કૌશલ બારડ જાણવા જેવું દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ રસપ્રદ વાતો લેખકની કલમે

12 જણાના ગુજરાતી પરિવારે જર્મનીથી મશિનો લાવીને શરૂ કરેલ કંપની આજે આસમાનને આંબી ગઈ!

એ વખતે મુંબઈ આજે છે એવડું ગંજાવર નહોતું. આજે મુંબઈનું કાયમ માટે ધમધમતું વિલે પાર્લે પરું આવેલું છે ત્યાં આજની ૯૦ વર્ષ પહેલાં ઇરલા અને પર્લા નામે ઓળખાતા બે ગામ હતાં. ગુજરાતથી વલસાડની પાસે આવેલાં પારડી ગામનો એક પરિવાર પર્લામાં આવ્યો અને વસ્યો. ૧૨ જણાનું કુટુંબ હતું અને એના મોભી હતા મોહનલાલ ચૌહાણ. ૧૯૨૯ની સાલ હતી અને ગાંધીજીની રાહે સ્વદેશી આંદોલનની ચળવળ જોરશોરથી ચાલુ હતી.

એ વખતમાં કેન્ડી ચોકલેટ્સ અંગ્રેજ કંપનીઓ બનાવતી. આજે આઠ આનામાં મળી જતી કેન્ડી એ સમયે મોંઘી એટલી હતી કે ગોરાસાહેબો જ ખાઈ શકતા! મોહનલાલ મૂળે ગુજરાતી અને પાછો વ્યાપારી જીવ! રેશમનો ધંધો એમણે કરેલો. હવે તેમણે ગોરાઓની આ કેન્ડીને ટક્કર આપવાનું વિચાર્યું. એવી કેન્ડી તૈયાર કરવી જે ભારતના સામાન્ય જન સુધી પહોંચે. ઘરના જ ૧૨ જણા કામે લાગી ગયા અને કેન્ડી અને કિસ્મી ચોકલેટ્સનું ઉત્પાદન શરૂ કર્યું. બહુ ઓછી કિંમતે બનતી આ કેન્ડી વેંચાવા પણ ભારે લાગી.

Image Source

એ પછી વધારે થોડાં વર્ષ વીત્યાં અને સાલ આવી ૧૯૩૯ની. મોહનલાલજીના મનમાં કંપનીનો કારોબાર ફેલાવવાનો વિચાર જાગ્યો. કંપનીને confectionery/મીઠાઈ બનાવતી કરવી હતી. પણ કેવી મીઠાઈ? એ સમયમાં બિસ્કિટનું ઉત્પાદન પણ ગોરાઓની કંપનીઓ કરતી અને બિસ્કિટની કિંમત જોતા એ પણ માત્ર અંગ્રેજસાહેબોના નાસ્તા માટે જ યોગ્ય હતા. મોહનલાલજીએ અંગ્રેજોને ટક્કર આપવા આ કારોબારમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. જર્મનીથી બિસ્કિટ બનાવતી મશીનો મંગાવી અને પાર્લેમાં ૭૫,૦૦૦ રૂપિયા આપીને એક જૂની બંધ પડેલી કંપનીની ઇમારત ખરીદી. હવે બિસ્કિટનું ઉત્પાદન શરૂ થયું. પણ આ બધી ધાંધલમાં તેઓએ કદી કંપનીનું નામ શું રાખવું એ વિશે તો નહોતું વિચાર્યું. શું રાખવું? ઘણું વિચાર્યું. આખરે પાર્લે ગામનાં નામ પરથી કંપનીનું નામ પણ પાડી દીધું ‘પારલે’!

‘પારલે ગ્લુકો’માંથી ‘Parle – G’ સુધીની સફર —

ઘઉંમાંથી બનાવેલા બિસ્કિટના પેકેટ પર નામ છપાતું ‘પારલે ગ્લુકો’. બિસ્કિટ થોડા જ સમયમાં બહુ પ્રખ્યાત થયા. કિંમત બહુ વ્યાજબી હતી અને સ્વાદ તો માત્ર એનો જ! આજે પણ પારલેના બિસ્કિટમાં જે સ્વાદ મળે છે તે દુનિયા આખીમાં ‘એકમાત્ર’ છે. થોડા સમયમાં ગોરાસાહેબોની ડિશમાં પણ પારલેના પેકેટ મૂકવા માંડ્યા. પારલે ગ્લુકો ખરા અર્થમાં ‘ચાનો સાથી’ બની ગયું.

Image Source

પણ એવામાં થયું એવું, કે બીજાં વિશ્વયુધ્ધને પ્રતાપે દુનિયામાં અનાજની ભયંકર તંગી આવી ને અધૂરામાં પૂરું ભારત આઝાદ થયું અને પછી થયેલી હાનિકારક હિજરતે તંગીમાં વધારો કર્યો. ઘઉંની ખોટ વર્તાવા લાગી. એટલે થોડા સમય માટે પારલેને પોતાનો પથારો સંકેલી લેવાની ફરજ પડી. પણ બધું પાર ઉતર્યું ત્યારે ફરીવાર ઉત્પાદન શરૂ થયું.

વળી એક સમસ્યા આવી. ‘ગ્લુકો’ શબ્દ પર પારલેના કોઈ કોપિરાઇટ નહોતા. આથી બીજી કંપનીઓ પણ પોતાના પેકેટ પર ગ્લુકો શબ્દ લગાડીને બિસ્કિટ વેંચવા માંડી. લોકોને ખરાઈ કરવામાં તકલીફ પડવા લાગી. પારલેના વેંચાણ પર પણ આની અસર પડી. આખરે સને ૧૯૮૨માં પારલેએ પોતાના નામ પાછળથી ગ્લુકો શબ્દ હટાવી લીધો અને માત્ર ‘G’ લગાડ્યું. નામ થઈ ગયું : Parle-G, અહીઁ G ફોર ‘જીનિયસ’!

એ પછી તો પારલેનું ઉત્પાદન ના કદી ઘટ્યું કે ના ઘટ્યું વેંચાણ! ઉલ્ટાનું પારલેએ દિનપ્રતિદિન પ્રગતિના અવનવાં શિખરો સર કરવા માંડ્યાં.

વિશ્વમાં સૌથી વધારે વેંચાનાર બિસ્કિટ —

૨૦૦૩માં એક સર્વે થયેલો. જેમાં તારણ બહાર આવ્યું કે, પારલે-જી દુનિયામાં સૌથી વધારે વેંચાતા બિસ્કિટ છે! ૨૦૧૨માં કંપનીએ આધિકારિક આંકડો બહાર પાડ્યો કે તેઓ માત્ર આ બિસ્કિટને આધારે જ ૫,૦૦૦ કરોડથી વધારેનો વકરો રળી લે છે ત્યારે દુનિયાના બિઝનેસ જગતના માંધાતાઓ પણ ઘા ખાઈ ગયા હતા. હાઇટેક સેક્ટરમાં પથારો પાથરીને બેઠેલી કંપનીઓ પણ આ પાંચ રૂપિયાના પેકેટ આગળ વામણી લાગવા માંડી. વર્ષ ૨૦૧૭-૨૦૧૮ના વાર્ષિક ટર્નઓવરનો આંકડો તો ક્યાંય વધારે ચોંકાવનારો છે : ૮,૦૦૦ કરોડ!

એક વખત આઠ આનાનો ભાવ વધાર્યો અને… —

વધતી જતી મોંઘવારીના આ યુગમાં પારલે-જીનું પેકેટ હજૂ પાંચ રૂપિયાનું જ આવે છે એ વાત ઘણાને આશ્વર્યજનક લાગે છે. આજે બિસ્કિટ બનાવવા માટેનો કાચો માલ જ એટલો મોંઘો છે, કે પારલેને કોઈ કાળે પાંચ રૂપિયાના ધ્રુવમાનકને વળગી રહેવાનું ન પોસાય. ખરું પૂછો તો એક વખત પારલેએ પણ આઠ આના(પચાસ પૈસા)નો ભાવ વધારવાનો અખતરો કરી જોયેલો! પણ પછી થયું હતું એવું કે લોકોએ બિસ્કિટ ખરીદવાનું જ છોડી દીધું અને જોરદાર વિરોધ નોંધાવતા રસ્તા પર ઉતરી આવ્યા! આખરે પારલે-જીમાં વધારેલી કિંમત પારલેએ પાછી ખેંચવી પડી.

તો પારલે નફો કઈ રીતે મેળવે છે? —

Image Source

પહેલા એ જાણી લો, કે ‘પારલે-જી’નું પાંચ રૂપિયાનું પેકેટ આખી પારલે કંપનીની ‘ડ્રાઇવર પ્રોડક્ટ’ છે. મતલબ આજે દેશના એક-એક ઘરમાં જો પારલેનું નામ પહોંચ્યું છે તો ખાલીને ખાલી પારલે-જીના આધારે જ. આ પેકેટ દ્વારા કંપનીને જે પ્રખ્યાતિ મળી છે તે ખરા અર્થમાં અભૂતપૂર્વ છે. માટે આ પ્રોડક્ટને પારલેએ પોતાની ઓળખ તરીકે જાળવી રાખી છે.

પારલે નફો તો પોતાની બીજી પ્રોડક્ટમાંથી સારી પેઠે કમાઈ લે છે. એ પ્રોડક્ટ : ટ્વેન્ટી-ટ્વેન્ટી, હાઇડ એન્ડ સીક, મોનાકો અને ક્રેક-જેક જેવા બિસ્કીટ! આંચકો લાગ્યો? ખબર હતી કે આ સુપર ફેમસ બિસ્કિટો પણ પારલેની જ પેદાશ છે? આ હક્કીકત છે. અહીં પારલે પોતાનો ભાવ વધારીને પણ નફો મેળવી શકે છે. બીજી તરફ મેંગો ડોલી, કિસ્મી સહિતની અનેક ચોકલેટ્સ પણ પારલે બનાવે છે, જેનું ધૂમ વેંચાણ થાય છે.

વળી, તમને જાણીને આશ્વર્ય થશે કે પારલે કંપનીએ માત્ર બિસ્કિટ પર આધાર ન રાખતા કોફી માટે ‘પારલે રસ્ક’ અને અળદ, મગ, તુવેર જેવી વિવિધ દાળો પણ વેંચે છે! આ બધી પ્રોડક્ટ તેમને નફો રોળવી આપવા માટે પૂરતી છે.

પારલે-જીનું પાંચ રૂપિયાનું પેકેટ કંઈ પારલેને માથે તો નથી જ પડતું હોં! એનો કાચો માલ પારલેને એટલો ફાયદામાં મળે છે કે એના જેવી રો મટિરિયલ્સ મેળવવાની કુશળતા કોઈમાં નહીઁ હોય! પારલેના ઉત્પાદનમાં બગાડ પણ બહુ ઓછો : ૧૧૫ ટને માંડ ૧ ટકા જેટલો! વળી, કોઈ વખતે ૧૦૦ ગ્રામનું આવતું પેકેટ આજે ઘટીને ૬૫ ગ્રામનું થઈ ગયું છે!

૧ વર્ષમાં કેટલા બિસ્કિટ બને છે? —

પારલેની હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન સહિતના રાજ્યોમાં મળીને કુલ પચાસેક કંપનીઓ આવેલી છે. આ બધી મળીને વાર્ષિક લગભગ ૧૪,૬૦૦ કરોડ જેટલા બિસ્કિટ બનાવે છે! પારલે-જીએ પોતાના સ્વાદમાં ક્યારેય બાંધછોડ નથી કરી. એ જ કારણ છે કે આજે તેની સફળતા ગગનચૂંબી છે. પહેલા પારલે-જીના બિસ્કિટ સફેદ અને પીળા મિણિયા કાગળમાં આવતા, આજે હવે પ્લાસ્ટિકમાં આવે છે. પારલે જાણે છે, કે ભારતમાં જુદી-જુદા પરિવારોમાં વ્યક્તિઓની સંખ્યા પણ અલગ હોવાની. એ પ્રમાણે તેઓ ૨ રૂપિયાથી માંડીને ૫૦ રૂપિયા સુધીના પેકેટ્સ બનાવે છે. યાદ હોય તો ટિનના ડબ્બામાં પણ પારલે-જી આવતા.

પારલેનાં ખોખાં પર આવતી છોકરી —

આપણે સૌ પારલે-જીના પેકેટ પર આવતી નાનકડી, રૂપકડી બાળાના સ્કેચને વર્ષોથી જોઈએ છે. પોતાના આંગળાના અભિનયથી બિસ્કિટનો સ્વાદ દર્શાવતી આ છોકરી કોણ છે એ વિશે સોશિયલ મીડિયા પર અલગ-અલગ વેબસાઇટોએ ખૂબ લખ્યું છે. કોઈ કહે છે કે એ નીરુ દેશપાંડે છે, જેનો આ રીતનો દેખાતો ફોટો એ ચાર વર્ષના હતા ત્યારે પિતાજીએ પાડ્યો હતો. કોઈ કહે છે એ ફોટો લોકપ્રિય લેખિકા, સમાજસેવિકા અને ઇન્ફોસિસના ચેરમેન નારાયણ કૃષ્ણમૂર્તિના પત્ની સુધા મૂર્તિનો છે. પણ કંપની જણાવે છે, કે આ સ્કેચ કોઈ હયાત વ્યક્તિનો છે જ નહી! એ તો ૧૯૬૦માં મગનલાલ દહીયા નામના આર્ટિસ્ટે તૈયાર કરેલો સ્કેચ છે.

સૌથી જૂની કંપની બંધ થઈ —

Image Source

હમણા બે’ક વર્ષ પહેલા પારલેએ મુંબઈના વિલે પાર્લેમાં આવેલી પોતાની સૌથી જૂની અને મૂળભૂત કંપની બંધ કરી. કારણ આર્થિક હતું. એ વખતે લોકોમાં અફવાએ જોર પકડેલું, કે પારલે-જીનું ઉત્પાદન બંધ થઈ રહ્યું છે. પારલેને આ અફવાઓ સામે જોરશોરથી પ્રચાર કરવો પડેલો, કે ભ’ઈ! પારલેની એક કંપની જ બંધ થઈ રહી છે, દેશમાં બીજી ૪૯ કંપનીઓ ચાલુ છે.

આજે જેમ હરેક ટૂથપેસ્ટને કોલગેટ તરીકે ઓળખાય છે તેમ હરેક બિસ્કિટને સામાન્ય જનતા પારલે જ માને છે! મતલબ, પારલે શબ્દ બિસ્કિટનો સમાનાર્થી બની ચૂક્યો છે. આ હદની સફળતા મળે એનાથી વધારે શ્રેષ્ઠ દુનિયામાં કશો માપદંડ હોતો નથી. સામાન્ય જનતાના દિલ પર પોતાની ક્વોલિટી અને કિંમતને લઈને પારલેએ સદાય રાજ કર્યું છે. એની પાછળ એક ગુજરાતી જ જવાબદાર છે!

[આર્ટિકલ માહિતીપ્રદ લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો આ લીંક. તમને પારલે-જી કેવું ને કેટલું પસંદ છે એ વિશે કમેન્ટ પણ મારજો. ધન્યવાદ!]

Author: કૌશલ બારડ – GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી,બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks