ખેલ જગત

ટીમ ઈન્ડિયાને મળી ગયો ધોની જેવો ફિનિશર, ન્યૂઝીલેન્ડમાં હાથમાંથી ખેચી લાવ્યો મેચ

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ બુધવારે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં 5 વિકેટે જીત મેળવી હતી. આ સાથે ભારતીય ટીમ હવે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. પરંતુ આ બંને ખેલાડીઓ ભારત મેચ જીતે તે પહેલા આઉટ થઈને પરત ફર્યા હતા અને અંતે યુવા વિકેટકીપર રિષભ પંતે ચોગ્ગો ફટકારીને ટીમ ઈન્ડિયાને ફસાયેલી મેચમાં જીત અપાવી હતી.

આ ખેલાડીમાં ધોની જેવી ઝલક : રોહિત અને સૂર્યકુમારના પેવેલિયન પરત ફર્યા બાદ ટીમ ઈન્ડિયા થોડી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. વાસ્તવમાં આ બે બેટ્સમેનોના આઉટ થયા બાદ શ્રેયસ અય્યર અને વેંકટેશ અય્યર પણ જલ્દી પેવેલિયન પરત ફર્યા હતા. જોકે, પંતે એક છેડો પકડી રાખ્યો હતો અને છેલ્લી ઓવરમાં ચોગ્ગો ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. પંત પહેલા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ આવું જ કરતો હતો. ધોની મોટામાં મોટી ફસાયેલી મેચમાં છેલ્લા સ્થાને આવીને ભારતીય ટીમને જીત અપાવી હતી. હાલમાં ટીમ ઈન્ડિયામાં પંત એકમાત્ર એવો ખેલાડી છે કે જેમાં ધોનીની ઝલક જોવા મળે છે.

પહેલા પણ કરી ચૂક્યો છે આવી કમાલ : આ પહેલીવાર નથી જ્યારે પંતે ટીમ ઈન્ડિયા માટે મેચ ફીનીસ કરી હોય. આ પહેલા પણ તે ઘણી વખત આવું કરી ચૂક્યો છે. ખાસ કરીને જ્યારે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના ઘરે સતત બીજી ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું ત્યારે તેમાં પંતનો મોટો હાથ હતો. છેલ્લી ટેસ્ટમાં પંતે અણનમ 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

જ્યારે બોલરો એક છેડે બેટિંગ કરવા આવ્યા હતા, ત્યારે પંતે બીજો છેડો સાચવી રાખ્યો હતો અને તેણે આવી દબાણથી ભરેલી મેચમાં ભારતને જીત અપાવી હતી. આ સિવાય ઈંગ્લેન્ડ સામેની હોમ સિરીઝમાં તેણે ક્રમમાં નીચે આવીને પોતાના કાંડાની કમાલ બતાવી હતી. કરિયરની શરૂઆતમાં ધોની પંતની જેમ મેચ પૂરી કરતો હતો અને પંત જે રીતે કોઈ પણ ડર વિના બોલને હવામાં ઉડાડે છે તે જોઈને તમામ ક્રિકેટ ચાહકો ધોનીની યાદ આવે છે.

કેપ્ટન્સીમાં ધોની જેવો કરી શકે છે કમાલ : ઋષભ પંતમાં પણ ધોની જેટલી જ તાકાત છે. તમને જણાવી દઈએ કે 2007માં જ્યારે ધોનીને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ આપવામાં આવી હતી ત્યારે તેનો ઉપયોગ પણ વધુ સારો સાબિત થયો હતો. ધોનીની કપ્તાનીમાં ભારતે બે વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. એ તો બધા જાણે છે કે મેદાન પરના કોઈપણ ખેલાડી કરતાં વિકેટકીપર રમતને વધુ સમજે છે, તેથી આવનારા સમયમાં પંતનો ધોનીની જેમ ઉપયોગ થઈ શકે છે.

આઈપીએલમાં પણ દમ દેખાડ્યો હતો : IPL 2021માં પણ પંતે દિલ્હી કેપિટલ્સનું શ્રેષ્ઠ નેતૃત્વ કર્યું હતું. દિલ્હી લીગ ટેબલમાં ટોચ પર રહી હતી. આ વર્ષે IPL જીતવા માટે દિલ્હીને સૌથી મોટી દાવેદાર માનવામાં આવી રહી હતી. જોકે, આ ટીમ છેલ્લા તબક્કામાં હારી ગઈ હતી. ઘણી વખત એવું જોવા મળે છે કે વિકેટની પાછળથી પંત બૂમો પાડીને બોલરોને યોગ્ય દિશામાં બોલિંગ કરવાનું કહે છે. પૂર્વ કેપ્ટન ધોની પણ ઘણી વખત આવું કરતો જોવા મળ્યો હતો.