IPLમાં પસંદગી પામેલા ગરીબ ઘરના ગુજરાતી ક્રિકેટરની ભાવુક કરી દેનારી કહાની, પોતાની રમત ઉપર ધ્યાન આપી શકે એટલે 10 દિવસ સુધી ભાઈના આપઘાત વાત છુપાવી

IPLનો માહોલ જામી ચુક્યો છે. ત્યારે ક્રિકેટ રસીઓ સીઝન 14ને ભરપૂર માણી પણ રહ્યા છે. IPLની 14મી સીઝનમાં ઘણા નવા ખેલાડીઓ ઉભરી આવ્યા છે જેમાંથી એક છે આપણા ગુજરાતના ભાવનગર પાસે આવેલા ગામ વરતેજનો ચેતન સાકરીયા.

ચેતન સાકરીયાને આઇપીએલમાં રાજસ્થાનની ટીમ દ્વારા 1.2 કરોડમાં ખરીદવામાં આવ્યો, તેની પહેલી જ મેચમાં તેના શાનદાર પ્રદર્શન માટે તેને પાવર પ્લેયર તરીકેનો એવોર્ડ પણ મળ્યો, આ ઉપરાંત બીજી મેચમાં પણ તેને શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું. ગઈકાલે ચેન્નાઇ સામે યોજાયેલી મેચની અંદર ચેતાને 4 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી હતી. જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની પણ વિકેટ સામેલ હતી.

ચેતન સાકરીયાની આઇપીએલમાં પહોંચવા સુધીની સફર ખુબ જ શાનદાર છે. તે ખુબ જ ગરીબીમાંથી આગળ આવ્યો છે. ચેતને થોડા સમય પહેલા જ પોતાના ભાઈને ગુમાવી દીધો હતો. તેના ભાઈ રાહુલે આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું. આ વાતની જાણ પણ ચેતનને કરવામાં આવી નહોતી.

આ બાબતે દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા ચેતન સાકરિયાના પરિવાર સાથે વાત કરવામાં આવી હતી. ચેતન સાકરીયાની મમ્મીએ આ બાબતે જણાવ્યું હતું કે, “રાહુલે આપઘાત કર્યો એ સમયે ચેતન સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હતો. અમે નહોતા ઇચ્છતા કે તેની રમત પર અસર થાય. અમને ખબર હતી કે તેને જાણ કરીશું તો તે ક્રિકેટ રમી નહીં શકે, તેથી તે જ્યારે ફોન પર પૂછતો તો અમે તેને કહેતા કે રાહુલ બહાર ગયો છે. કરિયાણું લેવા ગયો છે કે કોઈ કામથી ગયો છે, કંઈક ને કંઈક બહાનું બનાવી લેતા હતા અથવા ટોપિક ચેન્જ કરતા હતા. ચેતનને તેના પપ્પા સાથે પણ વાત નહોતા કરવા દેતા, કારણકે ખબર હતી કે તેઓ ઈમોશનલ થઈને બધું સાચું કહી દેશે.”

ત્યારે આ બાબતે દિવ્ય ભાસ્કરની ટીમને ચેતનની નાની બહેન જિજ્ઞાશાએ કહ્યું હતું કે “અમને રાહુલના આપઘાતનું કારણ હજી ખબર નથી પડી. તેમના મોબાઈલમાં પણ બધો ડેટા ખાલી હતો. જો તેમને કંઈ પ્રોબ્લમ હોત અને અમને કીધું હોત તો એનું સોલ્યુશન નીકળત અને આજે અમારે આ દિવસ ન જોવો પડ્યો હોત. રાહુલભાઈ ચેતન અને આખી ફેમિલી માટે બહુ સપોર્ટિવ હતા. તેઓ મામાની દુકાન પર કામ કરતા હતા અને મારું ભણવાનું તેમજ ચેતનભાઈનું ક્રિકેટ સ્મૂથલી ચાલે એ માટે તેમણે ઘરની જવાબદારી પોતે લીધી હતી.”

ચેતનના મ્મીએ જણાવ્યું હતું કે, “એક બાજુ ભગવાને અમને રોવડાવ્યા અને બીજી બાજુ હસાવ્યા. ચેતનના પ્રોગ્રેસથી ઘર તેમજ આખા ગામમાં બધા ખુશ છીએ, પરંતુ એ સાથે જ રાહુલ અમારી સાથે નથી રહ્યો એનું દુઃખ પણ છે. મારા પતિના એક્સિડન્ટ પછી એ ઘર ચલાવતો હતો અને આજે ચેતનને IPLમાં રમતો જોતો હોત તો બધું કેટલું પર્ફેક્ટ હોત. ચેતન પોતાની મહેનતે અહીં સુધી પહોંચ્યો અને આ કોન્ટ્રેકટ મેળવીને તેણે અમારું દુઃખ ક્યાંક કંઈક ઓછું કર્યું છે,”

ચેતનના મમ્મીએ વધુમાં કહ્યું હતું કે “ચેતન માટે રાહુલ બધું જ હતો. ભાઈ, ભાઈબંધ, મા-બાપ બધું. તેઓ 5 મિનિટ પણ એકબીજા વગર રહી શકતા નહોતા. ઓલ-ઈન વન” જ્યારે જિજ્ઞાસાએ કહ્યું હતું કે “તેઓ ઘરે આવ્યા ત્યારે અમારું આખું ફેમિલી સાથે હતું. બધા રડતા હતા. તેઓ મૂંઝાય ગયા કે શું થયું છે? પછી મામાએ તેમને સાઈડમાં લઈ જઈને કહ્યું કે રાહુલ…”

“ચેતન પછી 12 દિવસ સુધી કોઈની સાથે બોલ્યો નહોતો. તે બધાને કહેતો હતો કે મને સૂવા દો. મને બેસવા દો. થોડા ટાઈમ બાદ મામાને ઘરે ગયો, પછી થોડો નોર્મલ થયો.”

ચેતન પોતાની રમત અને ક્રિકેટમાં આગળ વધવા માટે એટલો મક્કમ હતો કે તેણે 2019માં પોતાનાં મમ્મી અને મામા મનસુખભાઈને કહ્યું હતું કે મને બે વર્ષનો ટાઈમ આપો. બે વર્ષમાં હું આગળ આવી જઈશ. ત્યારે તેનાં મમ્મીએ કહ્યું હતું કે “હા, માતાજીની કૃપા રહેશે તો તું જરૂર આગળ વધીશ. તેમણે ચેતનને પોતાની રીતે આગળ વધવા અને 100% આપવા કહ્યું હતું.” IPLમાં પસંદ થયા પછી ચેતને કહ્યું, માતાજીએ આપણી સામે જોયું છે મમ્મી. તારાં શુક્રવાર અને દશામાનાં વ્રત ફળ્યાં છે. આપણે કરોડપતિ થઈ ગયા છીએ.

ચેતને IPLમાં પોતાની ડેબ્યુ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબની ત્રણ વિકેટ ઝડપી હતી. તેની બહેને કહ્યું, અમે 6 વાગ્યાથી બધા મેચ જોવા માટે તૈયાર હતા. તેણે બહુ સારી બોલિંગ કરીને 3 વિકેટ ઝડપી, એટલે બધા ખુશ થઈ ગયા હતા. એરિયામાં બધા વેલ વિશર્સે ફટાકડા ફોડ્યા હતા. તહેવાર જેવો માહોલ થઈ ગયો હતો.

ચેતનનાં મમ્મીએ કહ્યું, ચેતનની ઈચ્છા છે કે આખો પરિવાર રાજકોટ શિફ્ટ થઈ જાય. ત્યાં રહેવાથી તેને ટ્રેનિંગ લેવામાં પણ સરળતા રહેશે, તેથી ચાલુ IPL સીઝન પછી અમે રાજકોટ શિફ્ટ થઈ જશું.

ચેતને આઇપીએલ ઓક્શન પહેલાં દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે યુવરાજ સિંહ મારો ફેવરિટ પ્લેયર છે અને હું તેમને આઈડલાઈઝ કરું છું. જોકે હું ફાસ્ટ બોલર બન્યો એ પાછળની સ્ટોરી અલગ છે. 2010માં પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી ત્યારે જુનેદ ખાને બહુ સારી બોલિંગ કરી હતી. તેણે વિરાટ કોહલી સહિત આપણા ઘણા સ્ટાર્સને બોલ્ડ કર્યા હતા. ત્યારે હું એ બોલિંગથી ઘણો પ્રભાવિત થયો અને તેની એક્શનને કોપી કરતાં ફાસ્ટ બોલર બની ગયો. તેની એક્શન કોપી કરવા ગયો અને એમાં મારી પોતાની એક એક્શન બની ગઈ. (સાભાર: દિવ્ય ભાસ્કર)

રાજસ્થાન રોયલ્સના RR ઝડપી બોલર ચેતન સાકરીયા ચેન્નાઇ સુપર કિંગ્સ CSK વિરૂદ્ધ શાનદાર પ્રદર્શન કરી ખૂબ ચર્ચામાં છે. સોમવારે રમાયેલ મેચમાં ચેતન સાકરીયાએ 4 ઓવરમાં 36 રન આપી 3 વિકેટ લીધી હતી.

સૌરાષ્ટ્રના ડાબા હાથના ઝડપી બોલર ચેતન સાકરીયા IPL 2021માં ખૂબ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. RR તરફથી રમતા 23 વર્ષના ચેતને CSKના 3 ખેલાડીઓની વિકેટ લીધી હતી. આમાં મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈના પણ સામેલ છે.

ચેતન સાકરીયાને પહેલીવાર IPLમાં રમવાનો મોકો મળ્યો છે. ચેન્નાઇની ટીમનો સ્કોર 13.1 ઓવરમાં 123 રન હતો. 14મી ઓવરમાં બીજા બોલ પર સાકરીયાએ પહેલા અંબાયતી રાયડુની વિકેટ લીધી અને તે બાદ પાંચમાં બોલ પર સુરેશ રૈનાની વિકેટ લીધી. ચેતન સાકરીયાએ તે બાદ CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પણ વિકેટ લીધી હતી.રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈજીએ બુધવારના રોજ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ ઉપર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ઝડપી ગેંદબાજ આકાશ સિંહ અને ચેતન સાકરીયા મસ્તી ભરેલા અંદાજમાં એક બીજાનું ઇન્ટરવ્યૂ કરતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયોની અંદર ચેતન જણાવી રહ્યો કે તેનો આઇડિયલ ખેલાડી યુવરાજ સિંહ રહ્યો છે. બાળપણમાં તેને એજ ખેલાડી ગમતા જે છગ્ગા વધારે લગાવતા. જેના કારણે તે યુવરાજ સિંહને વધારે પસંદ કરતો હતો.

આકાશ સિંહે જયારે ચેતનને પૂછ્યું કે તે બોલીવુડની કઈ અભિનેત્રી સાથે ડેટ ઉપર જવા માંગે છે ત્યારે આપણા આ ગુજ્જુ બોલરે અનન્યા પાંડેનું નામ લીધું. સાકરિયાએ કહ્યું કે તે ખુબ જ સુંદર છે અને અને અનન્યા સાથે તે કોઈ બીચ ઉપર જવા માંગે છે.

Niraj Patel