન કા દિયા હુઆ પ્રસાદ સમજતે હૈ!! ફિર ભી કામ ચલ જાતા હૈ!! કલ સે દેખતે હૈ ક્યાં હોતા હૈ!!” સમોસા ખાતા ખાતા શર્માજી બોલ્યા.
ગાડીના પાંચમાં નંબરના ડબ્બામાં ત્રણ આદમી અને એક મોટી વયની સ્ત્રી આ સ્ટેશનેથી ચડેલા અને જગ્યા ભાળીને વચ્ચે બેસી ગયા. એ બેઠક પર એક મોટી ઉમરની વય્ક્તિ હાથમાં રસ્કિન બોન્ડની વાર્તાનું કોઈક પુસ્તક વાંચી રહ્યો હતો એની બાજુની બેઠકો અને સામેની બેઠકો ખાલી હતી. ત્યાં આ ચારેય હડી કાઢીને બેસી ગયાં.

Image Source

“ બે જણા બાથરૂમ ગયાં છે એ આવે છે આ ડબ્બામાં આગળની બેઠકો ખાલી છે ત્યાં જતા રહોને!! અહી રૂમાલ પણ મુકેલો છે. બે જણા આવે છે” બહુ જ સૌમ્ય ભાષામાં પેલા વડીલ જેવા દેખાતા માણસે વાત કરી. પણ તોય ધરાહાર પેલા ત્રણ જણા વડીલની સામે બેસી ગયાં. સીટ પર મુકેલા રૂમાલ વડીલ તરફ ફેંક્યા અને એમાંથી એક બોલ્યો.
“ આવશે એટલે ઉભા થઇ જઈશું!! જેમ સબ ભૂમિ ગોપાલની છે એમ ગાડીમાં કોઈની સીટ ન હોય!! જે બેહે એની સીટ કહેવાય!! તમને નો ફાવે તો એ બે જણા આવે એટલે આગળની સીટમાં વયા જજો. આમેય આગળની સીટો ખાલી છે જ ને?? અરે તેમ કેમ ઉભા બહેન તમે પણ અમારી સામે બેસી જાવ!!” લાલ રંગના શર્ટ પહેરેલ માણસે પેલા વડીલની સામે ધારદાર નજર કરીને પોતાનો વાણી પ્રવાહ શરુ રાખ્યો!!

“ ગાડીમાં અને બસમાં રૂમાલ મુકીને જગ્યા રોકવાનું તો આપણા દેશમાં જ બાકી બીજા કોઈ દેશમાં આવો રીવાજ જ નથી બોલો. અને માણસો પાછા ખોટું પણ બોલે કોઈ નો આવવાનું હોય ને તો પણ રૂમાલ નાંખીને જગ્યા રોકી રાખે અને પછી ગાડી ઉપડે ને પછી લાંબા ટાંગા કરીને સુવે!! જાણે કેમ આખા ડબ્બાની ટિકિટ ના લીધી હોય!! લાલ શર્ટ વાળો હજુ બોલતો જ હતો ત્યાં જ બે જણા આવીને એની સામે તાકી રહ્યા. એની આંખો સ્પષ્ટ પણે કહી રહી હતી કે આ જગ્યા પર એ બેઠા હતા. એને જોઇને પેલો લાલ શર્ટ વાળો થોડો ઝંખવાણો પડી ગયો પણ બારી પાસે બેઠેલા વડીલે પરિસ્થિતિ સંભાળી લીધી અને એ તરત જ બોલ્યાં!!

“ અહી આ લોકો હવે બેસી ગયા છે અને આ બહેન પણ બેઠા છે તમે એમ કરો આગળ જઈને બેસોને જ્યાં જગ્યા હોય ત્યાં અને આમેય એકાદ કલાકનો જ સવાલ છે. હમણાં જ રણમલ ગઢ આવી જશે” કશી પણ દલીલ કર્યા વગર પેલા બને ડબ્બામાં આગળની બેઠક પર જતાં રહ્યા અને ગાડી વળી ઉપડી!!
બારી પાસે વડીલે ગુલાબી રંગનો ઓપન શર્ટ પહેર્યો હતો. રેશમી ચોરણી અને બાજુમાં ખેસ જેવું કશુક હતું. એની આંખો પાણીદાર અને તેજસ્વી હતી. રીમ વાળા મોંઘા ચશ્માં પણ હતા. ચહેરા પર ભરાવદાર રેખાઓ. મજબુત બાંધો ઉમર સીતેર વરસની આસપાસ હોવા છતાં ચહેરા પર ઘડપણની એક પણ રેખા દેખાતી નથી. તે સામે બેઠેલ ત્રણેય વ્યક્તિને તાકી રહ્યા હતાં. એક લાલ શર્ટ વાળો હતો. મોઢાં પર ચાઠાં હતા અને દાંત પરથી જ ખબર પડી જાય એમ હતું કે એ તમાકુનો જોરદાર બંધાણી હોવો જોઈએ એની બાજુમાં જ એક સફેદ ખમીસ અને કાળું પેન્ટ પહેરેલ બેઠો હતો. એની સાથે બે મોટા થેલા હતા. ભરાવદાર મૂછો અને વધારે પડતું મોટું માથું વાળ અરધા ધોળા અને અર્ધા કાળા હતા. ત્રીજો માણસ બને કરતાં વધારે ઉમર વાળો લાગ્યો કેડિયું અને ચોરણી પહેરેલ હતા.

ખિસ્સામાં લાઈટર હતું બીડી પીવાને કારણે મુછોનો અર્ધો રંગ બદલાઈ ગયો હતો. મોઢામાં અર્ધા દાંત પડી ગયા હતાં અને બીજા લગભગ પડવાની તૈયારીમાં હતા. ત્રણેયનું નિરિક્ષણ કર્યા પછી વડીલની નજર પોતાની જ સીટ પર બેઠેલા સ્ત્રી તરફ નજર કરી. લાલ સાડીમાં એ બહેન સૌમ્યતાથી બેઠા હતા અને બારીની બહાર પસાર થતા વ્રુક્ષો જોઈ રહ્યા હતાં. વડીલ વળી પોતાની પાસે રાખેલ ઈંગ્લીશ પુસ્તકમાં ખોવાઈ ગયા. ગાડી આગળ ચાલતી હતી. રસ્તામાં ઘણી જગ્યાએ બહાર ઘેટા બકરા ચરાવતા ગોવાળો નજરે ચડી રહ્યા હતા. લાલ શર્ટ વાળાએ મૌન તોડ્યું અને વડીલને ઉદેશીને કહ્યું!!

Image Source

“ રણમલગઢ સુધી જ જવાના કે આગળ વિઠ્ઠલ ગઢ સુધી જવાના છો તમે.. હું તો લગભગ બારે માસ આ ટ્રેનમાં આવ જા કરું છું પણ તમને કોઈ દી નો ભાળ્યા એટલે પૂછું છું.. નવા લાગો છો આ વિસ્તારમાં” જવાબમાં વડીલે પુસ્તક નીચે મુક્યું અને બોલ્યાં.

“ રણમલ ગઢ સુધી જ જવાનું છે. અને તમારે ??”
જવાબમાં લાલ શર્ટ વાળો બોલ્યો કે એને પણ રણમલ ગઢ સુધી જ જવાનું છે ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર આવેલ એક લાતપર ગામનો એ રહેવાસી હતો. સફેદ ખમીસ વાળો પણ રણમલ ગઢ જ ઉતરવાનો હતો એનું ગામ વળી લાતપરની વિરુદ્ધ દિશામાં ચારેક કિમી જેવું હતું. કેડિયું અને ચોરણી પહેરેલ વૃદ્ધ હતા તો રણમલ ગઢના પણ એ ગામથી છ કિલોમીટર દૂર એક નેસમાં વસતા હતા. પેલા બેનને વિઠ્ઠલગઢ સુધી જવાનું હતું ત્યાં એ શાળામાં શિક્ષિકા હતા. બહેને વડીલને પૂછ્યું.
“ રણમલ ગઢમાં તો રાણા બાપુ આવ્યા છે નહિ અઠવાડિયાથી?? અત્યાર સુધી રાણા બાપુ અને એનો પરિવાર લંડનમાં વસતો હતો. પણ હમણા અઠવાડીયાથી એ આવ્યાં છે એવા સમાચાર છે.આમ તો રાણા બાપુની હવેલી વરસોથી બંધ જ હાલતમાં હતી.એના દુરના કુટુંબીજનો ત્યાં રહેતા હતા પણ હવે રાણા બાપુ આવ્યાં છે અને છ મહિના જેવું રોકાવાના છે એવી વાતો વિઠ્ઠલ ગઢમાં થતી હતી!! તમે રાણા બાપુને ઓળખો છો?? એના વિષે ઘણી અવનવી વાતો સંભળાય છે કે રાણા બાપુ એટલે રાણા બાપુ!! જોકે નવી પેઢીને ન ખબર હોય પણ તમારા જેવા જૂની પેઢીના લોકો કદાચ એને ઓળખતા હોય એવું બને”
વડીલે એ બહેન તરફ જોઇને બોલ્યાં.
“આવ્યાં છે એ વાત તો મેં પણ સાંભળી છે પણ આપણે એને રૂબરૂ જોયા નથી. હું લગભગ વરસ દિવસથી બહાર હતો અને આમેય રણમલ ગઢમાં હું કામ સિવાય લાંબુ ટકતો નથી એટલે કેમ ખબર પડે?? પણ હવે બધા રજવાડા તો જતાં રહ્યા ને લોકોનું રાજ આવ્યું એટલે રાણા બાપુ હોય કે ભાણા બાપુ બધાય સરખા જ ગણાયને””? પણ તરત જ બહેન બોલ્યાં.
“ એ વાત સાચી પણ આ તો મારા પિતાજી હમણા જ અવસાન પામ્યાં પણ એ જીવતા હતા ત્યારે રણમલ ગઢની વાત નીકળે ત્યારે એ અવશ્ય રાણા બાપુની વાત કરે અને મને કહેતા કે પેલાના રાજવીઓ આવા ગૌરવશાળી હતા. મારા પિતાજી એ વખતે રણમલ ગઢની હાઈસ્કુલમાં સંસ્કૃત અને અંગ્રેજી શીખવતા. રાણાબાપુ એમની પાસે ભણવા જતાં. રાજકુંવર હોવા છતાં કોઈ જ અભિમાન નહિ. રાણા બાપુ સહુ વિદ્યાર્થીઓ સાથે હળી મળીને રહેતાં. મારા પિતાજી એમની ઘણી વાતો કરતા એટલે મને કુતુહલ થયું છે કે કદાચ તમે રણમલ ગઢના છો એટલે એને ઓળખતા હશો” જવાબમાં પેલા વડીલ કશું ન બોલ્યાં પણ પેલા લાલ શર્ટ વાળા ભાઈ બોલી ઉઠયા.

Image Source

“ મારેને રાણા બાપુને આમ તો ઘર જેવો સંબંધ!! મારા પિતાજી રાણા બાપુના બાપા નિર્મળસિંહ ના ખાસ નાતેદાર! અઠવાડિયામાં ત્રણ દિવસ તો નિર્મળ સિંહ અમારે ગામ લાતપર હોય જ!! આખી રાત રોકાય અને નિર્મળબાપુ સાથે મારા બાપા ચોપાટ રમતાં. રાણા બાપુ ત્યારે તો સાવ નાના એ પણ ક્યારેક એના બાપા સાથે આવે અને હું એની સાથે રમતો..

તમને એક વાતની કદાચ નવાઈ લાગશે કે રાણા બાપુ ભારે બીકણ હતા. અમે ફળિયામાં સુતા હોઈએ અને એમાય જો કુતરા ભસેને તો પણ રાણા બાપુ બી જતા. હું એનો હાથ પકડી નો રાખું ત્યાં સુધી એ સુવે નહિ બોલો!! અઠવાડિયા પહેલા એ આવ્યાં છે. આમ તો ઇન્દિરા ગાંધીએ સાલીયાણા બંધ કરી દીધાં પછી રાણા બાપુને એમ લાગ્યું કે કદાચ હવે અમારી બધી મિલકત પણ સરકાર લઇ લેશે તો એટલે પછી રાતોરાત બધી જ મિલકતો લઈને રાણા બાપુ જેવા ઘણા રજવાડાઓ રાતોરાત લંડન ભેગા થઇ ગયા.

રાણા બાપુ પાસે બાપદાદાની બહુ જ મિલકતો હતી ખાસ તો સોનું અને હીરા બહુ જ હતા. રાણા બાપુ જ્યારે છેલ્લી વખત અમને મળ્યા ત્યારે એની આંખોમાં આંસુ હતા!! મનેય ઘણું કીધેલું કે ચીમન તારી વગર મને સોરવશે નહિ તુય હાલને લંડન!! તારે ત્યાં કશું નહિ કરવાનું એય આપણે બેય લંડનમાં રખડ્યા કરશું અને મોજ કરશું પણ મને છે ને લાતપર સિવાય ક્યાય ન ફાવે એટલે રાણા બાપુને આપણે ચોખ્ખી ના પાડી દીધી કે ભાઈબંધી એની જગ્યાએ પણ મને લંડન નો ફાવે.. અહી જેવી બાદશાહી લંડનમાં થોડી મળે!!

અઠવાડિયા પહેલા એ આવ્યા ને ઈ જ રાતે રાણા બાપુ મારે ત્યાં લાતપર આવ્યા હતા. એ જુના દિવસો યાદ કર્યા. નિર્મલ બાપુ તો ત્યાં દેવ થઇ ગયા. લંડનમાં જ આવેલ એક નદી કિનારે એને અંતિમ સંસ્કાર કર્યા. મરતી વખતે પણ નિર્મળ બાપુ મારા બાપા હરજીને સંભારતા હતા અને એમ પણ કહેલું કે તું જયારે ભારત પાછો જાને ત્યારે ચીમન અને એના બાપા હરરજીને ચોક્કસ મળજે!! એટલે આવ્યા ભેગા જ રાણા બાપુ મારે ઘેર લાતપર આવ્યાં હતા અને આખી રાત રોકાયા.

સવારે શિરામણમાં બાજરાનો રોટલો માખણનો પિંડો અને છાસ આપી એટલે રાણા બાપુ ગદગદિત થઇ ગયા અને બોલેલા કે આખા લંડનમાં આવું ખાવાનું ક્યાય નો મળે અને વળી રાણા બાપુએ બીજી પણ વાત કીધી કે અંગ્રેજો ભારતમાં અમથા નહોતા આવ્યા રાજ કરવા!! ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જે ખાવાનું મળે છે એવું આખાય લંડનમાં ક્યાય નથી મળતું એટલે આવ્યા હતા” લાલ શર્ટ વાળા ચીમન હરજીએ વાત પૂરી કરી અને સહુ એને અહોભાવથી તાકી રહ્યા હતા. બારી પાસે બેઠેલા વડીલ પણ એની વાતથી ખાસા પ્રભાવિત થયા હોય એમ લાગ્યું. થોડી વાર પછી સફેદ ખમીસ પહેરેલો માણસ બોલ્યો!!

“મારું નામ કનકસિંહ..!! તમે જે રાણા બાપુ રાણા બાપુ કહો છોને એને હું રાણીયો કહું છું. કારણકે હું એનો કાયદેસરનો કાકો છું. આમ તો એનું આખું નામ રણજીતસિંહ છે મારા બાપા લખુભા એ નિર્મળસિંહ ના કાકા થાય. અત્યારે આ કહેવાતા રાણા બાપુ ની જે જમીનો અને જાયદાદ રણમલગઢમાં છે એ બધી આમ તો અમારી જ ગણાય પણ નિર્મળસિંહના બાપા યશવિજયસિંહ અંગ્રેજ સરકારના માણસ હતા અને મારા દાદા પ્રભાતસિંહ ભગવાનના માણસ એટલે રાજકીય કાવા દાવા કરીને એ બધીય મિલકત અને જાયદાદ પડાવી લીધી છે.

અત્યારે રાણા બાપુની જે જે મિલકતો છે એ બધું જ અમારું છે હું ધારું તો આવા કૈંક રાણા બાપુને સાંજ સુધીમાં સીધા કરી દઉં પણ મારા બાપુજી ના પાડે છે અને કહે કે બેટા કનક આપણે સાચા ક્ષત્રિયો છીએ એવું ન કરાય. હજી ચાર દિવસ પહેલા જ તમે જેને રાણા બાપુ રાણા બાપુ કહો છો એ મને રણમલ ગઢની મોટી બજારે ભેગો થઇ ગયો અને મેં એક કાતર મારી કે એની નજર નીચી થઇ ગઈ. મારી સામે એ નજર ના મિલાવી શક્યો. સત્ય હમેશા દઝાડતું હોય છે. સત્યનો તાપ ઝીરવવો મુશ્કેલ હોય છે. અને પછી મને દયા આવી એટલે મેં એને જવા દીધો બાકી એ સાવ સુકલકડી છે. શરીરમાં સહેજ પણ ચેતન નહોતું.

હું તો એને જોઇને જ ઓળખી ગયો એની સાથે બે ત્રણ લુખ્ખાઓ હતા એણે મારો પરિચય આપ્યો કે આ કનકસિંહ છે અસલી રાજવી એટલે રાણા બાપુ એક નાનકડી ગલીમાંથી ભાગી ગયો બોલો!! લોકો ખાલી ખોટા અમથા અમથા એની વાતો કરે છે બાકી એ તંબુરોય મહાન નથી!!” વાત કરતાં કરતાં કનકસિંહ મૂછે તાવ દેતા હતાં, જોકે એને ખાસ મૂછો હતી નહિ એ જુદી વાત છે. બારી પાસે બેઠેલા વડીલ બોલ્યાં. એનો ચહેરો પ્રસન્નતાથી ચમકી ઉઠ્યો હતો.
“ સાચી વાત છે કનકસિંહ તમે કહો એવું જ છે અત્યારે સાચા હોય એ વધેરાઈ જાય અને ખોટા અને પાણી વગરના નાળીયેરની જ પૂજા થાય છે, સાવ સાચી વાત છે તમારી કનકબાપુ” ગાડી ચાલી રહી હતી અને હવે કેડિયું અને ચોરણી પહેરેલ માણસ બોલ્યો.

Image Source

“અમે તો આમ સીમમાં રહેવા વાળા માણસ.. મારું નામ ખીમો મારા બાપાનું નામ સાદુળ પગી. રાણા બાપુના બાપાને કે એના દાદા સાથે અમારે સાત પેઢીનો સબંધ. રાણા બાપુ અને અમે બેય લંગોટિયા ભાઈબંધ!! જંગલોમાં શિકાર કરવા અમે સાથે જ જતાં. બાપુ તો બીકણ હતાં. સામે હરણું કે સસલું ભાળે ને બાપુના ટાંટિયા ધ્રુજવા લાગે પછી શિકાર તો હું જ કરતો અને નામ રાણા બાપુનું!! આવું જ નિર્મળબાપુનું હતું.. મારા બાપુ સાદુળ પગી શિકાર કરે અને રણમલગઢમાં જાહેર થાય કે બાપુએ શિકાર કર્યો. અમારે નામની કોઈ ગણતરી જ નહિ. રાણા બાપુ એના પરિવાર સાથે લંડન ગયાને ત્યારે આખી હવેલી અને ખેતર બધાય અમને સોંપવા આવ્યા હતા.પણ મારા બાપાએ ન પાડી અને કીધું કે અમે વગડાના માણસ.. અમને ગામમાં ન ફાવે ગામમાં આવીએ તો વગર વાંકે ઝગડો થાય એના કરતાં ભલો અમારો વગડો!!

હજુ બે દિવસ પહેલા જ રાણા બાપુ વગડામાં આવી ગયા. મારા છોકરા માટે ચશ્માં અને દૂરબીન લાવ્યાં. લંડનના પ્રખ્યાત પેંડા પણ લાવ્યાં.આપણા પેંડા એકદમ કાળા પણ લંડનના પેંડા પણ ત્યાના માણસો જેવા એકદમ ધોળા ધોળા બાસ્તા જેવા!! મને કહેતા હતા કે ખીમા આ વખતે તો તને લંડન લઇ જ જવો છે. ત્યાં શિકારીની તાણ છે એટલે તારું ત્યાં કામેય થાશે અને નામેય થાશે. પછી તો મેં અને રાણા બાપુએ બકરીના શેડકાઢા દુધની ઘાટી રગડા જેવી ચા પીધી ત્યારે રાણાબાપુની આંખમાં ઝળઝળિયાં આવી ગયા અને મને કીધું કે ખીમા લંડનમાં બધું જ મળે છે પણ આવા વગડામાં આવી બકરીના દુધની ચા નથી મળતી!!આપણો મલક ઈ આપણો મલક!!

એની હારે થોડું લંડન ફંડન આવે” ખીમાએ વાત પૂરી કરી અને ગાડીએ પાવો વગાડ્યો. રણમલગઢ આવી ગયું હતું. વડીલ સાથે પેલા બે જણા હતા ઈ આવ્યાં. ઉપરથી મોટી બે સુટકેશ ઉતારી અને વડીલની સામું જોઇને બોલ્યાં.
“ રાણાબાપુ હાલો રણમલગઢ આવી ગયું છે. લાવો પેલું પુસ્તક આ થેલામાં નાંખી દઉં”
અને આ સાંભળીને પેલા ત્રણેય જાણે સડક જ થઇ ગયા. રાણા બાપુએ આંખ પર ચશ્માં ચડાવ્યા. અને પેલા બહેન તરફ જોયું. ખિસ્સામાંથી બે હજારની એક ગુલાબી નોટ કાઢી અને એક કાર્ડ આપ્યું અને બોલ્યાં.
“ હું ન ભૂલતો હોવ તો તમારું નામ માલતી બહેન છે. તમારી માતાનું નામ સુમિત્રાબેન બરાબરને!! તમારા પિતા એચ એલ પંડ્યા પાસે હું ભણતો. ખુબ જ સારી રીતે સંસ્કૃત અને અંગ્રેજી ભણાવતા. જીવનમાં જે કાઈ છું એ બધું પંડ્યા સાહેબને કારણે છું. અત્યારે તો એ હયાત નથી. હયાત હોત તો હું એને શોધીને જરૂર મળત. તમે બહુ નાના હતા ત્યારે મેં જોયેલા હું પંડ્યા સાહેબની ઘરે આવતો.

હું રણજીતસિંહ નિર્મળસિંહ ઉર્ફે રાણા બાપુ હજુ હમણા જ લંડનથી આવ્યો છું. ધારાગઢ બે દિવસ ગયો હતો.સારું થયું કે ટ્રેનમાં તમે મળી ગયા. અત્યારે તમે વિઠ્ઠલગઢ જાવ છો પણ મારા મહેમાન થવા આવજો. હવેલીએ આવીને આ કાર્ડ બતાવજો માલતીબેન જરૂર આવજો. પંડ્યા સાહેબનો ખુબ ઋણી છું. એક ભાઈ તરફથી આ ભેટ સ્વીકારી લો માલતીબેન” કહીને રાણા બાપુએ બે હજારની નોટ માલતીબેનને આપી.

જવાબમાં માલતીબેન બોલ્યાં “ ભાઈ મારા બાપુ જે પ્રમાણે વખાણ કરતાં એ પ્રમાણે જ તમે છો!! ભગવાન તમને સો વરસના કરે રાણા બાપુ” કહીને માલતીબેને રાણા બાપુના દુઃખણા લીધા અને રાણા બાપુ હવે પેલા ત્રણેયની સામું જોઇને બોલ્યા. ત્રણેયના મોઢા પલળેલ કાગડા જેવા થઇ ગયા હતા!!
“ આજ મને ખબર પડી કે મારે એક કનક કાકા પણ છે!! કનકસિંહ!!!! પાછળ સિંહ લગાડીને ફરો છો તો એની તો આબરૂ રાખો. આવા ગોઠણેથી ઘડેલા ટાઢા પહોરના ગપ્પા ઝીંકવાના!! મારે તમારે ગામ આવવું પડશે. આમેય કાકાને ગામ ભત્રીજો નો જાય તો ક્યાં જાય!! અને ચીમન તું તો મારો નાનપણનો ભાઈ બંધ!! મારો હાથ પકડીને તું મને સુવડાવતો નહિ!! અને ખીમા બાકી તારી બકરીના દુધની ચા એટલે ચા!! આજ તમને ત્રણેયને હવેલીએ લઇ જાવા છે મહેમાનગતી કરવા!! સ્ટેશનની બહાર બે બગીઓ તૈયાર જ હશે. મારી મહેમાનગતિ માણીને જ જાવ તમે ત્રણેય!! આપણે તો ઘર જેવો જ સંબંધ નહિ?? કેમ બોલ્યાં નહિ કનકસિંહ કાકા!! કાંઇક તો બોલો”!! ત્રણેયના મોઢા કાળામેશ જેવા થઇ ગયા!!

ગાડી ઉભી રહી. રાણાબાપુ એના બે માણસો સાથે સ્ટેશન પર ઉતર્યા. બે બગીવાળા બાપુને લેવા આવ્યાં હતા. અને પેલા ત્રણ ચીમન , ખીમો , અને કનકસિંહ બીજા બારણેથી ફટાફટ ઉતરીને જાય નાડા તોડાવ્યે!!!
“ જે વ્યક્તિનો કયારેય સપનામાં પણ પરિચય ન હોય તે વ્યક્તિ સાથેના સંબંધોની બડાઈ ક્યારેય ન મારવી જોઈએ.

લેખક:- મુકેશ સોજીત્રા

૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks