દુકાનદારની આર્થિક સ્થિતિ જોઈને ચોર થઇ ગયા ઇમોશનલ, માફી માંગતા લખ્યુ- ખબર ન હતી કે તમે આટલા ગરીબ…

ઉત્તર પ્રદેશમાંથી ચોરીનો એક રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં ચોરોએ એક ગરીબ ઘરમાં લૂંટ ચલાવી. આ પછી તેમણે જે કર્યું તે જાણીને તમારું દિલ પણ પીગળી જશે. ચોરી કર્યા બાદ ચોરોએ તેમનો સામાન પણ પરત કર્યો અને એક ચિઠ્ઠી લખી તેમની પાસે માફી માંગી. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલી છે. બાંદા જિલ્લાના બિસંડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચંદ્રાયલ ગામના રહેવાસી દિનેશ તિવારી ખૂબ જ ગરીબ છે. થોડા સમય પહેલા તેમણે 40 હજાર રૂપિયાની લોન લઈને વેલ્ડીંગની દુકાન ખોલી હતી. દરરોજની જેમ 20 ડિસેમ્બરની સવારે જ્યારે તે તેમની દુકાને પહોંચ્યા ત્યારે તેમના હોશ ઉડી ગયા. તેમની દુકાનના તાળા તૂટેલા હતા અને અનેક વસ્તુઓની ચોરી થઈ હતી.

આ પછી તેમણે બિસંડા પોલીસ સ્ટેશનમાં ચોરીની જાણ કરી. જોકે પોલીસ સ્ટેશનમાં કોઈ ઈન્સ્પેક્ટર ન હતા, આ કારણે કેસ નોંધાઈ શક્યો ન હતો. ઘટનાના બે દિવસ પછી તેમને ક્યાંકથી ખબર પડી કે તેમનો ચોરાયેલો સામાન ગામમાં એક ખાલી જગ્યાએ પડ્યો છે. ચોરી બાદ જ્યારે ચોરોને ખબર પડી કે દિનેશ તિવારી ખૂબ જ ગરીબ છે, ત્યારે ચોરો ઇમોશનલ થઇ ગયા હતા. તેથી જ ચોરોએ દિનેશ તિવારીની ચિઠ્ઠી લખીને માફી પણ માંગી હતી. ચોરોએ તેમાં લખ્યું હતું કે, ‘આ દિનેશ તિવારીનો સામાન છે.

અમને તમારા વિશે બહારના લોકો પાસેથી જાણવા મળ્યું. જ્યારે અમને જાણ થઈ ત્યારે અમે ખૂબ જ દુઃખી થઈ ગયા. એટલા માટે અમે તમારો સામાન પાછો આપીએ છીએ. અમારાથી ભૂલ થઇ ગઇ. આ સમગ્ર ઘટના પર બિસંડા પોલીસ સ્ટેશનના SHO પણ આશ્ચર્યચકિત છે. તેમણે કહ્યું કે ચોર ક્યાંકથી ચોરી કરે અને સામાન પરત કરી દે તે હાસ્યાસ્પદ છે. આટલા વર્ષોના કામમાં તેમણે આવું ક્યારેય જોયું ન હતું. તેમણે કહ્યું કે તે એક ફિલ્મી વસ્તુ જેવું બની ગયું છે.બીજી તરફ, જ્યારે દિનેશ તિવારીને તેમનો સામાન પાછો મળ્યો ત્યારે તે ખૂબ જ ખુશ થઇ ગયા.

તેમણે જણાવ્યું કે ચોરે તેમની દુકાનમાંથી 2 વેલ્ડીંગ મશીન, 1 મોટું કટર મશીન, 1 વજન કરવાનું મશીન, 1 ગ્રાઇન્ડર અને 1 ડ્રિલ મશીનની ચોરી કરી હતી. હવે ચોરોએ મારો આખો સામાન પરત કરી દીધો છે અને ચિઠ્ઠી પણ લખી છે. જેમાં ભૂલથી ચોરી થઈ હોવાનું લખવામાં આવ્યું છે. તેમણે કહ્યું, ‘મને મારો સામાન મળી ગયો છે, હું આમાં ખૂબ ખુશ છું. ભગવાને મારી આજીવિકા બચાવી.

Shah Jina