જાણવા જેવું જીવનશૈલી નીરવ પટેલ પ્રેરણાત્મક લેખકની કલમે

તમારા વિચારો પર ઘણું બધું નિર્ભર હોય છે, તમારો એક વિચાર કોઈના જીવનમાં ઘણો મોટો પ્રભાવ પાડી શકે છે, વાંચીને નવું જાણવા મળશે

માણસ વિચારશીલ પ્રાણી છે, માણસના વિચારો જ તેને મહાન બનાવે છે અને તેને નીચો પણ પાડે છે, માણસના વિચારો ઉપર જ ઘણુંબધું નિર્ભર કરતુ હોય છે. પ્રશ્ન થાય કે માણસના વિચારો કેવા હોવા જોઈએ? માણસે કેવું વિચારવું જોઈએ? આ બધા સવાલોના જવાબ આપણી અંદર જ પડેલા હોય છે છતાં પણ આપણે બીજા લોકોનું જોઈને આપણા વિચારોને પણ એ દિશામાં લઇ જતા હોઈએ છે પરિણામે કોઈક વાર તકલીફો પણ ઉભી થાય છે.

દેશ અને દુનિયામાં જે ખોટા કામો થઈ રહ્યા છે તેની પાછળ પણ માણસના વિચારો જ મહત્વનો ભાગ ભજવતા હોય છે, માણસ પોતાના ખરાબ વિચારો દ્વારા કોઈનું ખરાબ કરવાનો જ વિચાર કરતો હોય છે અને ત્યારે જ દેશની શાંતિ પણ ભંગ થતી હોય છે.

બળાત્કાર જેવા કિસ્સાઓમાં પણ માણસના વિચારોની ભૂમિકા ખુબ જ મોટી હોય છે, માણસ સતત કોઈ બહેન દીકરી વિશે ખરાબ વિચારતો હોય ત્યારે તેના મનમાં પણ બળત્કાર જેવા દુષ્કૃત્યો કરવાનો વિચાર જન્મે છે અને જેના કારણે તે કોઈ બહેન દીકરીનું પણ જીવન બરબાદ કરતો હોય છે. તેનું પરિણામ પણ તેને ભોગવવું પડે છે, અને પોતાના કરવા ઉપર તેને પછતાવો પણ થાય છે પરંતુ જો એ કરતા પહેલા જ તેને આ ખોટું થઇ રહ્યું છે, તે ખોટું કરી રહ્યો છે એવો વિચાર કર્યો હોત તો કોઈનું જીવન પણ ના બરબાદ થતું કે ના તેને પણ પછતાવવાનો વારો આવતો.

ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ માણસના વિચારો જ મહત્વનો ભાગ ભજવે છે, ખોટું કામ કરતા પહેલા માણસની અંદરથી જ એક અવાજ આવે છે કે “આ ખોટું છે” ત્યારે આપણે એ આવાજને સાંભળતા નથી અને પોતાના મનમાં જાગેલા કોઈનું ખોટું કરવાના કે ગુનાહિત પ્રવૃત્તિ કરવાના વિચારને જ અમલમાં મૂકતા હોઈએ છીએ જેના કારણે પરિણામ ખુબ જ ખરાબ આવે છે.

તમારા વિચારો તમારા સંસ્કારની પણ એક ઓળખ છે. માણસ જે વિચારે છે તેના ઉપરથી તેના સંસ્કાર પણ નક્કી થતા હોય છે, તમે કોઈ રસ્તામાં જતા હોય ત્યારે કોઈ કુતરા કે અબોલ પ્રાણીને જો તમારા મનમાં પથ્થર મારવાનો વિચાર આવ્યો તો આ વિચાર તમારા સંસ્કારોની ઓળખ ઉભી કરે છે. કોઈ હોટલમાં જમવા માટે જાવ છો અને ત્યાં વેઈટર સાથેની વાતચીત પણ તમારા સંસ્કારોની ઓળખ ઉભી કરે છે. કોઈને જાણી જોઈને દુઃખ પહોંચાડવું કે કોઈને તકલીફ આપવાનો વિચાર આવવો એ પણ આપણા સંસ્કારની ઓળખ ઉભી કરાવે છે.

કોઈનું સારું ઇચ્છવું કે કોઈને તકલીફ ના પહોંચાડવાનો વિચાર એ તમારા સારા સંસ્કારોની ઓળખ છે, તમારા મનમાં રહેલી ભાવનાને ઉજાગર કરે છે, તમારા માતા-પિતા દ્વારા મળેલા સંસ્કારોની ઓળખ આપે છે. વ્યક્તિ જે પણ કઈ ખોટું કે ખરાબ કરે છે તેની સીધી અસર તેના માતા-પિતા દ્વારા મળેલા સંસ્કારો ઉપર પડે છે, અને મોટાભાગે આપણે કોઈ ખરાબ કરે ત્યારે તરત બોલી દેતા હોઈએ છીએ કે “તેના માતા પિતાએ તેને સંસ્કાર જ નથી આપ્યા.”

મિત્રો આમ જ જો તમે હંમેશા કોઈનું સારું ઇચ્છતા હોય, કોઈને મદદ કરવાની ભાવના પણ તમારામાં હોય તો તમારા વિચારોને પણ તમે શુદ્ધ રાખજો કારણ કે સારા વિચારો અને સારી રીતભાત દ્વારા જ તમારું વ્યક્તિત્વ પણ નક્કી થતું હોય છે.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.