હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેેર કાળ બનીને વરસી રહી છે અને તેમાં પણ આ લહેરમાં ઘણા લોકો મોતને ભેટી રહ્યા છે અને ઘણા પરિવારે તેમના સ્વજન પણ ગુમાવ્યા છે. ત્યારે એક 2 વર્ષની દીકરીએ આ કોરોનાની મહામારીમાં માતાની છત્રછાયા ગુમાવી છે.
ડીસા શહેરનો એક હ્દય દ્રાવક કિસ્સો સામે આવ્યો છે. પહેલી લહેરમાં કોરોના સામે જંગ જીત્યા બાદ બે વર્ષની દીકરીની માતાનું બ્રેઇન ટયુમરનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતુ. જે સમગ્ર વર્ષ કોમામાં રહ્યા બાદ બુધવારે તેણી જીંદગી સામે જંગ હારી ગઇ હતી. જેમની દીકરી નોંધારી બની ગઇ છે. જોકે, માસી હવે આ દીકરીને મોટી કરશે.
એક વર્ષ અગાઉ રીનાબેનને બ્રેઇન ટ્યુમરની બિમારી થઇ હતી. જેમને ડીસા યુવા સંગઠનના પ્રમુખ નિતિનભાઇ સોની અને તેમની ટીમે તમામ ખર્ચ ઉપાડી પાલનપુરની ખાનગી હોસ્પિટલમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં રીનાબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સારવાર દરમિયાન કોરોના સામે તો જંગ જીતી ગયા હતા. પરંતુ બ્રેઇન ટયુમરનું ઓપરેશન કર્યા પછી તેઓ કોમામાં જતા રહ્યા હતા. અને ઘરે પથારીવશ હતા. જેઓ બુધવારે જીવન સામેનો જંગ હારી ગયા હતા. દરમિયાન તેમની બે વર્ષની દીકરી જાનકી નોધારી બની જતાં તેની માસી ઉમાબેન અને હિરલબેન યશોદા બની ઉછેર કરશે.
રીનાબેનનો પરિવાર આર્થિક રીતે ગરીબ હોવાથી ડીસા હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની અને તેમની ટીમે ઓપરેશનનો રૂપિયા 1.50 લાખ જેટલો ખર્ચો ઉઠાવ્યો હતો. જે બાદ રીનાબેનનું નિધન થતાં અંતિમ ક્રિયા સહિત 12 દિવસનો તમામ ખર્ચો કરવા હોઈ માનવતાની મિશાલ પુરી પાડી છે. સૌજન્ય : દિવ્ય ભાસ્કર