શિયાળામાં ગેસ ગીઝર વાપરતા લોકો સાવધાન! બાથરૂમમાં ગીઝરના ગેસથી ગૂંગળાઈ જતા 14 વર્ષની કિશોરીનું મોત

દેશભરમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે ઘણા લોકો ઘરમાં પાણી ગરમ કરવા માટે ગીઝરનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આજે ગીઝર વાપરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં, બનાસકાંઠાના પાલનપુરમાં 14 વર્ષની કિશોરીનું બાથરૂમમાં મુકેલા ગીઝરના ગેસથી ગૂંગળાઈ જતા મોત નીપજ્યું છે.

બનાસકાંઠાના પાલનપુરમાં તિરુપતિ રાજનગર સોસાયટીમાંથી આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાથરૂમમાં ગીઝરનો ગેસ લીકેજ થવાની સાથે જ સ્નાન કરી રહેલી 14 વર્ષની દુર્વા વ્યાસ નામની કિશોરીનું ગૂંગળાઈ જવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યુ છે. બાથરૂમમાં નાહવા ગયેલી કિશોરી લાંબા સમય સુધી બહાર આવી ન હતી. બાથરૂમમાંથી કોઇ અવાજ પણ આવતો ન હતો. જેથી માતાએ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો. જોકે, દીકરીએ બાથરૂમનો દરવાજો ન ખોલ્યો એટલે તરત જ તેમણે બાથરૂમની બહારના ભાગે જઈને કાચની બારીમાંથી જોતો દીકરી નીચે પડેલી હાલતમાં દેખાઈ હતી. જે બાદ બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે દુર્વાને મૃત જાહેર કરી હતી. અચાનક થયેલા આ અકસ્માતમાં વ્હાલી દીકરીનું મોત નીપજતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

File Pic

બાથરૂમમાં ગેસ ગીઝરનો ઉપયોગ કરનારા સાવધાન!

મળતી માહિતી મુજબ, કિશોરી સ્નાન કરવા બેઠી હતી અને ઈલેકટ્રીક ગેસ ગીઝરમાંથી ગેસ લીકેજ થતા આ ઘટના બની હતી. આબુ હાઇવે નજીક આવેલી તિરૂપતિ રાજનગર સોસાયટીમાં સવારે આ ઘટના બની હતી. નોંધનીય છે કે, ગીઝરમાંથી કાર્બન મોનોક્સાઇડ નામનો ગેસ લીક થવાને કારણે શ્વાસ રૂંધાતા મૃત્યુ થયું હતું.

પૂરતી માત્રામાં ઓકસિજન ના મળતા આવું થાય

જો ગેસ ગીઝર બાથરૂમમાં રાખવામાં આવ્યું હોય અને પૂરતી માત્રામાં ઓક્સિજન ન મળે તો એલપીજી-બળતણ ગેસનું આંશિક દહન થાય છે. જેથી ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડ પેદા થાય છે. આ ઝેરી ગેસનો કોઈ રંગ અને કોઈ ગંધ નથી. એટલે એની હાજરીની ખબર નથી પડતી પરંતુ એ એક સાઇલન્ટ કિલર છે. ગેસના સંપર્કમાં આવતા મિનિટમાં વ્યક્તિને તેની અસર થવા લાગે છે અને તે બેભાન પણ થઇ શકે છે.

Twinkle