ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તે પહેલા રાજકોટમાં દોરીથી જીવ જવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. પતંગના દોરાથી અનેક પક્ષી અને માણસોને જીવ ગુમાવવાનો વારો આવે છે. રાજકોટમાં દોરીના કારણે ઘરના મોભીનું નિધન થતા દીકરી પિતાવિહોણી બની છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, રાજકોટના અંકુરનગરમાં ગોપાલ પાર્કમાં રહેતા અને મિસ્ત્રીકામ કરીને ગુજરાન ચલાવતા 39 વર્ષીય વિપુલભાઈ નાનાલાલ બકરાણીયા શનિવારે સાંજે મિસ્ત્રીકામ કરીને ઘરે પરત ફરતા હતા ત્યારે શાસ્ત્રીનગર અજમેરા પાસે પતંગની દોરી ફસાતા નાક અને ગળામાંથી લોહી વહેવા લાગ્યું હતું. ગાડીની સ્પીડ હોવાથી દોરીએ ગળાની નસ કાપી નાખી હતી. જેથી સારવાર અર્થએ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ ડોક્ટરએ તેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. ઘટનાની જાણ થતા પરિવારજનોને થતા હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું.જણાવી દઈએ કે, વિપુલભાઈ મિસ્ત્રીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. વિપુલભાઈને સંતાનમાં એક 8 વર્ષની દીકરી છે. મિસ્ત્રીકામમાં પણ મંદી હોવાથી પરિવાર જેમ તેમ કરીને ઘર ચલાવી રહ્યો હતો. વિપુલભાઈ બે ભાઈઓમાં નાના હતાં.