કૌશલ બારડ ખબર લેખકની કલમે

કસાબને નરકનો દરવાજો દેખાડનાર ગવાહ આજે મુંબઈની ફૂટપાથ પર ભીખારીની જિંદગી જીવે છે! વાંચો હેરતજનક ખુલાસો

હજુ થોડા દિવસ પહેલાની જ ઘટના છે. મુંબઈની એક ફૂટપાથ પર એક આધેડ માણસ પડ્યો હતો. લઘરવઘર પહેરવેશ, ધૂળથી ખરડાયેલી ગંદી ચામડી અને એ જ પ્રમાણેના જીથરાં જેવા વાળ! પાસે એક દુકાન હતી. દુકાનદાર ડિ’સોઝા ભલો માણસ હતો. તેનાં અંતરમાં આ આધેડની દશા જોઈને દયા ઉભરાઈ.

Image Source

ડિ’સોઝાનો એક મિત્ર ગાયકવાડ, જે એક બિન સરકારી સંગઠન ચલાવે છે, તેણે ફૂટપાથ પર પડેલા માણસને સંસ્થામાં લાવ્યો. ખાવાનું આપ્યું, પણ એ આધેડ માણસે ખાધું તો નહી! વાળ કપાવ્યા, કપડાં ઠીકઠાક પહેરાવ્યા. આ માણસની પાછળ કોઈ હશે કે નહી? – આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. સમયાંતરે એ માણસ ‘મહાલક્ષ્મી…બીએમસી…હર્ષવર્ધન’ જેવા ત્રૂટક શબ્દો બોલતો જતો હતો. એ પરથી આખો દિવસ બીએમસી કોલોનીમાં તપાસ કરાવી.

આખરે એનાં ભાઈના ઘરની ભાળ મળી. એની સાથે વાતચીત પરથી આ નિ:સહાય, આધેડ અને તરછોડાયેલો લાગતો આધેડ કોણ હતો એની ખબર પડી ત્યારે પૂછનારા માણસો હતપ્રભ રહી ગયા! રસ્તા પર રઝળી પડેલો આ માણસ ભીખારી જેવો ભલે ભાસતો હોય, પણ એ ભીખારી નહોતો. એ ‘અસામાન્ય’ હતો. ખબર પડી કે હરિશ્વંદ્ર શ્રીવર્ધનકર એનું નામ છે અને ૨૬/૧૧ના મુંબઈ હુમલામાં અનેક નિર્દોષોનો ભોગ લેનાર મોહમ્મદ અઝમદ આમીર કસાબ નામના રાક્ષસી જાનવરનો એ જીવતોજાગતો સાક્ષી છે, જેની ગવાહીએ કસાબને ફાંસીને માંચડે ચડાવીને જહન્નમમાં ઘૂસાડી દીધો હતો!

Image Source

૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ મુંબઈમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંસ્થાના ૧૦ આતંકવાદીઓએ જે કમઠાણ કર્યું, જે નરસંહાર વેર્યો હતો એ તો કોણ ભૂલી શક્યું છે? કસાબ એમાંનો જ એક આતંકવાદી હતો. જ્યારે કામા હોસ્પિટલની બહાર કસાબ અને એનો સાથી અબૂ ઇસ્માઇલ અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા હતા ત્યારે હરિશ્વંદ્રને કસાબની એક ગોળી માથામાં વાગી પણ હતી! ઉલ્લેખનીય છે, કે હરિશ્વચંદ્રએ પોતાની બેગ પણ આતંકવાદીઓ સાથેની અથડામણમાં વીંઝવા માંડેલ! જો કે, કસાબની ગોળી વાગી છતાં હરિશ્વંદ્ર ઈશ્વરીય કૃપાથી બચી ગયેલ. આગળ જતા તેમણે જ કસાબની ગવાહી આપી. કસાબને જોયાનો, એનાં રાક્ષસી કૃત્યોનો આંખે દેખ્યો અહેવાલ એમને જ રજૂ કર્યો.

કહેવાની જરૂર નથી, કે માથામાં ગોળી ખાઈને વેઠેલી પીડા બાદ આપેલી ગવાહીએ કસાબને ફાંસીની ખોલકીમાં અને એ પછી ફાંસીને માંચડે મોકલવામાં બહુ મોટો ભાગ ભજવ્યો હતો.

Image Source

એ માણસની આજે આવી હાલત છે! ફૂટપાથ પર રઝળતો જોવા મળી ગયો કસાબનો ગવાહ! હદ તો ત્યારે થઈ જ્યારે જાણવા મળ્યું કે, હરિશ્વંદ્રના ઘરના લોકો તેમને રાખવા રાજી નથી અને કોઈ આશ્રમમાં મૂકી દેવાની વેતરણ કરે છે. ડોસાને તેઓ ઘરમાં સંઘરી નથી શકતા! હરિશ્વંદ્રને આતંકવાદીની ગોળી વાગી એમાંથી જીવ તો બચ્યો પણ આજે પણ તેની જીભ પકડાય છે. બોલવામાં તકલીફ પડે છે.

આ વાસ્તવિકતા છે! જે માણસ ખરેખર સન્માનને હકદાર છે એને પ્રતિષ્ઠા તો શું પગવાળીને બેસવા પણ ભાગ્યમાં નથી. જતે દહાડે આવી દશા? એ પણ એ વ્યક્તિની, જેને આપણા બધાની જેમ સામાન્ય કદાપિ ના ગણી શકાય. હરિશ્વંદ્ર શ્રીવર્ધનકર : કસાબનો ગવાહ!

આશા છે, કે આપને આર્ટિકલ પસંદ પડ્યો હશે. લીંક આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ!

Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.