‘The Kerala Story’એ બોક્સ ઓફિસ પર કર્યો ધમાકો, અદા શર્માની ફિલ્મને મળી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’થી ડબલ ઓપનિંગ ! પણ થોડા દર્શકો નાખુશ…

ઘણા વિવાદો અને પ્રતિબંધની માંગ વચ્ચે સુદીપ્તો સેનની ફિલ્મ ‘The Kerala Story’ આખરે શુક્રવારે સિનેમાઘરોમાં રીલિઝ થઇ. આ ફિલ્મ કેરળની છોકરીઓને ધાર્મિક ઝાંસામાં લઇ ISIS જેવા ખતરનાક આતંકવાદી સંગઠન સાથે જોડવાની કહાનીનો દાવો કરે છે. ‘ધ કેરલ સ્ટોરી’ના ટીઝર-ટ્રેલરમાં એક તરફ એવું કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ આ ઘટનામાંથી પસાર થતી છોકરીઓની વાર્તા છે. બીજી તરફ એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેરળમાં હજારો છોકરીઓ સાથે આવું બન્યું છે.

‘ધ કેરલ સ્ટોરી’

આ દાવાઓને કારણે ફિલ્મને લઈને વિવાદ થયો હતો. વિવાદો વચ્ચે થિયેટરોમાં રિલીઝ થયેલી ‘ધ કેરલ સ્ટોરી’ અને તેની સમીક્ષાઓ બે સંપૂર્ણપણે અલગ ધ્રુવો પર જોવા મળી હતી. પરંતુ વિવાદોને કારણે સર્જાયેલું વાતાવરણ બોક્સ ઓફિસ પર ‘ધ કેરલ સ્ટોરી’ને ઘણી મદદ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. શુક્રવારના બોક્સ ઓફિસ રિપોર્ટ્સ આવવાનું શરૂ થઈ ગયું છે અને અંદાજો જણાવે છે કે અદા શર્મા સ્ટારર ફિલ્મે પહેલા જ દિવસે ધૂમ મચાવી છે. ‘ધ કેરલ સ્ટોરી’ની શરૂઆત એટલી મજબૂત છે કે ઘણા અહેવાલો તેને પહેલા જ દિવસે હિટ જાહેર કરી રહ્યા છે.

પહેલા દિવસે મળી જબરદસ્ત ઓપનિંગ

શુક્રવારના બોક્સ ઓફિસ બિઝનેસ રિપોર્ટ્સના અંદાજ મુજબ ‘ધ કેરલ સ્ટોરી’ને 7 થી 8 કરોડ રૂપિયાની વચ્ચે ઓપનિંગ મળી છે. જ્યારે અંતિમ આંકડાઓ સામે આવશે ત્યારે આ કમાણી 8 કરોડને પાર પણ થઇ શકે છે. ‘ધ કેરલ સ્ટોરી’ના નિર્માતા વિપુલ શાહ છે જેમણે ‘નમસ્તે લંડન’ ‘હોલિડે’ ‘ફોર્સ’ ‘કમાન્ડો’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. અદા શર્મા સ્ટારર ‘ધ કેરલ સ્ટોરી’નું ઓપનિંગ કલેક્શન દરેકની અપેક્ષાઓ કરતાં વધી ગયું છે. તેનું કારણ એ છે કે તે બહુ મોટી રિલીઝ નહોતી. પરંતુ ફિલ્મ વિશે ચાલી રહેલી ચર્ચાઓને કારણે એવું બન્યુ.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ કરતા વધુ ઓપનિંગ 

અહેવાલો સૂચવે છે કે શનિવારે પણ ‘ધ કેરલ સ્ટોરી’ માટે સારું એડવાન્સ બુકિંગ છે અને બીજા દિવસે ફિલ્મની કમાણી વધુ વધશે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ એક મહાન સીમાચિહ્ન બની ગઈ છે. આ ફિલ્મે પહેલા દિવસે 3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ કન્ટેન્ટ માટે વિવાદનો સામનો કરી રહેલી આ ફિલ્મ લોકોને પસંદ પડી હતી અને અનુપમ ખેર સ્ટારર આ ફિલ્મે ભારતમાં 250 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું.

એક વર્ગ કે જેને ના પસંદ આવી ફિલ્મ

‘ધ કેરલ સ્ટોરી’નો વાર્તા વિચાર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેટલો જ વિવાદાસ્પદ છે. પરંતુ અદા શર્માની ફિલ્મે પહેલા દિવસે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ કરતા બમણી કમાણી કરી છે. વિકેન્ડમાં ફિલ્મની કમાણી ચોક્કસપણે વધુ વધશે. જો કે, એક વર્ગ એવો પણ છે જેને આ ફિલ્મ નથી પસંદ પડી રહી. અદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બલાની, સિદ્ધિ ઈદનાની, વિજય કૃષ્ણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મ ધ કેરલ સ્ટોરીની કહાની ચાર છોકરીઓ શાલિની ઉન્નીકૃષ્ણન (અદા શર્મા), ગીતાંજલિ (સિદ્ધિ ઈદનાની), નીમા (યોગિતા બિહાની), આસિફા બા (સોનિયા બલાની)ની આસપાસ ફરે છે.

કહાની ફિલ્મને થોડી કમજોર કરી રહી હોય તેવું કેટલાક લોકોનું કહેવુ છે. કહાની સિવાય એક્ટિંગ એક નબળું પાસું લાગે છે. કેટલાકને અદા શર્માનો અભિનય ખૂબ જ ગમ્યો પણ કેટલાકને અદા શર્મા તેના અભિનય અને ડાયલોગથી પ્રભાવિત ન કરી શકી. આ ઉપરાંત સહ કલાકારો પણ તેમના અભિનયની છાપ છોડવામાં બિનઅસરકારક રહ્યા. ફિલ્મમાં એક સાથે બે વાર્તાઓ ચાલે છે. એક તરફ, શાલિનીને આતંકવાદી સંગઠન તરીકે ઓળખવામાં આવી છે, જેના કારણે તપાસ એજન્સી તેની પૂછપરછ કરે છે, તો બીજી તરફ, કોલેજની બહાર ફરવાની ઘટના, પ્રેમ પ્રકરણ અને ફસાવાની ઘટના બતાવવામાં આવી છે, જે વાર્તાને વાસ્તવિકતા ઓછી પણ કન્ફ્યુઝન વધુ બતાવે છે.

Shah Jina