અમદાવાદ મનપાની ઘોર બેદરકારીનો વીડિયો આવ્યો સામે, જુહાપુરામાં 15 વર્ષનું ટેણીયું ગાડી લઈને આવે છે, જુઓ

ઇન્ટરનેટ પર તમે નાના બાળકોના અને કિશોરોના ઘણા બધા વીડિયો જોયા હશે જેમાં તે નાની ઉંમરમાં જ ઘણા એવા કામ કરતા હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. પરંતુ હાલ અમદાવાદનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને તમારું દિમાગ પણ ચકરાવે ચઢી શકે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર કલેક્શન શરૂ કરવામાં આવું છે, જેમાં સોસાયટીમાં રોજ કચરાની ગાડી આવે છે અને કચરો લઇ જાય છે.

આ ગાડી ચલાવનારા પાસે મોટર વ્હિકલ એક્ટ હેઠળ લાયસન્સ પણ હોવું જરૂરી છે, ત્યારે અમદાવાદના જુહાપુરામાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે આવેલી ગાડીના ડ્રાઈવરની ઉંમર જોઈને મનપાની બેદરકારી છતી થતી હોય તેમ જોવા મળી રહ્યું છે. આ ગાડી કોઈ મોટી ઉંમરની વ્યક્તિ નહિ પરંતુ 15 વર્ષનો એક ટેણીયો ચાલવી રહ્યો છે. જેનો વીડિયો ઉતારીને કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો.

ત્યારે હવે આ વીડિયો વાયરલ થયા બાદ એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુન્હો પણ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આ વીડિયો બે દિવસ પહેલાનો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે આ સગીરને તેના મામાએ જ વાહન ચલાવવા માટે આપ્યું હતું. વીડિયોની અંદર એક 15 વર્ષનો કિશોર કચરા માટેની ગાડી છોટા હાથીને ચલાવતો જોવા મળી રહ્યો છે.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કોન્ટ્રાકટ પર છોટા હાથી ગાડીના ડ્રાઈવર તરીકે 26 વર્ષીય લલિત સંગારા નોકરી કરે છે અને તે વેસ્ટ ઝોનમાંથી કચરો એકત્ર કરીને વાસણા ડેમ પાસે કહેલી કરવાનું કામ કરે છે. જયારે લલિત કચરો એકત્ર કરવા માટે જુહાપુરામાં હતો ત્યારે તેમનો 15 વર્ષનો ભાણીઓ ટિફિન આપવા માટે આવ્યો હતો અને લલિત જમતો હતો ત્યારે તેને કચરાની ગાડી ચલાવી હોવાનું સામે આવ્યું હતું. સગીરને વાહન ચલાવવા આપવા બદલ લલિત સંગારા સામે ગુનો નોંધાયો છે.

Niraj Patel