કૌશલ બારડ ખબર પ્રેરણાત્મક લેખકની કલમે

ખરેખર શિક્ષકોને તીડ ઉડાડવાનો આદેશ અપાયો છે? વાંચો હકીકત

વર્ષની શરૂઆતે વરસાદની ખેંચ, પછી અતિવૃષ્ટિ અને પછી ભરશિયાળે માવઠાં બાદ હવે ઉત્તર ગુજરાત અને કચ્છના સરહદી વિસ્તારોના ખેડૂતો માટે એક નવી મુસીબત સામે આવી છે : રણતીડ!

Image Source

લાખોની સંખ્યા વડે ગણતા પણ અગણિત રહે એવા દોઢ-બે ઇંચ લાંબા તીડનાં ૧૦-૧૫ કિલોમીટર લાંબા ધાડાં રાજસ્થાનની ભૂમિ પરથી પવનની પાંખે ગુજરાતના સરહદી વિસ્તારોમાં પહોંચીને ખેતરોમાં ઉત્પાત મચાવી રહ્યાં છે. ખેડૂતો કહે છે કે તીડ કરતા હરાયા માલઢોર કે નીલગાય-રોઝ જેવાં પશુઓ ખેતરોમાં ભેલાણ કરે એ સારું! લાખોની સંખ્યામાં ધસી આવતાં તીડ ખેતરના ઊભા પાકમાં બેસી જાય અને થોડી વાર માટે મોકો મળી જાય તો પછી એ પાકના નામે નાહી જ નાખવાનું રહે છે. પ્રજનન કરીને બમણી સંતતિ પેદા કરતાં આ તીડથી બનાસકાંઠાના ખેડૂતો સૌથી વધુ ત્રાસી ગયા છે. છેલ્લા ૧૧ દિવસથી તીડનાં ધાડાં બનાસકાંઠાના વાવ, થરાદ, સુઈગામ સહિતના ખેતરોમાં ભેલાણ કરી મૂકવા ઉડાઉડ કરી રહ્યાં છે. તદ્દોપરાંત, મહેસાણાના સતલાસણા સહિત પાટણ જીલ્લામાં પણ અસર થઈ હોવાનું કહેવાય છે.

Image Source

શિક્ષકોને તીડ ઉડાડવાનો આદેશ અપાયો?
આ પ્રકારની એક અફવા હાલ સોશિયલ મીડિયા અને અમુક ટી.વી. ચેનલોમાં પણ વાઇરલ થઈ હતી. પણ હક્કીકતમાં એવું નથી. પરિસ્થિતી વાકેફ જાણકાર લોકો થરાદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીએ જારી કરેલ પરિપત્રમાં જણાવ્યા મુજબ કહે છે, કે તાલુકા વિકાસ અધિકારીએ તીડથી અસરગ્રસ્ત વિસ્તારોની પ્રાથમિક શાળાઓના શિક્ષકો અને પ્રિન્સિપાલને ધોરણ ૬ થી ૮ના બાળકોમાં તીડ સંદર્ભે જાગૃતિ ફેલાવવાનું કહ્યું છે, જેથી કરીને ગ્રામવાસીઓનાં ખેતરોમાં તીડ આવે તોએને ભગાડવા માટેના ઉપાયો બાળકોને જાણ હોય. શિક્ષકોને આ બાબતે શાળામાં જાગૃત કરવાનું કહેવામાં આવ્યું છે. આજે પણ ગામડાઓમાં સજાગતા લાવવા માટે સૌથી હાથવગું માધ્યમ શિક્ષકો જ છે. અને આ એક પ્રકારે શિક્ષકોની ફરજ પણ છે. જે બાળકો પ્રાથમિક શાળાઓમાં ભણવા આવે છે તેમાંથી મોટાભાગનાં સંતાનો ખેડૂતપુત્ર જ હોવાના.

Image Source

તાલુકા વિકાસ અધિકારીના આ જારી કરાયેલા લેટરને લોકોએ ઊંધી સંદર્ભ કાઢીને સોશિયલ મીડિયામાં શિક્ષકોને તીડ ઉડાડવાનું કામ સોંપાયું એવી અફવાઓ વહેતી કરી હતી. જે તથ્યથી વેગડી છે.

તીડથી બચવા માટેના કારગત ઉપાયો
તીડનું ટોળું ખેતરો ભણી આવતું જણાય ત્યારે વધુમાં વધુ સભ્યોએ વધુમાં વધુ અવાજ કરે તેવા સાધનો લઈને ખેતરમાં પહોંચી જવું. થાળી, તગારાં, ઢોલક વગેરેનો જોરદાર અવાજ કરવો. હો-હા મચાવી મૂકવી. આ ઉપાય થોડો પરિશ્રમયુક્ત પણ સૌથી સહેલો અને અસરદાર છે.

Image Source

બીજો ઉપાય છે તીડને પાક પર બેસવા જ ના દેવાનો. એ માટે કલોરોપાયરીફોકસ, ફ્રિપોનીલ, લેમડાસ્સયકોફીન, ડેલ્ટામેફ્રીન, મેલાથીઓન જેવી રાસાયણિક દવાઓનો આગોતરો છંટકાવ પાક ઉપર કરવામાં આવે છે. જો કે, ખેડૂતોનું માનવું છે કે આવી દવાઓની માઠી અસર પાક ઉપર પણ પડવાની શક્યતા છે. તીડ નિયંત્રણ તંત્રના કર્મચારીઓ દ્વારા કરાયેલા દવાઓના છંટકાવને પરિણામે તીડનાં ઝુંડ નાનાં બન્યાં છે. રાત્રે તીડનું ઝુંડ ઝાડવાઓમાં વિશ્રામ લેતું હોય ત્યારે દવાઓનો છંટકાવ થાય છે.

Image Source

તીડથી પાકને ખતરો કેટલો?
અલબત્ત, જો એને સારી રીતે લેન્ડીંગ કરવાનો મોકો આપો તો સો ટકા! કારણ કે એક તીડ ૨-૩ ગ્રામ વજનનું હોય અને તે પોતાના વજન ભારોભાર જ ખોરાક ઝાપટે છે! વધારે ખતરો હોય છે તેમની અઢળક વિસ્તરતી સંતતિનો. લાખોનું ઝુંડ પ્રજનન કરે પછી થતી સંખ્યા સહેજે આ આંકડો બમણો-ત્રણ ગણો કરી દે છે. જેને પ્રતાપે રાજગરો, રાયડો, ઘઉં અને જીરું સહિતના પાકો માટે ખતરો મંડરાયેલો રહે છે.
આશા છે, કે આ કુદરતી પ્રકોપમાંથી ગુજરાતના ખેડૂતોને મુક્તિ મળે!

Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.