છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઇ રહ્યો છે, એ પછી ચોરી કે હત્યાનો મામલો હોય કે પછી મહિલાઓ, યુવતીઓ અને સગીરાઓ સાથે છેડછાડ અને દુષ્કર્મ કરવાનો મામલો હોય. છેલ્લા ઘણા સમયથી સગીરાઓ સાથે દુષ્કર્મ થવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક ઘટના સોનગઢમાંથી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાપી જિલ્લાના સોનગઢમાંથી એક માનવતાને શર્મસાર કરી દેનારી ઘટના સામે આવી છે, જેમાં એક ચર્ચના પાદરીએ ગામની માસુમ 16 વર્ષની સગીરા સાથે ત્રણ ત્રણ વાર દુષ્કર્મ આચર્યું હતું, જે અંગે સગીરાએ તેના પરિવારજનોને જાણ કરતા તેમને પોલીસ ફરિયાદ નોંધવી હતી.
આ મામલામાં હેરાન કરનારી વાત તો એ હતી કે સગીરા સાથે દુષ્કર્મ કરવાના મામલામાં પાદરીની પત્ની પણ તેનો સાથ આપતી હતી, તે પણ જયારે પાદરી સગીરા સાથે દુષ્કર્મ આચરી રહ્યો હોય ત્યારે તેનો વીડિયો બનાવતી હતી. જેના કારણે પોલીસે પાદરી અને તેની પત્ની બંનેની અટકાયત કરી છે.
આ બનાવની વધુ વિગતો તપાસીએ તો સોનગઢ તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષની સગીરાને ચર્ચના પાદરી બલિરામ કોંકણી કેવાયસીના બહાને બોલાવીને એક મકાનમાં લઇ ગયો હતો, જ્યાં પાદરીએ પીણું પીવડાવી અને તેની સાથે બળજબરી કરી હતી અને ત્રણ વાર દુષ્કર્મ આચર્યું હતું. જનો વીડિયો ખુદ પાદરીની પત્નીએ જ બનાવ્યો હતો.
આ બાબતે જયારે સગીરાએ પોતાના ઘરે વાત કરી ત્યારે પાદરીનો ભાંડો ફૂટ્યો હતો અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પાદરી અને તેની પત્ની બંનેની અટકાયત કરવામાં આવી, પોલીસે આરોપીનું મેડિકલ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં પાદરી ઉપર લોકોનો રોષ ભભૂકી રહ્યો છે.