યુવકે પોતાની 50 લાખની ગાડીને બોમ્બથી ઉડાવી દીધી, આશ્ચર્યજનક છે કારણ, ધમાકાનો વીડિયો થયો વાયરલ

ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદક ટેસ્લા તેની નવીનતા અને નવી ટેકનોલોજી માટે વિશ્વભરમાં જાણીતી છે. આ જ કારણ છે કે દુનિયાભરમાં ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું સપનું અનેક આંખો જુએ છે! પરંતુ તે ખરીદવું દરેકના હાથમાં નથી. કારણ કે કારની કિંમત અને તેના મેન્ટેનન્સનો ખર્ચ બધાને પોષાય તેમ નથી. પરંતુ આ દરમિયાન ટેસ્લા કારના એક નારાજ ગ્રાહકે એવું પગલું ભર્યું કે લોકો દંગ રહી ગયા.

પ્રાપ્ત માહિતી અનુસાર ફિનલેન્ડમાં એક વ્યક્તિ આ કાર કંપનીની સર્વિસથી એટલો નારાજ થયો કે તેણે તેની સેડાન ટેસ્લા મોડલ એસને 30 કિલો દારૂગોળો લગાવીને ઉડાવી દીધી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના ફિનલેન્ડના કિમેનલાકોસો વિસ્તારની છે. કારની કિંમત લગભગ 50 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

2013 માં ટેસ્લા મોડલ એસના માલિક થોમસ કેટેનેને તેની કિંમતી કાર સાથે જે કંઈ કર્યું હતું, તે મનોરંજન માટે નહીં પરંતુ EV (ઈલેક્ટ્રિક વાહન) કંપનીની સેવાથી નારાજ થઈને કર્યું હતું. હકીકતમાં થોમસને તેની ટેસ્લા સેડાન સાથે સારો અનુભવ કર્યા બાદ તેની કાર સાથે ઘણી સમસ્યાઓ થવા લાગી. તેથી જ્યારે તેની કાર ટેસ્લા સર્વિસ સેન્ટર પર પહોંચી, ત્યારે તે વિશ્વાસ કરી શક્યો ન હતો કે તેનો અનુભવ આટલો દુઃખદ હશે!

યુટ્યુબ ચેનલના Pommijatkatના ક્રૂએ ટેસ્લા કારમાં વિસ્ફોટનું શૂટિંગ કર્યું હતું, જેનું રવિવારે પ્રીમિયર થયું હતું. વીડિયોની શરૂઆત ફિનલેન્ડના બર્ફીલા ગ્રામ્ય વિસ્તારના દૃશ્યોથી થાય છે, જેમાં કેટલાક લોકો સુમસાન વિસ્તારમાં કાર પર ડાયનામાઈટ લગાવતા જોવા મળે છે. થોડી જ વારમાં એક વ્યક્તિ કે જેનું નામ થોમસ કેટેનેન કહેવામાં આવે છે, તેણે તેની 2013 ટેસ્લા મોડલ એસ (ટેસ્લા મોડલ એસ, 2013) કારમાં વિસ્ફોટ કર્યો અને તેને કબાડમાં ફેરવી દીધો.

વીડિયોમાં તેની પાછળનું કારણ જણાવતા તે વ્યક્તિ કહે છે “જ્યારે મેં ટેસ્લા કાર ખરીદી હતી, તે પહેલા 1,500 કિમી સુધી સારી રીતે ચાલી હતી, ત્યાં સુધી તે એક ઉત્તમ કાર હતી. પરંતુ થોડા સમય પછી તે બગડી ગઈ, તેથી મેં કારની રીપેર કરાવવા માટે સર્વિસ સ્ટેશન પર મોકલી. કાર લગભગ એક મહિના સુધી વર્કશોપમાં રહી અને અંતે મને ફોન આવ્યો કે તેઓ મારી કાર માટે કંઈ કરી શકતા નથી. એકમાત્ર વિકલ્પ એ છે કે આખા બેટરી સેલને બદલવો.”

તે વ્યક્તિએ આગળ કહ્યું કે “મને કહેવામાં આવ્યું હતું કે તેના માટે ઓછામાં ઓછા 20,000 યુરો (17 લાખ રૂપિયા) ખર્ચ થશે. આ સાંભળીને મેં કહ્યું કે હું રિપેર કર્યા વિના મારી કાર લેવા આવી રહ્યો છું અને હવે હું તેને ઉડાવી દઈશ.” ખરેખર, રિપેરિંગ ચાર્જ સાંભળીને તે પરેશાન થઈ ગયો હતો અને તેમાં ઘણો સમય લાગ્યો હતો. જેના બાદ તેને બગડેલી ટેસ્લા ગાડીમાં વિસ્ફોટ કરવાની યોજના બનાવી.

Niraj Patel