વરસાદના માહોલ વચ્ચે ત્રણ મિત્રો નાની હોડી લઈને ગયા દમણ, પરત ફરતી વખતે હોડીએ મારી પલ્ટી, ત્રણેય તણાયા, એકની મળી લાશ

હાલ ગુજરાતની અંદર મેઘરાજાએ કાળો કહેર વર્તાવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સ્થિતિ ખુબ જ ભયાનક બની ગઈ છે, ઠેર ઠેર પાણી ભરાવવાની ઘટનાઓ પણ સામે આવી છે અને ઘણા વાહનો પણ તણાઈ ગયા હોવાની ખબર જોવા મળી છે, ત્યારે આ ધોધમાર વરસાદમાં ત્રણ મિત્રો દમણ નાની હોડી લઈને ગયા હતા. જે ઉંધી થઇ જતા ત્રણેય પાણીમાં તણાયા હતા. જેમાંથી બે મિત્રો બચી ગયા અને એક મિત્રનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉદવાડા ગામ ખાતે રહેતા ત્રણ મિત્રો દમણથી હોડીમાં પરત ફરી રહ્યા હતા ત્યારે  કોલક ખાડીમાં હોડી પાણીમાં ઉંધી વળી જતાં હોડીમાં સવાર ત્રણેય પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ દરમિયાન પાણીમાં પડેલા ત્રણ યુવાનોમાંથી બે યુવાનો તરીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા જયારે એક યુવક લાપતા થયો હતો, જેનો લાશ બીજા દિવસે ઉદવાડા માંગેલવાડ દરિયાકિનારેથી મળી આવી હતી.

આ ત્રણ મિત્રો શા કારણે દમણ ગયા હતા તેની કોઈ માહિતી હજુ સુધી નથી મળી રહી. ત્રણ મિત્રો અબ્દુલ ઉસ્માન શેખ,  જીતેશ રમેશભાઈ માંગેલા અને રામાભાઇ ટંડેલ નાની હોડી લઈને દમણ ગયા હતા, જ્યાંથી પરત ઘરે આવવા દરમિયાન કોલક ખાડીની નદી પસાર કરતા સમયે નદીમાં અચાનક પાણીનું વહેણ વધી જતા તેમની નાનકડી હોડી ઉંધી વળી ગઇ હતી. જેમાં સ્વર ત્રણેય લોકો પાણીમાં તણાયા હતા. જેમાંથી બે મિત્રો બહાર આવી ગયા હતા અને અબ્દુલ ઉસ્માન શેખ નદીના પાણીમાં ગરક થઇ લાપતા બન્યો હતો.

આ ઘટનાની જાણ ગામના લોકોને થતા ગામના અગ્રણી અને માજી સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુ ભાઈ પટેલે અબ્દુલ શેખની દરિયામાં શોધખોળ શરૂ કરી હતી જોકે આ શોધખોળ દરમિયાન ઉદવાડા માંગેલ વાડના દરિયાકિનારે અબ્દુલ શેખ નો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ પારડી પોલીસને કરતા પારડી પોલીસે લાશનો કબજો લઈ પી.એમ.માટે ઓરવાડ CHC હોસ્પિટલ લઇ ગઈ હતી અને જ્યાં પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Niraj Patel