ખબર

દિશા ભૂલી જતાં 28 દિવસ સુધી ભૂખે તરસે દરિયામાં ભટકતો રહ્યો આ વ્યક્તિ, સાથે રહેલા મિત્રનો પણ ગયો જીવ, વાંચો ફિલ્મ જેવી સત્યઘટના

દરિયામાં આપણને દૂર દૂર સુધી બસ પાણી જ પાણી દેખાય છે. ક્યારેક બોટમાં દરિયાની અંદર જઈએ ત્યારે પણ મનમાં પ્રશ્ન થાય કે આ દરિયામાં જો ભૂલા પડી જઈએ તો શું થાય? ઘણીવાર આવું ફિલ્મોમાં પણ જોવા મળે છે. તો ક્યારેક સમાચારમાં પણ આપણે વાંચીએ છીએ કે સાગરખેડુઓ ક્યારેક દિશા ભૂલી જતાં બીજી જગ્યાએ પહોંચી જાય છે. પરંતુ દિશા ભૂલવાની સાથે દરિયામાં આવેલા તોફાનોનો પણ સામનો કરવાનો સમય આવે તો કેવું થાય? વિચારીને જ મનમાં કંપારી પ્રસરી ઉઠે.

Image Source

આવી જ એક હકીકત હમણાં સામે આવી છે જેમાં બોટની અંદર માલ ભરીને નીકળેલા બે મિત્રો દરિયામાં દિશા ભૂલી ગયા અને તેમને એક નહિ બે તોફાનોનો સામનો કરવો પડ્યો જેમાંથી એક વ્યક્તિ તો મૃત્યુ પામ્યો પરંતુ બીજો વ્યક્તિ કેટલાય કિલોમીટર દૂર સુધી પહોંચી ગયો. 28 દિવસ સુધી દરિયામાં ભૂખે તરસે ભટકતો રહ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર અંદમાન નિકોબારના રહેવા વાળા અમૃત કુંજુર જેની ઉંમર 49 વર્ષ છે તે હિન્દ મહાસાગરમાંથી પસાર થવા વાળા મોટા વહાણોને કરિયાણું અને પાણી પહોંચાડવાનું કામ કરે છે. 28 સપ્ટેમ્બરના રોજ અમૃત પોતાના એક મિત્ર દિવ્યરંજન સાથે શહિદ ટાપુથી હિન્દ મહાસાગરની અંદર  જૂનું વહાણ લઈને એક મોટા વહાણને સામાન પહોંચાડવા માટે નીકળ્યા હતા.

Image Source

પરંતુ તેમનું વહાણ દરિયામાં આવેલા એક તોફાનમાં ફસાઈ ગયું. તેમનું વહાણ જૂનું અને જર્જરિત હોવાના કારણે તોફાનનો સામનો કરી શક્યું નહિ અને ક્ષતિગ્રસ્ત થવા લાગ્યું. તેમનું વહાણ  વજનના કારણે ડૂબવા લાગ્યું હતું પરંતુ તેમને વહાણમાં રહેલો સામાન દરિયામાં નાખી દીધો જેના કારણે વહાણનું વજન ઓછું થાય અને પોતાનો જીવ બચાવી શકાય. દરિયાની વચ્ચે ફસાયેલા બંને મિત્રોએ ઈશારા દ્વારા પસાર થતા અન્ય વહાણોની મદદ માંગી પરંતુ એમના સુધી કોઈ પહોંચી શક્યું નહિ. પોતાના જીવ ઉપર જોખમ આવી પડતા અમૃત અને દિવ્યરંજન બંનેએ બચવા માટેના ખુબ જ પ્રયત્નો કર્યા અને તેમને બર્મા નેવીની મદદ પણ મળી ગઈ. બર્મા નેવીએ એક બોટ, કંપાસ અને 260 લીટર ઈંધણ પણ આપ્યું જેનાથી તે લોકો પોતાના વતન અંદમાન નિકોબાર પહોંચી શકે.

Image Source

અમૃત અને દિવ્યરંજન શાંતિ અનુભવી બોટ લઈને પોતાના વતન તરફ જવા પાછા રવાના થયા, પરંતુ મુસીબત જાણે  પાછળ જ લાગી હોય તેમ તેમનો સામનો બીજા ભયાનક તોફાન સાથે થયો અને રસ્તો ભૂલી ગયા. આ વખતે પરિણામ પણ એવું ભયાનક આવ્યું કે જેની એ બંનેએ કલ્પના પણ નહોતી કરી. દિશા ભટક્યા બાદ તેમનું ઇંધણ પણ પૂરું થવા આવ્યું. દૂર દૂર સુધી કોઈ કિનારો પણ નજરે નહોતો આવી રહ્યો. બંનેએ જાણે જીવવાની આશા જ છોડી દીધી. પોતાની પાસે હવે નાતો ખાવા માટેનો સામાન રહ્યો હતો ના તો  પીવા માટેનું પાણી. તરસ લાગતા વરસાદનું અને દરિયાનું ખારું પાણી પોતાની પાસે રહેલા રૂમાલથી ગાળીને પીવા લાગ્યા. આ સમય દરમિયાન ભૂખથી અને દરિયાનું ખારું પાણી પીવાના કારણે અમૃતના મિત્ર દિવ્યરંજનની તબિયત પણ બગડવા લાગી. ધીમે ધીમે તે વધુ બીમાર થવા લાગ્યો અને આ બીમારીમાં તેનો જીવ ચાલ્યો ગયો.

Image Source

અમૃતે દિવ્યરંજનના મૃતદેહને દરિયામાં જ નાખીને કિનારાની શોધમાં આગળ વધવા લાગ્યો. 28 દિવસ સુધી ભૂખે તરસે ભટકતા ભટકતા અમૃત ઓડિશાના પુરી જિલ્લાના દરિયા કિનારે 25 ઓક્ટોમ્બરના રોજ આવી ચઢ્યો. પોતાની સાથે ઘટેલી ઘટના તેની સ્થાનીય પત્રકારો સમક્ષ વ્યક્ત કરી. પોલીસે આ મામલાની તપાસ કરતા પણ માલુમ પડ્યું કે અમૃત અને દિવ્યરંજન 28 સપ્ટેમ્બરના રોજ સમાન લઈને અંદમાન નિકોબારના દરિયા કિનારેથી નીકળ્યા હતા અને આ લોકો એ ટાપુના જ રહેવાસી છે.