ફિલ્મી દુનિયા મૂવી રીવ્યુ

ફિલ્મ રીવ્યુ: ‘ઉજડા ચમન’ ફિલ્મ જોતાં પહેલાં એક વાર આ રીવ્યુ જરૂર વાંચજો…

ઓડિયન્સને ત્રાસ આપવો એ કળિયુગનું સૌથી ઘોર પાપ છે! ‘ઉજડા ચમન’ એ 2017ની કન્નડ ફિલ્મ ‘ઓન્ડુ મોટ્ટેયા કાઠે’ની ઓફિશિયલ રીમેક છે. ડેબ્યુટન્ટ ગુજરાતી ડિરેક્ટર અભિષેક પાઠકની આ ફિલ્મ અને આયુષ્યમાન ખુરાના સ્ટારર ‘બાલા’ વચ્ચે ભરપૂર ટશન ચાલી. પહેલા બંને ફિલ્મો 8 નવેમ્બર પર રીલિઝ થવાની હતી અને બાદમાં ક્લેશ ટાળવા માટે ઉજડા ચમનને વહેલી રીલિઝ કરવામાં આવી. ઓરિજિનલ વાર્તા આખરે કોની? એ મુદ્દે કોન્ટ્રોવર્સી ચાલી રહી હતી. ‘ઉજડા ચમન’ જોઈને મને નથી લાગતું આ ફિલ્મ એ દરજ્જાની છે કે એના માટે આટલો વાદ-વિવાદ કરી શકાય!

ચમનનું પાત્ર નિભાવતો સન્ની સિંઘ દિલ્હીની હંસરાજ કૉલેજમાં હિન્દી ટીચરની નોકરી કરે છે. ૩૦ વર્ષનો થઈ ગયો હોવા છતાં માથામાં પડી ગયેલી ટાલના લીધે કોઈ છોકરી તેની સાથે ડેટિંગ કે લગ્ન માટે તૈયાર નથી થતી. ટાલિયા હોવાના ધૂંધવાટ હેઠળ જીવતો ચમન લોકોની મશ્કરીનો પણ ભોગ બને છે. બસ, આટલી જ છે વાર્તા!

ડિરેક્ટર અભિષેક પાઠકને કોઈક વ્યક્તિ એ સમજાવો કે અગર તમારે આટલા આઇ-ઓપનિંગ સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવી છે તો દમ લગા કે હઈશા, શુભ મંગલ સાવધાન કે લુકાછુપી પરથી કંઈક ધડો લો ને! ભયંકર બોરિંગ સ્ક્રિપ્ટ અને માથું પાકી જાય એવા સ્ક્રીનપ્લેને લીધે એક અફલાતુન વિષય વેડફાયો છે. આમાં પણ અત્યંત લાઉડ બેકગ્રાઉન્ડ સ્કોરને લીધે તો મગજના કોષો રીતસરના ભમી ગયા છે, સાહેબ!

સન્ની સિંઘનો કોરો સપાટ ચહેરો આખી ફિલ્મને વધુ ત્રાસદાયક બનાવે છે. કોમેડી કરવાના ચક્કરમાં સ્ક્રિપ્ટ જ બેચરાઈ ગઈ છે. પહેલી વાત તો એ કે, સન્ની સિંઘને કોમિક ટાઇમિંગ સાથે કોઈ લેવાદેવા જ નથી. કાર્તિક આર્યન, રાજકુમાર રાવ અને આયુષ્યમાન ખુરાના પ્રકારના અભિનેતાની કેટેગરીમાં આવવાના ચક્કરમાં ફિલ્મની પાણ પીટાઈ ગઈ છે.

ન તો ગીતમાં કોઈ ઠેકાણા, કે ન ડિરેક્શનમાં! અસલી વાર્તાની શરૂઆત જ ઇન્ટરવલ પછી થાય છે. ત્યાં સુધી પાંચ-છ શોર્ટ ફિલ્મના ટુકડાને જોડીને બનાવવામાં આવેલો ફર્સ્ટ હાફ જોવા મળે છે. સતત બરાડા પાડતી પંજાબી ફેમિલી અને ટેસ્ટોટેરોનના ઉભરા વચ્ચે દબાયેલો હથોડાછાપ એક્ટર! ઘડીભર તો એવું જ થયું કે ફિલ્મ પૂરી થતાં પહેલા મગજનું સંતુલન બગડી ન જાય તો સારું!

ફિલ્મ-રાઇટર દાનિશ જે. સિંઘને ખબર જ નહોતી કે પોતે લખવા શું માંગે છે! અષ્ટમ-પષ્ટમ કંઈ પણ લખીને એક જબરદસ્ત કન્નડ ફિલ્મની રીમેક અને ધારદાર વિષયવસ્તુને બેકાર બનાવી નાંખવામાં આવી છે. અધૂરામાં પૂરું, અભિષેક પાઠકનું લસ્ત દિગ્દર્શન! આખિર કરના ક્યા ચાહતે હો સાહબ? મહેરબાની કરીને આવો ત્રાસ ઓડિયન્સ પર ગુજારતાં પહેલા સો વખત વિચાર કરો. પ્રોડ્યુસર તમારી ફિલ્મ પાછળ પૈસા રોકવા તૈયાર થઈ જાય એનો મતલબ એમ નહીં કે કંઈ પણ ભળતું બનાવીને જ પીરસી દો! આવતાં અઠવાડિયે રીલિઝ થનારી ‘બાલા’ પાસેથી હવે ઘણી અપેક્ષાઓ છે.

સ્ટાર : એક ચોકલેટ.

આવનારી તમામ લેટેસ્ટ ફિલ્મોના રીવ્યુ જોવા માટે અમારી ચેનલ Known Sense Club કિલ્ક કરી સબસ્ક્રાઇબ કરો
નીચે જુઓ વિડિઓમાં સંપૂર્ણ માહિતી :

https://youtu.be/s04frul3nhU

નીચે ઉજડા ચમન ફિલ્મનું ટ્રેલર જોઈ શકો છો:

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.