મુકેશ સોજીત્રા લેખકની કલમે

“ ધ ચોકલેટ – અ સિક્રેટ લવ સ્ટોરી” – હજારો નહી લાખોમાં એક હશે આવી અદભૂત લવ સ્ટોરી, વાંચવાનું ચૂકતા નહી ..!!

“ ધ ચોકલેટ – અ સિક્રેટ લવ સ્ટોરી”

ડોકટર શિશિર પાઠક હજુ ઘરે જ પહોંચ્યા હતા. ત્યાં દવાખાનેથી ફોન આવ્યો. આમ તો એની ડ્યુટી પૂરી થઇ ગઈ હતી. શિશિર પાઠક એક ટ્રસ્ટની મલ્ટી સ્પેશીયલ હોસ્પીટલમાં ડોકટર તરીકે ફરજ બજાવતા હતા. સવારના આઠ થી સાંજના ચાર સુધી જ એની ફરજ હતી. સાંજના ચાર થી રાતના બાર સુધી એની જગ્યાએ ડોકટર વિપુલ સેવા આપતા હતા.

“સાહેબ એક એક્સીડેન્ટનો કેઈસ છે. પેશન્ટ ના માથામાંથી લોહી વહી ગયું છે. આઈસીયુમાં ભરતી છે. કોઈ પોલીસવાળા ની ખાસ ભલામણ થઇ છે ટ્રસ્ટી પર અને ટ્રસ્ટીએ કીધું છે કે ડોકટર પાઠક ને બોલાવી લો” સામેથી જુનિયર ડોકટર તુષાર બોલતો હતો.

“જી આવું છું દસ જ મીનીટમાં” કહીને ડોકટરે પોતાનો સેલફોન બંધ કર્યો. પત્ની અવનિ સામે જોઇને કહ્યું. તેમનો છોકરો દિશાંત હોમ વર્ક કરી રહ્યો હતો. આજે શનિવાર હતો. આજનો કાર્યક્રમ અવનીએ ગોઠવ્યો હતો. કાંકરિયા લેઈક પાંચ વાગ્યે ત્યાંથી સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલ એક કાઠીયાવાડી ધાબા પર રાત્રીનું ડીનર અને પછી અગિયાર વાગ્યે પરત ઘરે.
“એક ઈમરજન્સી કેઈસ છે. કદાચ મોડું પણ થાય અથવા વહેલા પતી જશે તો આપણે કાંકરિયાનું કેન્સલ રાખીને સીધા જમવા જતા રહીશું!! હું જાવ છું બાય બેટા લવ યુ!!” કહીને પ્રત્યુતરની રાહ જોયા વગર ડોકટર શિશિર પાઠક પોતાની કાર લઈને ગેઈટની બહાર નીકળી ગયા. પોતાના ઘરથી હોસ્પિટલ બહુ દૂર નહોતી.

કાર નીચે પાર્ક કરીને ડોકટર શિશિર પાઠક ફટાફટ ત્રીજા માળ પર આવેલી આઈસીયુ તરફ જવા રવાના થયા. આઈ સી યુની બહાર ચારેક પોલીસવાળા ઉભા હતા. તમામના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી.

“સાહેબ પી આઈ દવે તેમની પત્નીને લઈને શોપિંગ પર જતા હતા. હેલ્મેટ ચાર રસ્તા પાસે જ પાછળથી એક બોલેરાવાળાએ ટક્કર મારી. પી આઈ દવે ને ખાસ નથી વાગ્યું. પણ એની આ પત્નીને ખુબજ વાગ્યું છે . એ બેભાન છે લોહી તો બંધ થઇ ગયું છે. શ્વાસોશ્વાસ સામાન્ય છે. બાકીના રીપોર્ટસ હમણા જ કરવા પડશે” તુષાર બોલતો હતો પણ પેશન્ટ નો ચહેરો જોઇને જ ડોકટર શિશિર પાઠક ચોંકી ગયા. ચહેરો જાણીતો હતો. પેશન્ટનું નામ કેઈસ પેપર પર વાચ્યું!!

રીંકલ દેવશંકર દવે ઉમર વર્ષ ૩૬!!
હા એ રીંકલ હતી!! જેની સાથે ડોકટર ધોરણ આઠ અને નવ ભણ્યા હતા!! બરાબર બાવીશ વરસ પહેલા તેઓ છુટા પડ્યા હતા. પછી કોઈ જ સંપર્ક જ નહોતો. અત્યારની જેમ મોબાઈલની સુવિધા તો હતી નહિ!! ડોકટરે ધ્યાનથી તેના ચહેરા તરફ જોયું. રીંકલનો ચહેરો ખાસ બદલાયો નહોતો. બસ વરસો વિતવાની સાથે ચહેરો વધુ રૂપાળો બન્યો હતો.!!

જરૂરી ઇન્જેકશનો ગ્લુકોઝની બોટલ્સમાં નાંખીને ડોકટર શિશિર પાઠકે રીંકલને બોટલ ચડાવી. થોડી દવાઓ લખી આપી. અને પછી એ ત્યાંજ બેસી ગયા. આઈસીયુની બહાર ચિંતાતુર ચહેરાઓ આઈસીયુના બારણાની બહાર તાકી રહ્યા હતા. કલાક પછી રીંકલ સહેજ સળવળી. ડોકટર પાઠકે પેશન્ટના ધબકારા માપ્યા. બધું જ નોર્મલ હતું. થોડીવાર પછી ડોકટર પાઠક તુષારને બોલાવીને કહ્યું.

“પેશન્ટનું સીટી સ્કેન અને એમ આર આઈ કરાવવું પડશે. ખાસ તો માથાની અંદર કોઈ મેજર ઇન્જરી નથીને એ ચેક કરવું પડશે. પેશન્ટને ત્રીસ મિનીટ માટે સીટી સ્કેન અને એમ આર આઈ વિભાગમાં લઇ આવો તાત્કાલિક” કહીને એ આઈસીયુની બહાર નીકળ્યા. ડોકટર પાઠક જેવા આઈસીયુની બહાર નીકળ્યાં તરત જ ચારેક પોલીસવાળા એમને ઘેરી વળ્યા. ત્યાં બે ત્રણ સ્ત્રીઓ પણ આવી ગઈ હતી. ડોકટર બોલ્યા.

“ચિંતાની કોઈ વાત અત્યારે જણાતી નથી. પેશન્ટના મગજના ફોટા લેવા પડશે. કોઈ ઇન્જરી તો નથી ને..?? લગભગ કોઈ ઇન્જરી તો નથી પણ તોય નિદાન કરવું જરૂરી છે.. તમે કોઈ ચિંતા ન કરો..”

તોય એક ચાલીશેક વરસના પુરુષે ડોકટરના બને હાથ પકડી લીધા. એને ગળે ડૂમો ભરાઈ ગયો હતો. બોલવું તો હતું પણ બોલી શકાતું નથી એમ ડોકટરને લાગ્યું. ખાખી વર્દી પર લાગેલી નેઈમ પ્લેટ ડોકટરે જોઈ.. ડી.ડી દવે!! પી આઈ!! પાઠકે અનુમાન કર્યું કે આ જ રીંકલનો પતિદેવ હશે!!
“ ડોન્ટ વરી પી આઈ!! ડોન્ટ વરી!! તમારી લાગણી રીંકલને કશું જ નહીં થવા દે.. બીલીવ મી શી ઈઝ આઉટ ઓફ એની ડેન્જરનેસ!! પ્લીઝ!!” બસ હવે એમના મગજના કેટલાક રીપોર્ટસ કરવાના છે એમને એમ આર આઈ અને સીટી સ્કેન વિભાગમાં થોડી વાર માટે શિફ્ટ કરવી પડશે.” પી આઈની પીઠ થપથપાવીને પાઠક આગળ વધ્યા!!

સીટી સ્કેન અને એમ આર આઈના રીપોર્ટસ આવી ગયા. મગજ કે ખોપરીની અંદર કશી જ તકલીફ થઇ નહોતી. ફક્ત ગળાની નીચે અને ગરદન ની આજુબાજુ સ્નાયુમાં સોજો આવી ગયો હતો. પેશન્ટ ભાનમાં આવી ગયા પછી પણ બે ત્રણ દિવસ ડોક આજુબાજુ ફેરવી નહિ શકે. ડોકટર તુષાર ને જરૂરી સુચના આપી. પેશન્ટના ગળાની આજુબાજુ કમ્ફરટેબલ બેલ્ટ બાંધવામાં આવ્યો. પેશન્ટ ભાનમાં આવી જાય તો પણ વધારે વાતચીત નહીં કરવાની અને આઈસીયુમાં ફક્ત અને ફક્ત પતિદેવને દસ મિનીટ જ મળવા દેવાના.. આ સિવાય આખી રાત ફુલ ટાઈમ બે નર્સ પેશન્ટ પાસે હાજર રાખવાની અને કોઈ ઈમરજન્સી હોય તો મને તાત્કાલિક બોલાવજો અને દર કલાકે આ બે ટેબ્લેટ પેશન્ટને પીવડાવવાની છે એવી જરૂરી સૂચનાઓ આપીને ડોકટર શિશિર પાઠક હોસ્પીટલમાંથી બહાર આવ્યા. ઘડિયાળમાં જોયું તો સાડા નવ વાગ્યા હતા. ઘરે કોલ કર્યો.
“અવનિ તું અને દિશાંત તૈયાર રહો..આપણે બહાર જમવા જઈ રહ્યા છીએ!!”

“ તમે બહાર જમીને આવજો અમે મા દીકરાએ જમી લીધું છે અને હા એવું ઈમરજન્સી હોય તો ત્યાં જ રોકાઈ જજો..અમને તો હવે આદત પડી ગઈ છે.” અવનીએ કહ્યું. અવનિ આ બધું સાહજીકતાથી કહી દેતી હતી. આમ તો શિશિર પાઠક સાથે એનું દાંપત્યજીવન ટોપ ગિયરમાં ચાલતું હતું. પણ ક્યારેક આવો કેઈસ આવી જાય અને અવનીના પ્લાનમાં કોઈ ફેરફાર થાય એટલે બે ત્રણ દિવસ અવનીની જીભમાંથી વ્યંગ્ય બાણો છૂટે જ ખરા!! નત નવું સંભળાવી દે!! બે મહિના પહેલા સતત ત્રણ દિવસ આવી જ રીતે હોસ્પીટલમાંથી રાત્રી ઓવરટાઈમ કરવો પડ્યો હતો. ત્યારે ચોથા દિવસે અવનિએ કહ્યું હતું.

“તમે આવો ત્યારે વળાંક પાસે એક જય ગ્રાફિક્સ આવે છે. ત્યાં સરસ મજાના બેનર બનાવે છે ત્યાં એક બેનર બનાવતા આવજોને બેનરમાં આ મુજબનું લખવાનું છે.
“ડો.શિશિર પાઠક સંપૂર્ણ ડોકટર અને આખે આખા સેવાભાવી!!

ફૂલ ટાઈમ ડોકટર એટ સાધના હોસ્પિટલ!!

વીઝીટીંગ હસબંડ એટ હોમ ઓન્લી ટુ અવર્સ!!

એ વખતે ડોકટર શિશિર પાઠક અવનીનો ગુસ્સો ઓળખી ગયા હતા. વળી એ વાતનો આનંદ હતો કે અવનિ ગુસ્સે થતી ત્યારે એના ગાલ અને હાથ એકદમ લાલચોળ થઇ જતા. ચહેરા પર રીતસરનું લોહી ધસી આવતું. અવનીની ત્વચા ગુસ્સામાં નીખરી ઉઠતી. ઘરે જઈને ડોકટર રાબેતા મુજબ અવનીની બાજુમાં કશું બોલ્યા વિના સુઈ ગયા. ભલેને અવનીએ કીધું હતું કે બહાર જમી લેજો પણ અવનીએ પોતાના માટે ઘરે બનાવેલું જ હોય!!

“ બહાર જમવાની મજા આવી?” અવનિ બોલી. અવનીનું મુખ શિશિર પાઠકથી વિપરીત દિશામાં હતું.

“ હા ખુબ જ મજા આવી.. ભરેલ રીંગણ હતા, અને રજવાડી ઢોકળીનું શાક લાજવાબ હતું. વળી છેલ્લે વઘારેલ રોટલો પણ હતો. તું આવી હોત તો મજા આવી જાત” ડોકટર બોલતા હતા. થોડી વાર પછી અવનિ બોલી.

“ખોટું બોલવા માટે પ્રેક્ટીસ જોઈએ ડોકટર!! પેટમાં કશું ગયું નથીને આડા અવળા પડખા ફરો છો એટલે કહું છું કે કિચનમાં તમારી ડીશ ઢાંકેલી છે. ચુપચાપ જમી લો. માણસ ભલેને પોતાની ફરજ ચુકી જાય..પણ હું કદી મારી ફરજ નહિ ચૂકું!!!

“મારી પાસે કોઈ બેસે ને એ પણ ખાય તો જ હું ખાઉં છું” કહીને શિશિર પાઠકે સુઈ જવાનો ડોળ કર્યો.

“ચાલો હવે લાજવાને બદલે ગાજો છો તે” અવનીનો હાથ ડોકટર પાઠકના હાથને ખેંચી રહ્યો હતો. આમ તો કહેવાય છે પુરુષનો હાથ મજબુત અને સખત હોય છે. પણ સ્ત્રીના કોમળ હાથ સામે પુરુષનો હાથ હંમેશા હારતો આવ્યો છે!! થોડી જ વારમાં અવનિ અને શિશિર એક થાળીમાં જમતા હતા.
“એક સરપ્રાઈઝ છે તારા માટે..આજે જે પેશન્ટ આઈસીયુ માં દાખલ થયું છે.. એ તારી બેસ્ટ ફ્રેન્ડ રીંકલ જોષી છે.. યાદ છે આપણી સાથે જ ભણતી રીંકલ જોષી…?? એના પિતાજી ત્યારે ત્યાં તારા જ ગામમાં પીએસઆઈ હતા.. ખુબ જ બોલકી અને શાળામાં લગભગ સતત ખાતી રહેતી છોકરી.. ખુબજ પૈસા ખર્ચતી એ યાદ છે તને????” સાંભળીને અવનીના મોમાં કોળીયો હાથમાં જ રહી ગયો.

“ અરે તમે એની સાથે વાત કરી??? કેમ એને શું થયું?? નવમું પાસ કરીને એ જતી રહી. એના પાપાની બદલી થઇ હતી એટલે એને પણ જવું પડે ને??? પણ ગયા પછી એનો કોઈ કોન્ટેક્ટ નથી થયો!! તે તમને ઓળખી ગઈ કે શું???” અવનીએ અચાનક જ કઈ કેટલાય સવાલ કરી નાખ્યા.
“અરે હજુએ આઈસીયુ માં છે કદાચ રાતે ભાનમાં આવી જાય.. એ કદાચ મને ના ઓળખી શકે એવું પણ બને.. એ એક પીએસઆઈને પરણી છે.. બસ એટલી જ ખબર છે..પણ એ હજુ બદલાઈ નથી.. હા ઉમરને કારણે થોડી સ્થૂળ થઇ છે બાકી આઠમા ધોરણમાં હતી એવોને એવો જ ચહેરો છે.. બને ગાલમાં હજુ ખંજન પડે છે!! નીચે ડાબી બાજુએ એજ ખીલ છે!! જે ખીલ પર તું કાયમ ચીંટીયો ભરતી ત્યાં અને કહેતી કે જાનું રીંકુ…. યહ ખીલ હમકો દઈદે.. યહ ખીલ નહીં હમારા દિલ હૈ!! યાદ આવે છે કંઈ???” ડોકટર શિશિર પાઠક બોલતા રહ્યા. અવનિ તેની સામું એકીટસે જોઈ રહી પછી બોલી.

“ હાઇસ્કુલમાં કરેલી ધીંગા મસ્તી એમ થોડી ભૂલાય..!!” કહીને અવનિ કિચનમાં વાસણમાં મુકવા ગઈ. જમ્યા પછી શિશિરને બાલ્કનીમાં હિંચકા પર થોડી વાર બેસવા ની ટેવ હતી. શિશિર હિંચકા પર બેઠો અને હીંચકાની આંદોલિત ગતિમાં તેનું મન ભૂતકાળમાં સરી ગયું.
શિશિર પાઠક. નાનપણથી જ ભણવામાં હોંશિયાર. ગામડામાં રહેતા પિતાશ્રી ગોરપદુ કરતા અને સાથોસાથ પોસ્ટમેનનું કામ કરતા. ઘરે ઘરે ટપાલ દઈ આવવાની અને સાંજે ભેગી થયેલ ટપાલો બીજા દિવસે બાજુના મોટા ગામમાં દઈ આવવાની અને ત્યાંથી ગામની ટપાલો લઇ આવવાની. સાત સુધી તો ગામમાં ભણ્યો પણ આઠમા ધોરણનું શું?? શિશિરના દુરના મામા એક તાલુકાની નજીકના ગામડામાં રહેતા. શિશિરની આઠ થી દસ ધોરણની વ્યવસ્થા ત્યાં થઇ ગઈ. મામા ના ઘરેથી છ કિમી દૂર આવેલ તાલુકાની હાઈસ્કુલમાં સાયકલ લઈને જવાનું અને સાંજે સાયકલ લઈને આવવાનું. બસ ત્યાં આઠમા ધોરણમાં જ શિશિરને અવનિ અને રીંકલનો પરિચય થયો.

ત્રિમાસિક પરિક્ષામા શિશિરનો પહેલો નંબર આવ્યો. શિશિરનું સમગ્ર ધ્યાન ભણવામાં હતું. બાકીના બધા જ છોકરાનું ધ્યાન અવનિ અને ખાસ તો રીંકલ પર હતું. અવનિ તો સામાન્ય કહી શકાય તેવા મધ્યમવર્ગની છોકરી હતી. તેના પિતા નાયબ મામલતદાર હતા. જ્યારે રીંકલના પિતા અનંતરાય એક પીએસઆઈ હતા. રીંકલ હમેશા નિત નવા ફેશનેબલ ડ્રેસમાં આવતી. નાની ઉમરમાં જ જમાના કરતા રીંકલ ઘણી જ આગળ હતી. ગામડાની ભાષામાં એ ખુબજ ફોરવર્ડ હતી. શાળામાં ભણવા આવતી વખતે રીંકલના શરીરમાંથી પરફ્યુમની એક સરસ મજાની સુગંધ આવતી તેની પાછળ આખો ક્લાસરૂમ ગાંડો હતો વળી રીંકલ ખાવાની ખુબ જ શોખીન હતી. એની બેગમાં ચોકલેટો કાયમ માટે રહેતી. એ એની બધી જ બહેનપણીઓને નિત નવી ચોકલેટ ખવડાવ્યા કરતી.અને પોતે પણ ચોકલેટ ખાઈ ખાઈને ચોકલેટી થઇ ગઈ હતી.!! શિશિરના ભાઈ બંધો વાતો કરતા.

“પીએસઆઇની છોકરી છે. એના બાપા ખુબજ કમાય છે. એકની એક દીકરી છે..લાડકોડમાં ઉછરેલી છે.. આખી નિશાળમાં કોઈ રીંકલનું નામ ન લઇ શકે!!” જનક કહેતો તો વળી રવિ પણ કહેતો.

“એની ઘરે રોજ ઊંધિયું બને છે.. શાક બકાલાની લારી વાળાઓ દરરોજ શાકની થેલીઓ ભરીને પીએસઆઇની ઘરે પહોંચાડે છે એમ મારા બાપા કહેતા હતા” ત્યાં વળી શિવરાજ બોલે.
“મારા બાપાને પણ પીએસઆઇની નોકરી મળતી હતી પણ મારા દાદા સિદ્ધાંતવાદી એ કહે કે પોલીસની પ્રજા સારી નો થાય એટલે મારા બાપાએ નોકરી ના લીધી. પણ રીંકલને જોઇને એમ થાય છે કે મારા બાપાએ ભૂલ કરી છે. નોકરી લેવા જેવી તો હતી જ!! પણ એણે તો ના લીધી પણ આપણે સીધું ડીએસપી થાવું છે જોઈ લેજો બધા તમતમારે”!! મોઢા એટલી વાતો થતી હતી શાળામાં!!

શિશિર આગલી બેન્ચે બેસતો. હોંશિયાર હતો એટલે ક્લાસનો મોનીટર પણ હતો. એ વખતે આજની જેવી આઝાદી નહિ છોકરા છોકરીઓ અલગ અલગ બેસતા અને લગભગ એક બીજા સાથે વાતો પણ ન કરતા. બધા જ છોકરાઓમાં શિશિરની સ્થિતિ સાવ નબળી એટલે રિશેષ પડે એટલે બધા ક્લાસની બહાર લારી પર નાસ્તા કરે. એકલો શિશિર ક્લાસમાં બેસી રહે.!! અવનિ અને રીંકલ ખાસ બહેનપણીઓ હતી!! રીંકલ ના બને ગાલ પર ખંજન પડતા અને ગાલની ડાબી બાજુએ નીચે એક ખીલ હતો ત્યાં અવનિ રીંકલને ચીંટીયો ભરીને કહેતી કે જાનું યહ ખીલ મુજે દે દે!! યહ ખીલ નહિ મેરા દિલ હૈ!! આગળની બેંચ પર બેઠેલો શિશિર બેયની ધીંગા મસ્તી સાંભળ્યા કરે!! કોઈ સાહેબો રીંકલની ભૂલ હોય તો પણ ખીજાતા નહિ એના પિતાજી પીએસઆઈ હતાને અને છાપ પણ એવી જ કે જો કોઈ ઝપટે ચડે એને મારી મારીને છોતરા કાઢી નાંખે!!

ક્યારેક અવનિ અને ક્યારેક રીંકલ શિશિર પાસેથી પાકી નોટબુક લેશન કરવા લઇ જાય!! એ વખતે શાળામાં હોંશિયાર વિદ્યાર્થીને આ બાબતે રાહત રહેતી. છોકરીઓ એમની નોટબુક લઇ જાય!! બાકીના છોકરાઓ શિશિરને ખીજવતા પણ શિશિરનું ધ્યાન ભણવામાં માં જ હતું!! છ માસિક પરિક્ષાઓ પૂરી થઇ એમાં પણ શિશિરનો પહેલો નંબર આવ્યો.. બસ દિવાળી પછી તો શાળામાં પ્રવાસ ગોઠવાયો. શિશિરના મામાએ પ્રવાસ ફી ભરી દીધી અને થોડા પૈસા વાપરવા આપ્યા. પ્રવાસમાં પણ રીંકલ પાણીની જેમ પૈસા વાપરે. એક જગ્યાએ પોલીસ વાળાએ બસ રોકી અને સાહેબે રીંકલને બોલાવી અને રીંકલે વાત કરી પોલીસ સાથે અને બસ જવા દેવામાં આવી. છોકરાઓએ બધાએ તાળીઓ પાડી. રીંકલ ખુશ થઇ ગઈ. આગળ એક દુકાન આગળ બસ ઉભી રખાવી, રીંકલે બધા માટે મોંઘા ભાવની ચોકલેટ ખરીદી અને ખવરાવી. શિશિર પાઠકે જીંદગીમાં પહેલી વાર આવી મોંઘી ચોકલેટ ખાધી હતી. ચોકલેટનો સ્વાદ એને ખુબ જ ભાવી ગયો!!
બસ આ ઘટના પછી એને ચોકલેટ ખાવાની તીવ્ર તલબ જાગી. રીશેષમાં એક વખત તે વાંચતો હતો અને અચાનક એક વિચાર આવ્યો. રીંકલનું દફતર ખોલીને એણે ચોકલેટ લઇ લીધી. ચોકલેટ ખિસ્સામાં નાંખીને એ બાથરૂમ માં ગયો અને એકી શ્વાસે આખી ચોકલેટ મોઢામાં નાંખીને ચાવી ગયો!! જીવનમાં આ તેની પહેલી ચોરી હતી!! બસ પછી તો રીશેષમાં એ એકલો જ હોય વર્ગખંડમાં બધા છોકરાઓ અને છોકરીઓ બહાર લોનમાં નાસ્તો કરતા હોઈ આ તકનો લાભ લઈને શિશિર રીંકલની ચોકલેટ લઇ લે આમેય એના દફતરમાં ઘણી બધી ચોકલેટો રહેતી હતી!! ધીમે ધીમે એ બહાદુર બનવા લાગ્યો હવે એ ક્યારેક રીંકલના કંપાસપેટીમાં રાખેલ પૈસામાંથી પાંચ રૂપિયા કે દસ રૂપિયા પણ તફડાવાવા લાગ્યો. બહુ વધારે નહિ લેવાના પાંચ કે દસ જ લેવાના અને પછી શાળા પૂરી થાય એટલે સહુથી છેલ્લે નીકળે સાયકલ લઈને.. તાલુકાથી એના ગામના રસ્તે છેલ્લી દુકાન આવે ત્યાંથી કેવેનડર સિગારેટ લે રસ્તામાં એક મોટા થોરના પોલાણમાં એક બાકસ રાખી મુક્યું હોય!! સાયકલ રસ્તામાં થોર પાસે સંતાડીને થોરની આડશમા એ ધુમાડા કાઢે!! ફટાફટ સિગારેટ પી ને એક તજના અર્ક વાળું પાન બંધાવેલું હોય એ ખાઈ લે એટલે મોઢામાંથી સિગારેટની વાસ ન આવે!!

એક તો નાની ઉમર!! ભણવામાં હોંશિયાર!! અને એમાં ચોરીના રવાડે ચડેલ શિશિરનો અંતરાત્મા ક્યારેક ડંખતો!! ક્યારેક રાતે આંસુ પણ આવે પણ ચોકલેટ ની તલબ એવી લાગી ગયેલ અને નાનપણમાં એના પિતાજી પાસે સાંભળેલ વાક્ય એને યાદ આવે કે

“હણે એને હણવામાં વાંધો નહિ!! એમાં પાપ લાગતું નથી” શિશિરે આમાંથી બચાવ પ્રયુક્તિ કાઢી કે આપણે ક્યાં કોઈ ગરીબનું ચોરીએ છીએ..રીંકલ ના પિતાજી બીજા પાસેથી પૈસા પડાવે છે એટલે એની છોકરીના પૈસા ચોરવા એ ચોરી નથી.. એ કયા એની મહેનતના પૈસા છે!! અને આટલી રકમની એને પડી જ ન હોય અને એને ખબર પણ ન હોય કે કોઈ મારા પૈસા ચોરી જાય છે!! નહીતર ક્લાસમાં સાહેબને ફરિયાદ તો કરેને??? એણે કોઈ દિવસ ફરિયાદ નથી કરી!! અને કદાચ કરે તો કોઈ એની પર શક તો ન જ કરેને!! એ એક એવો સમય હતો કે હોંશિયાર પર કોઈ શક ના જ કરે!! જેમ જેમ માતૃ દેવો ભવઃ!! પિતૃ દેવો ભવઃ એમ હોંશિયાર દેવો ભવઃ!! ગણાતું!!
સમય વીતતો ચાલ્યો!! નવમું ધોરણ આ જ રીતે પૂરું થયું અને આવ્યું દસમાં ધોરણનું બોર્ડ!! બોર્ડ એટલે બોર્ડ!! અમુક નબળા વિદ્યાર્થીઓતો બોર્ડનું નામ સાંભળેને તો પણ હાજા ગગડી જાય!! દસમું ધોરણ શરુ થયું!! પહેલો દિવસ હતો.. બધા જ વિદ્યાર્થીઓ આવ્યા!! પણ રીંકલ ન આવી!! જનકે શિશિરને સમાચાર આપી દીધાં.

“રીંકલ હવે ગઈ એના બાપાની બદલી આહવા બાજુ થઇ ગઈ છે!! આમેય પીએસઆઈ વધુમાં વધુ બે વરસ કે ત્રણ વરસ જ ટકે પછી એની બદલી જ થાય!! વેકેશન પદ્યુંને એના ચાર દિવસ પછી જ બદલી થઇ ગઈ એની!!”

આમ તો રીંકલ સાથે એ ભાગ્યેજ બોલ્યો હશે..કોઈ સંબંધ નહોતો તોય શિશિરને કાળજામાં કશુક ભોંકાતું ચાલ્યું!! થોડા દિવસ એ અસ્વસ્થ પણ રહ્યો!! પણ એની ચોકલેટ અને ચોરવાની આદત એ રીંકલ સાથે જ ગઈ!! હા અવનિ ક્યારેક એની સાથે અભ્યાસની ચર્ચા કરતી હતી.
ધોરણ દસમાં સખત મહેનતને કારણે એ સ્કુલ પ્રથમ આવ્યો. પછી એ સાયન્સમાં જોડાયો. એક અવનિ એની સાથે સાયંસમાં હતી. અવનિ સાથે એ હવે વાતો કરવા લાગ્યો હતો. બાર સાયન્સમાં સારા ગુણ મેળવ્યા અને બીજે મેડીકલ કોલેજમાં એને એડમીશન મળી ગયું હતું. અવનીના પાપા એક વખત એના મામાને મળવા આવ્યા હતા. મામા સાથે વાતો કરી જતી વખતે અવનીના પાપા એમને ખાસ મળ્યા પણ ખરા!! એ ગયા પછી એના મામાએ માંડીને વાત કરી!!
“જો ભાણા હવે તું છ વરસમાં ડોકટર થઇ જઈશ. ડોકટરનું ભણવા માટે તારે અમદાવાદ જવાનું છે ને..ભલેને ભણવાનું મફત પણ બીજા ખર્ચ તો લાગે કે નહિ.. અત્યારે જે આવ્યા હતા એ નાયબ મામલતદાર છે..અઢળક પૈસો છે.. વરસોથી આ તાલુકામાં છે. મામલતદારનું પ્રમોશન પણ જતું કર્યું છે. ઘણા સમયથી એ મારા ઓળખીતા છે અને ઘણા સમયથી એની છોકરી તારી ઓળખીતી છે. એ છોકરીની ઈચ્છા છે તારી સાથે લગ્ન કરવાની!! બોલ આવી તક વારંવાર નહિ આવે!! છોકરીને તું ગમે છો અને છોકરી તને ગમે છે!! વળી છે ય રૂપાળી અને તારી જાણીતી પણ ખરી!! તારા બાપાએ તો રાજી થઈને હા પાડી છે બોલ્ય તારો શું વિચાર છે??? લગ્ન તો તું ડોકટર થઇ જા પછી થી જ કરશે પણ ત્યાં સુધી તારે ભણવામાં જે પૈસા જોઈએ એ બધા એ પુરા પાડશે અને જતા જતા મને કહી પણ ગયા છે કે એ કોઈને વાત પણ નહીં કરે કે શિશિરને મેં ભણવાના પૈસા આપ્યા છે!!” શિશિરને ના પાડવાનો સવાલ જ નહોતો!! અવનિ સાથે શિશિરનું ગોઠવાઈ ગયું!! ભણતર ચાલતું રહ્યું. અવની અમદાવાદ શિશિરને મળવા આવતી. ત્રણ ચાર દિવસ રોકાય પણ ખરી.. અવનિ શિશિર સાથે અમદાવાદ ઘુમતી.!! શિશિર ડોકટર થયો અને પરણી ગયો. સસરાએ ભવ્ય મકાન પણ લઇ આપ્યું હતું. પણ સગામાં અવનીએ કે એના પિતાજીએ કોઈને કાનોકાન ખબર પણ ન પડવા દીધી કે મકાન એણે લઇ આપ્યું છે!! બસ પછી તો શિશિર પાઠકની પોતાની આવક ચાલુ થઇ ગઈ હતી. એનું નામ પણ થઇ ચુક્યું હતું એક જ વરસમાં અને પછી બીજા જ વરસે આ હોસ્પિટલવાળા એ ડબલ પગાર આપીને શિશિર પાઠકને પોતાની હોસ્પીટલમાં સેવા માટે બોલાવી લીધા હતા.

અવનિ સાથે એનો સંસાર સુખેથી ચાલતો હતો!! એક બાળકનો એ પિતા પણ બની ચુક્યો હતો. શિશિરના માતા પિતાજી ગામડે જ રહેતા હતા. શિશિરે આગ્રહ તો કર્યો હતો પણ એને ગામડામાં ગોરપદુ છોડવાનો જીવ નહોતો. ગામડામાં પણ ભવ્ય મકાન હવે તો શિશિરે બાંધી દીધું હતું!! માતા પિતાજીને રાંધવું ન પડે એ માટે ગામડામાં જ એક કામવાળા બેનને રાખી લીધા હતા. મહિના પંદર દિવસે શિશિર ગામડે આંટો મારી આવતો!! બસ ક્યારેક ક્યારેક એને રીંકલ યાદ આવી જતી. પોતે કરેલ ચોકલેટ અને પૈસાની ચોરી બદલ એ મનોમન ક્ષોભ પણ અનુભવતો!! પણ વળી પાછી બચાવ પ્રયુક્તિ આવી જાય!! પોતાની જાતને જ એ કહેતો કે એ વખતે થોડી સમજણ હતી??? એ વખતે તો બાળ બુદ્ધિ ગણાયને??? બાળપણમાં અજ્ઞાનતાથી કરેલા પાપો ભગવાન ધોઈ નાંખે છે એવું વિચારીને એ મન મનાવતો!!
“હવે સુવું છે કે પાછું હોસ્પીટલે આંટો મારવા જવું છે??” હિંચકો ખાતા ખાતા બંધ થયેલી એની આંખ અવનીના અવાજે જાગી!! ભવ્ય ભૂતકાળમાંથી એ પાછો આવ્યો!! ઉભો થયો અવનીને પોતાની બાંહોમાં લપેટીને એ પોતાના બેડરૂમમાં સુઈ ગયો!! પતિ પત્ની વચ્ચે દિવસના થયેલા હળવા ઝગડા ક્યારેય રાત્ર સુધી લંબાતા જ નહિ!! અને પરિણામે જ એનું દાંપત્યજીવન અત્યંત સુખી હતું.

સવારે આઠ વાગ્યે ડોકટર શિશિર દવાખાને પહોંચ્યો. બીજા દર્દીઓને તપાસીને એ નવેક વાગ્યે આઈસીયુમાં દાખલ થયો. રીંકલ સંપૂર્ણપણે ભાનમાં રાતે ત્રણેક વાગ્યે આવી ગઈ હતી એમ નર્સ કહેતી હતી. તુષારને ફોન કરીને શિશિરે રાતની તમામ બાબતો જાણી લીધી. આઈસીયુની બહાર રીંકલના સગા સંબંધીઓ બેઠા હતા.પણ અત્યારે કોઈના ચહેરા પર ચિતાઓ નહોતી. રીંકલ સાથે બધાએ વાતચીત કરી લીધી હતી. સહુને સંતોષ હતો અને ખાસ કરીને રીંકલના પતિદેવ દવેને!! પીએસઆઈ દવે એ તો શિશિર અત્યારે આઈસીયુમાં આવ્યો ત્યારે જ બે હાથ વડે અભિવાદન કર્યું હતું!! જવાબમાં શિશિરે એમની પીઠ ફરીથી થપથપાવી હતી!!

શિશિર રીંકલની પાસે ગયો. રીંકલ એમને પહેલી નજરમાં જ ઓળખી ગઈ એમ લાગ્યું કારણકે એમની આંખની ચમકમાં એક ઓળખનો વિશ્વાસ ચમકતો હતો. શિશિરે પૂછ્યું.

“કેમ છે હવે?? કોઈ તકલીફ?? માથું ભારે ભારે લાગે છે કે નોર્મલ””???
“ગરદન નીચે થોડો દુઃખાવો છે બાકી સારું છે અને આમેય તું હોય ત્યાં મને તો સારું થઇ જ જાયને!! રાત્રે જ મારા પતિએ મને વાત કરી. તારું નામ લીધું કે ડોકટર શિશિર પાઠક છે. ખુબ સારા ડોકટર છે. નામ સાંભળીને જ મને વિશ્વાસ હતો કે એ તું જ હોઈશ..પણ મારે પૂછવું કોને?? અત્યારે સવારમાં જ મેં નર્સને પૂછ્યું કે ડોકટરની પત્નીનું નામ ખબર છે અને એણે કીધું અવનિ અને મને સો ટકા ખાતરી થઇ કે આ એ જ શિશિર છે!! કેમ ચાલે છે તારી લાઈફ???” રીંકલે પૂછ્યું. બસ વરસો પહેલાની એજ અદા એ જ ખંજન એ જ હાસ્ય!!
“એ બધી પછી વાતો કરીશું.. તું બહુજ બોલે છો!! બે દિવસ તારે કશું જ બોલવાનું નથી..અને જો વધારે બોલીશ તો અઠવાડિયા સુધી રાખીશ સમજી??” કહીને ડોકટર શિશિર હસ્યા અને સાથે સાથે રીંકલ પણ હસી.!!

સાંજ સુધીમાં રીંકલ સાવ સાજી થઇ ગઈ હોય તેમ લાગ્યું.બસ હવે ગળા ફરતે જ થોડો દુઃખાવો હતો. હવે એને આઈસીયુની કોઈ જ જરૂર નહોતી. એને ડોકટર પાઠકની કેબીનની સામી બાજુએ આવેલ સ્પેશ્યલ રૂમમાં શિફ્ટ કરવામાં આવી. ચાર વાગ્યે ડોકટર પાઠક ઘરે ગયા. અવનીએ પૂછ્યું તરત જ
“રીંકલ ભાનમાં આવી ગઈ?? કેમ છે એની તબિયત?? શું વાતો થઇ???”
“હા ભાનમાં તો આવી જ ગઈ છે. આજ વહેલી સવારે જ..હા એ ઓળખી ગઈ મને.. એક ડોકટરને દર્દી સાથે શું વાતો કરવાની હોય!! બીજી કશી વાત કરવાનો મોકો જ નથી મળ્યો. અને બીજી વાત એ કે મેં કે રીંકલે એમના કુટુંબીજનો સાથે ચોખવટ પણ નથી કરી કે અમે હાઈ સ્કુલમાં સાથે ભણતા હતા. એ પીએસઆઇની પત્ની છે.. એ સામેથી ઓળખાણ આપશે એના પતિદેવને તો વેલકમ છે. બાકી હું સામેથી હરખપદુડો નહિ થાવ કે અમે સાથે ભણતા હતા..!! અત્યારનો જમાનો ઓળખાણ કઢાય એવો નથી કેમ છે હની બરાબરને??” ડોકટર પાઠકે કહ્યું.

બસ બીજે દિવસે ડોકટરને એક અરજન્ટ કેઈસ આવ્યો હતો એટલે સવારમાં આઠ વાગ્યાને બદલે છ વાગ્યે વહેલું હોસ્પીટલે જવું પડ્યું. કલાકમાં નવા પેશન્ટની ટ્રીટમેન્ટ પતાવીને એ પોતાની કેબિનમાંથી બહાર નીકળતા હતા ત્યાંજ રીંકલ એના રૂમમાંથી આવી ચડી કેબીનમાં અને બારણા પાસે ઉભી રહી ગઈ!! વહેલા સવારમાં રીંકલ નાહીને તરોતાજા થઇ ગઈ હતી. એણે રજા પણ ના લીધી અને અંદર આવીને બેસી ગઈ!! અને બોલવાનું શરુ કરી દીધું..

“ મારા પતિ ઘરે ગયા છે.. મારી માટે નાસ્તો લેવા.. ઘણું દૂર થાય મારું ઘર.. ઘર નહિ પણ એક્ચ્યુલી પોલીસલાઈનમાં અમે રહીએ છીએ.. મારી સાસુ સરસ મજાની ભાખરી બનાવી દેશે.. હજુ અમે એક મહિના પહેલા જ અહી ટ્રાન્સફર થયા પણ આ અમદાવાદથી હું એકજ મહિનામાં કંટાળી ગઈ છું.. એવું નથી કે સીટી મને ના ગમે!! આની પહેલા અમે સુરતમાં હતા..અડાજણ.. પણ ત્યાં ખુબ જ મજા આવતી..એય સરસ મજાનો પોંક મળે ખાવા માટે… ખમણ પાત્રા..ઇદડા…પાટોડી..કેટકેટલું ખાવાનું નહિ મને તો બહુ મજા આવે..દિવાળી પર તો અમારે ઘરે મીઠાઈના બોક્સ ઉપર બોકસ આવે !! અને આ વખતે તો મુંબઈનો હલવો પણ આવ્યો હતો..શું એની સુગંધ!!” રીંકલ બોલતી હતી એજ હાવ ભાવ અને એજ છટા!! આજે પણ એના શરીરમાંથી એજ ખુશ્બુ આવતી હતી જે વરસો પહેલા શાળામાં ભણતી વખતે આવતી હતી.
“તારો આ ખાવાનો સ્વભાવ હજુ સુધર્યો નથી લાગતો. ભણતી વખતે તારી સાથે બહુ વાતો નથી થઇ એટલે આજે જે કહેવાનું હતું એ કહી દઉં!! એ વખતે મને થતું કે રીંકલને કહી દઉં કે તું દુષ્કાળમાં તો નથી જન્મીને પણ એ વખતે કશું જ બોલાતું નહિ. અવનિ અને તું એટલું બધું બોલતી કે મારાથી કશું બોલાયું જ નહિ” શિશિર પાઠક બોલ્યા.

“ હા એ તો મને ખબર જ હોયને!! પણ તું મારા દફતરમાંથી રોજ ચોકલેટ ચોરતો એ પણ મને ખબર હતી. શરૂઆતમાં ચોકલેટ અને પછી પૈસા પણ તું લઇ લેતો!! બારીમાંથી બે ત્રણ વાર મેં આ જોયું પણ છે.. પણ મને એ ગમતું.. એટલે જ તો હું વધારે ચોકલેટ રાખતી અને.. મોંઘી મોંઘી ચોકલેટ રાખતી. પણ તું એક કે બે જ ચોકલેટ લેતો. પૈસા પણ તારી જરૂરિયાત મુજબના લેતો ને મને ગમતું હતું. બાકી અમને અમારા દફતરમાંથી એક પેન્સિલ પણ ઓછી થાયને તો પણ ખબર પડે!! એટલે એવું ન માનવું કે આ તારી ચોરીની આદતથી હું અજાણી છું” રીંકલે ધડાકો કર્યો. ઘડીભર તો શિશિર કશું જ ના બોલી શક્યો. છેલ્લે એ બોલ્યો.

“પણ તે કોઈ દિવસ સરને ફરિયાદ કેમ ના કરી??”

“શું કામ કરું?? કારણ કે હું તને સાચા દિલથી ચાહતી હતી.. મને ઘણું થતું હતું કે શિશિર મને સામેથી પ્રપોઝ કરે.. પણ કોઈ પણ છોકરી સામેથી દિલની લાગણી થોડી વ્યકત કરે??!! શરૂઆત તો છોકરાએ જ કરવાની હોય ને!! અવનીને ખબર હતી કે હું તારા પ્રેમમાં ગળાડૂબ છું.. હું તો ઘણીવાર એને કહેતી કે આજે શિશિરનો હાથ પકડીને કહી જ દઉં કે “આઈ લવ યુ શિશિર!!” પણ એ ના પાડતી અને મને કહેતી કે થોડી રાહ જો.. બાકી અમે બને તારી જ વાતો કરતા. તું મને બહુ ગમતો શિશિર પણ તે મને પ્રપોઝ ના કર્યું કદીય” રીંકલની આંખ સાફ હતી એની વાતમાં સચ્ચાઈનો રણકો હતો. શિશિર તો સાંભળીને અવાક જ થઇ ગયો.. આવી તો એને કલ્પના પણ ક્યાંથી હોય!! રીંકલે આગળ ચલાવ્યું.
“આમ તો આ વાત મનમાં જ રાખવાની હતી પણ આજ મળી છું એટલે કહી જ દઉં!! મારા પિતાજીની અચાનક બદલી થઇ અને વેકેશન પડી ચુક્યું હતું. તું તારા મામાને ઘેર નહોતો. તારા વતનમાં જતો રહ્યો હતો. હું સાયકલ લઈને તારા મામાના ગામમાં આવી ગઈ હતી. મારા પાપાની બદલી બહુ દૂર થઇ હતી. તારું કોઈ સરનામું મારી પાસે હતું નહિ. અવનીએ એક આઈડિયા આપ્યો અને હું ખુશ થઇ ગઈ. મેં તને એક પત્ર લખ્યો મારું નવું સરનામું લખ્યું. મેં મારી જીંદગીમાં લખેલો એ લવ લેટર હતો!! તને લખેલો એ લવ લેટર..એમાં અતર છાંટેલુ હતું.. અવનીએ મને વિશ્વાસ આપ્યો કે શિશિરને વેકેશન ખુલીશ ત્યારે તારો પત્ર આપીશ.. હું બહુ ખુશ હતી.. પણ પછી મને ખબર પડી કે એ પત્ર તારી પાસે કદી જ ન પહોંચ્યો.. અને એ પણ અવનીને કારણે.. મેં પછી અવનીને ઘણા પત્રો લખ્યા. અવનિ મારી આગળ ખોટું બોલી હતી કે શિશિરે એ પ્રેમ પત્ર વાંચ્યા વગર જ ફાડી નાંખ્યો છે.. જયારે પત્ર દ્વારા મને આ વાત અવનીએ કીધી ત્યારે શિશિર મને બે દિવસ તાવ આવી ગયો બે દિવસ હું રાતે એકલી એકલી રડી મને એમ થયું કે મારામાં એવી શી ખામી હતી કે શિશિર મને ઠુકરાવે..?? પણ હું શિશિરને ચાહતી રહીશ..!! હું એને ચાહીશ એ મારો નિર્ણય હતો.. શિશિરનો નિર્ણય મારી આડે આવતો ન હતો. પછી થોડા સમય પછી સાચી વાતનો ખ્યાલ આવ્યો. સંધ્યા મને એક પ્રસંગમાં મળી ગઈ લગભગ બે વરસ પછી એણે મને કીધું કે શિશિરને તો અવનિ ચાહે છે. અને એ લગ્ન કરવા માંગે છે. અને વરસ દિવસ પછી તારી સગાઇ એની સાથે થઇ એ વાત મને સંધ્યાએ કહી.. હું એ રાતે ખુબ જ હસી હતી!! એ વખતે રડી નહોતી!! તને યાદ છે મારા આ ખીલ અવનીને ખુબ જ ગમતો અને મને એ કહેતી જાનું યહ ખીલ મુજે દે દે યહ ખીલ નહિ મેરા દિલ હૈ રીન્કુ જાનું!! બસ મારા દિલમાં હતો એ શિશિર હું એને દાનમાં આપી રહી હતી.. ભલે ખુશ થાય અવનિ!! અને આમેય અવનિ મારી જ ચોકલેટ ખાતીને.. હું જ ખર્ચ ભોગવતી એનો.. તો ભલે મારો પ્રેમ એ ભોગવે!! બહેનપણી માટે તો હું આટલું કરી શકું ને?? બસ તમારા લગ્ન થયા ત્યારે અવનીના પિતાએ મારા પિતાજીને પણ કંકોતરી મોકલી હતી. મને ઘણું કીધું મારા પિતાજીએ પણ હું ન આવી?? જે મારા ભાગ્યમાં નથી એની સમીપ પણ શા માટે જવું?? અવનીને શા માટે શરમ આવે એવું કરવું” રીંકલની આંખમાં આંસુ હતા. શિશિરની આંખમાં પણ આંસુ હતા. થોડી વાર પછી રીંકલ બોલી.
“જીવનમાં મેં કદી કોઈનું દિલ નથી દુભવ્યું. ભગવાને મારી સામે જોયું. મને મારા તરફથી ભરપુર પ્રેમ મળ્યો. અમારા લગ્નને હજુ ચાર વરસ જ થયા છે.પણ મારા હબી અને મારા સાસુ સસરા મને અસલમાં પુત્રવધુ તરીકે સાચવે છે.મારા તો મને એમ કહે છે કે પુત્રવધુ એટલે પુત્ર કરતા પણ વધુ જેને લાડ લડાવવાના હોય એ પુત્રવધુ કહેવાય!! હું ભાગ્યશાળી છું કે જીવનમાં મને બે સ્નેહ પ્રાપ્ત થયા..!! એક તારી સાથે કરેલો માનસિક પ્રેમ!! અને અત્યારે મારા તરફથી મને મળતો અસલી પ્રેમ!! ખરી ભાગ્યશાળી છું હું!! બહુ જ ખુશ!! બહુ જ ખુશ છું!! બસ તને આ એટલા માટે કહ્યું કે મનમાં ઈચ્છા હતી કે એકવાર પહેલા પ્રેમ સાથે એકરાર કરી લેવો છે અને એ મોકો મળી ગયો મને આજે!! અવનિ વિષે મને કોઈ ગુસ્સો કે ખરાબ લાગણી ત્યારે પણ નહોતી અને આજે પણ નથી,.. બલકે એ વાતનો આનંદ છે કે હું એના કામમાં આવી ખરી!! ચલ હવે જીવનમાં ક્યારેય ન મળાય તો પણ ચાલશે અને તું એક ડોકટર છો એ કહેવાની તને જરૂર નથી કે અવનિ સાથે તું પણ કોઈ બદલાની ભાવના નહિ રાખે.તમારું દાંપત્યજીવન સરસ મજાનું ચાલે એવું હું ઈચ્છું છું!! ચલ હવે હું જાવ છું મારા પતિ હમણા જ આવી જશે” રીંકલ ઉભી થઇ અને બોલી અને સડસડાટ ચાલી ગઈ!!
શિશિર પાઠકને આખી વાત સમજમાં આવી ગઈ અને સાથોસાથ એ પણ સમજાઈ ગયું કે જ્યારે એણે અવનીને રીંકલ વિષે કહ્યું ત્યારે અવનીએ શા માટે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. શિશિર પાઠક ઘરે ગયો. નાહી ધોહીને તે લગભગ નવેક વાગ્યે પરત આવ્યો. રીંકલને હોસ્પીટલમાંથી રજા આપવાની હતી. ફોર્માલીટી પતાવીને પોતાના પતિ પીએસઆઈ દવે સાથે રીંકલ ડો.શિશિર પાઠકને મળવા આવી. બને ડોકટરની કેબીનમાં બેઠા. રીંકલના પતિએ ડોકટરનો આભાર માન્યો અને કહ્યું.

“આ મારો કાયમી નંબર છે ગમે ત્યારે આપ ફોન કરી શકો છો. અને આપને નવરાઈ હોય ત્યારે અમારા મહેમાન બનો..ફેમેલી સાથે આવો ડોકટર સાહેબ” બસ પછી તેઓ કેબિનમાંથી બહાર નીકળ્યા. શિશિર પાઠક થોડી વાર આંખો મીંચીને એમને એમ બેસી રહ્યો. કેબીનમાં હજુ રીંકલની ખુશ્બુ હવામાં ભળેલી હતી.અચાનક જ તેણે જોયું કે રિન્કલ પોતાનું પર્સ ભૂલી ગઈ હતી. શિશિરે એ રીંકલનું પર્સ ઉઠાવ્યું. વજનદાર લાગ્યું..ખોલીને જોયું તો એમાં ચોકલેટો હતી!! શિશિરે બધી જ ચોકલેટ લઇ લીધી અને પોતાના ટેબલના ડ્રોઅરમાં મૂકી દીધી અને તરત જ પર્સ હતું ત્યાંજ મૂકી દીધું. થોડી જ વારમાં રીંકલના પતિ દવે પર્સની શોધખોળ માટે આવ્યા અને ડોકટરની કેબિનમાંથી આવ્યો અને પર્સ લઈને જતા રહ્યા.
નીચે રીંકલ અને એના પતિદેવની કારમાં રાહ જોઈ રહી હતી.
“અરે ત્યાં ડોકટરની કેબીનમાં જ આ તારું પર્સ પડ્યું હતું”. કહીને એણે પર્સ રીંકલને આપ્યું અને ડ્રાઈવરની સીટ પર બેસીને કાર ચલાવી.. આ બાજુ ગેલેરીમાંથી શિશિર પાઠક આ બધું જોઈ રહ્યો હતો. જેવી કાર ઉપડી કે તરત જ એ કેબીનમાં જઈને ડ્રોઅરમાંથી પેલી ચોકલેટસમાંથી એક ચોકલેટ કાઢીને એકી શ્વાસે આખીને આખી એ ચાવવા લાગ્યા અને બરાબર આ બાજુ એ વખતે રીંકલે પર્સ ખોલ્યું અને જોયું કે એમાંથી તમામ ચોકલેટ્સ ગાયબ હતી!! રીંકલના આંખના બને ખૂણા હર્ષથી ભીના થઇ રહ્યા હતા!! રીંકલ ખુબજ ખુશ હતી.
કોઈ એમ કહે કે હું મારા પ્રથમ પ્રેમને ભૂલી ગયો છું કે ભૂલી ગઈ છું તો એ વ્યક્તિ ખોટું જ બોલે છે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
કારણકે
“પ્રેમ ક્યારેય ભૂલાતો નથી અને જે ભૂલાય એ પ્રેમ હોતો નથી”

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.મુ. ઢસા ગામ તા. ગઢડા જી .બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks