ભરુચ : ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત ! નોકરી પરથી પરત ફરતા ચાર યુવકોને ભરખી ગયો કાળ

હે રામ…નોકરી પરથી પરત ફરતા ચાર યુવકોને ટ્રકે કચડ્યા, એક જ ફળિયામાં રહેતા યુવાનોને કાળ ભરખી ગયો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોના મામલા સામે આવે છે, જેમાં ઘણા લોકોના મોત પણ નિપજે છે. ત્યારે હાલમાં ભરૂચના કેલોદ નજીકથી ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ખબર સામે આવી છે. આ અકસ્માતમાં ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. આ અકસ્માત આમોદના સુડી ગામના એક જ ફળિયામાં રહેતા યુવાનોને નડ્યો હતો.

ઘટનાની જાણ થતા જ પોલીસ પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. ચારેય યુવકો ભરૂચમાં નોકરી પરથી પરત ફરતા હતા અને આ દરમિયાન કેલોદ પાસે અકસ્માત નડ્યો અને ચારેય મોતને ભેટ્યા. મૃતકોમાં મુસ્તકીમ મહ્યુદ્દીન દીવાન, સાકીર યુસુફ પટેલ, ઓસામા રહેમાન પટેલ અને મહંમદ મકસુદ પટેલનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ભરૂચના રવિ રત્ન મોટર્સમાં અને શોરૂમમાં કામ કરતા ચાર યુવકો ઘરે જવા અલ્ટો લઈ નીકળ્યા હતા. આ દરમિયાન કેલોદ ગામની ભૂખી પાસે સામેથી આવતા હાઈવા ટ્રક અને અલ્ટો વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો અને અલ્ટોમાં સવાર ચારેય યુવકોના મોત નિપજ્યા. આ અકસ્માતમાં તો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

માહિતી અનુસાર મૃતકો તેમના માતા પિતાના એક જ સંતાન હોવાનું પણ સામે આવ્યુ છે. જેને પગલે ચારેય પરિવાર પર આભ ફાટી પડયુ છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળઆ ઉમટી પડ્યા હતા. ટ્રક ચાલકે જંબુસરથી ભરૂચ રોડ સિંગલ પટ્ટી રોડ હોવા છત્તાં પણ ટ્રકને રોંગ સાઇડ પર હંકાર્યો અને સામેથી આવતી અલ્ટોને ટક્કર મારી.

Shah Jina