સુરતમાં બેકાર રત્નકલાકાર 88 લાખની રેન્જ રોવર લઈને ટેસ્ટ ડ્રાઈવ પર નીકળ્યો, 2 કારને ઠોકી દીધી…અને રેન્જ રોવર તો…

રત્નકલાકારે શોરૂમમાં જઈને કહ્યું, “મારે 4 કરોડની કાર ખરીદવી છે !” બીજા દિવસે પાછો આવીને 88 લાખની કારની લીધી ટેસ્ટ ડ્રાઈવ, અકસમાત સર્જ્યો અને અધધધ લાખનું કર્યું નુકશાન

નવી ગાડી લેવી એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. આજના સમયમાં કાર એ મોભો અને જરૂરિયાત પણ બની ગઈ છે. ત્યારે આજે ઘણા લોકો પોતાના બજેટ અનુસાર કાર પણ ખરીદતા હોય છે. તો ઘણા લોકો એવા પણ હોય છે જે દેવું કરીને પણ કાર ખરીદે છે. તો ઘણા લોકોને મોંઘી મોંઘી કાર ચલાવવાનો પણ શોખ હોય છે અને આ શોખ પૂરો કરવા માટે તે મિત્રોની કાર કે શોરૂમની અંદર ટેસ્ટ ડ્રાઈવ તરીકે પણ કાર વાપરતા હોય છે.

પરંતુ સુરતમાંથી એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમારા હોંશ ઉડી જશે. સુરતમાં આવેલા વરાછામાં લક્ઝુરિયસ કાર ચલાવવાના અભરખા પુરા કરવા માટે એક બેકાર રત્નકલાકાર રેન્જ રોવરના શો રૂમમાં પહોંચ્યો હતો અને ત્યાંથી તેને 88 લાખની રેન્જ રોવર કાર ટેસ્ટ ડ્રાઈવ માટે લીધી હતી. ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન આ વ્યક્તિએ બે કારને નુકશાન પહોંચાડ્યુ હતું ઉપરાંત 2 લોકોને પણ અડફેટે લીધા હતા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ હીરાના કારખાનામાં નોકરી છોડી ચૂકેલા અને બેકાર બનેલા સાઈ દર્શન સંકુલમાં રહેતા 24 વર્ષના રોનક દિલીપ ચોવટીયા ડુમસ રોડ પર આવેલા જેગુઆર અને લેન્ડ રોવર કારના શોરૂમ નવજીવન લક્ઝુરિયસ કારમાં પહોંચ્યો હતો.16 માર્ચના દિવસે તેને આ શોરૂમમાં જઈને પોતાને 4 કરોડની કાર ખરીદવી છે તેમ જણાવ્યું હતું, જેના બાદ તે બીજા દિવસે એટલે કે 17 માર્ચના રોજ શોરૂમમાં પહોંચ્યો પણ હતો.

આ દરમિયાન તેને 4 કરોડના બદલે 88 લાખની રેન્જ રોવર ખરીદવાની વાત કરીને 2 લાખનો ચેક પણ આપ્યો હતો. જેના બાદ તેને કારનો ટેસ્ટ ડ્રાઈવ લેવાની વાત કરી. ત્યારે શોરૂમનો એક વ્યક્તિ તેની સાથે ડ્રાઈવર સીટની બાજુમાં બેઠો અને રોનક કારને ડ્રાઈવ કરવા લાગ્યો. ત્યારે શોરૂમની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર તે પુરપાટ ઝડપે કાર દોડાવવા લાગ્યો આ દરમિયાન જ શોરૂમના કર્મચારીઓની પાર્ક કરેલી બે કારને તેને નુકશાન પહોચાડ્યું.

આ ઉપરાંત તેને કારને રોડ પર ચઢાવી દીધી હતી. આ અકસ્માતમાં રેન્જ રોવર કારને 10 લાખનું નુકશાન થયું હતું તો શોરૂમના કર્મચારીઓની કારને પણ મોટું નુકશાન થયું હતું. ત્યારે આ મામલે શોરૂમના મેનેજર દ્વારા રોનક વિરુદ્ધ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ પોલીસે રોનકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રોનકના પિતા પાનનો ગલ્લો ચલાવે છે અને રોનક બેકાર છે.

Niraj Patel