અમેરિકામાં અઢળક ટેસ્લાએ કર્યો “નાટુ નાટુ” પર જબરદસ્ત ડાન્સ, વીડિયોએ જીત્યા આખી દુનિયાના દિલ, જુઓ

“RRR” ફિલ્મના “નાટુ નાટુ” ગીતને ઓસ્કર મળવાની અમેરિકામાં અલગ અંદાજમાં કરવામાં આવી ઉજવણી, લોકોએ ટેસ્લા કાર સાથે કર્યો ગજબનો લાઇટિંગ શો… વાયરલ થયો વીડિયો

સાઉથની ફિલ્મ “RRR”એ આખી દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડી દીધો છે. તેના ગીત “નાટુ નાટુ”એ તો ભારતને ગૌરવ પણ અપાવ્યું છે અને ફિલ્મના આ ગીતે સર્વશ્રેષ્ઠ એવોર્ડ ઓસ્કર પણ પોતાના નામે કર્યો છે. આ ઉપરાંત બીજા પણ ઘણા એવોર્ડ આ ગીતને મળી ચુક્યા છે. ત્યારે આ ગીતનો ક્રેઝ પણ ચાહકોમાં જબરદસ્ત છવાયેલો છે.

આ ગીતે તાજેતરમાં “બેસ્ટ ઓરિજિનલ સોંગ” કેટેગરીમાં ઓસ્કાર જીત્યો હતો. આ ગીત ઓસ્કાર જીત્યા બાદ ખૂબ જ ચર્ચામાં છે. આ સિદ્ધિની વિદેશમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે. તાજેતરમાં, ન્યુ જર્સીથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ચાહકોએ ટેસ્લા કાર દ્વારા લાઇટ શો કરીને ગીતને વખાણ્યું હતું.

વીડિયો જોઈને એવું લાગે છે કે જાણે ટેસ્લા કાર નાટુ નાટુ ગીત પર ડાન્સ કરી રહી છે. આ વીડિયો જોયા પછી દરેક ભારતીયને ગર્વ થશે, નાટુ નાટુ ગીત એમએમ કીરવાણીએ કમ્પોઝ કર્યું છે, જ્યારે તેના શબ્દો ચંદ્રબોઝે લખ્યા છે. આ ગીત જુનિયર એનટીઆર અને રામ ચરણ પર ચિત્રિત કરવામાં આવ્યું છે.

RRRના ઓફિશિયલ હેન્ડલ દ્વારા ટ્વિટર પર એક મિનિટથી વધુનો વીડિયો કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે. તેમાં લખ્યું હતું કે “@Teslalightshows New Jersey ખાતે #Oscar Winning Song #NaatuNaatu ના બીટ્સ સાથે લાઇટ્સ સમન્વયિત કરવા બદલ આભાર… બધા પ્રેમ માટે આભાર.”

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પાર્કિંગમાં પાર્ક કરેલી ટેસ્લાની ડઝનેક કાર ગીતના બિટ્સ સાથે તેમની હેડલાઈટ ઝબકાવી રહી છે. વગાડવામાં આવતી બીટના આધારે લાલ અને સફેદ રંગની લાઇટો અહીં-ત્યાં ઝળકતી દેખાય છે. તે એકદમ આકર્ષક લાગે છે અને એક મહાન લાઇટ શો જેવો દેખાય છે. તમને જણાવી દઈએ કે ટેસ્લાની કાર ‘ટેસ્લા ટોયબોક્સ’ નામના ફીચર દ્વારા લાઈટ શો કરી શકે છે.

ટેસ્લા કાર લાઇટ શો મોડ સહિત અનેક મનોરંજક સુવિધાઓ પ્રદાન કરે છે. આ ફીચર કારની હેડલાઈટ, ટેલલાઈટ્સ, ટર્ન સિગ્નલ અને ઈન્ટીરીયર લાઈટોને ફ્લેશ કરવા અને ગીત સાથે રંગ બદલવા માટે પ્રોગ્રામ કરવાની પરવાનગી આપે છે. ટેસ્લા કારની સાઉન્ડ સિસ્ટમ પણ કારના સ્પીકર્સ દ્વારા ગીતો વગાડવા માટે પ્રોગ્રામ કરી શકાય છે. આ સુવિધા માત્ર ટેસ્લા મોડલ એસ, મોડલ એક્સ અને મોડલ 3માં ઉપલબ્ધ છે.

Niraj Patel