લંડનમાં ટીમ ઇન્ડિયાની બલ્લે બલ્લે, સિરીઝ જીતતા જ મનાવ્યો શાનદાર જશ્ન, જુઓ જીતની ઉજવણીની ધમાકેદાર તસવીરો અને વીડિયો

ભારતે વનડે શ્રેણીમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું. છેલ્લી વનડેમાં ટીમ ઈન્ડિયાએ પાંચ વિકેટે જીત મેળવી હતી. ભારત તરફથી રિષભ પંતે શાનદાર સદી ફટકારી હતી. આ સાથે જ હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શને ચાહકોના દિલ જીતી લીધા હતા. આ જીત સાથે ભારતે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા. ભારતે આ જીત સાથે જ ઇંગ્લેન્ડની જમીન ઉપર ભારતનો તિરંગો લહેરાવી દીધો.

સિરીઝ જીત્યા બાદ ખેલાડીઓએ ખૂબ જ મસ્તી કરી હતી અને કેપ્ટન રોહિત શર્મા શેમ્પેનની બોટલથી નવડાવતા જોવા મળ્યો હતો. મેચના હીરો રિષભ પંતે રોહિત શર્મા પર ઉત્સાહથી શેમ્પેઈન ઉડાવી હતી. ટીમ ઈન્ડિયાના આ સેલિબ્રેશનમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ પાછળ નથી રહ્યો. તેણે મોટી બોટલ ઉપાડીને ખૂબ જ મજા કરી અને ખેલાડીઓને નવડાવતા પણ જોવા મળ્યા. આ મજા ઓપનર શિખર ધવન અને સૂર્યકુમાર યાદવે શરૂ કરી હતી.

માન્ચેસ્ટરમાં રમાયેલી છેલ્લી અને નિર્ણાયક મેચમાં યજમાન ટીમે પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા સામે 260 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, આ સ્કોર ભારતે ઋષભ પંતની સદીના આધારે 5 વિકેટે હાંસલ કર્યો હતો. 8 વર્ષ બાદ ભારત આ જ ધરતી પર ઈંગ્લેન્ડને વનડે શ્રેણીમાં હરાવવામાં સફળ રહ્યું છે, આ પહેલા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતે ઈંગ્લેન્ડની ધરતી પર તિરંગો લહેરાવ્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કપ્તાનીમાં શ્રેણી જીત્યા બાદ ટીમના સૌથી યુવા ખેલાડીને ટ્રોફી ઉપાડવાનો લહાવો આપ્યો હતો. આ હવે ટીમ ઈન્ડિયાની પરંપરા બની ગઈ છે. વિરાટ કોહલી બાદ હવે રોહિત શર્મા અને અન્ય કેપ્ટન પણ આ માર્ગ પર ચાલી રહ્યા છે. અર્શદીપ સિંહને ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી જીત્યા બાદ ટ્રોફી ઉપાડવાનો લહાવો મળ્યો હતો. અર્શદીપની ODI ટીમ માટે પસંદગી કરવામાં આવી હતી, પરંતુ ઈજાના કારણે આ ખેલાડી પસંદગી માટે ઉપલબ્ધ થઈ શક્યો ન હતો.

ઈંગ્લેન્ડ સામેની આ મેચ પહેલા ભારતે માન્ચેસ્ટરમાં યજમાન ટીમ સામે ચાર મેચ રમી હતી જેમાં ટીમને ત્રણ વખત હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાને એકમાત્ર જીત 1983માં વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે અપાવી હતી. આ પછી આ મેદાન પર કોઈ પણ કેપ્ટન ભારતને જીત અપાવી શક્યો નથી, પરંતુ હવે રોહિત શર્માએ 39 વર્ષના દુષ્કાળને ખતમ કરીને આ કારનામું કર્યું છે.

ટીમ ઈન્ડિયાએ આ મેચ 5 વિકેટથી જીતીને 2014 પછી પહેલીવાર ઈંગ્લેન્ડમાં વનડે શ્રેણી જીતી છે. ભારતે 2014માં એમએસ ધોનીની કપ્તાનીમાં વનડે શ્રેણી 3-1થી જીતી હતી. ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક જીતના હીરો રિષભ પંત અને હાર્દિક પંડ્યા હતા. આ મેચમાં પંતે અણનમ 125 રન બનાવ્યા, હાર્દિક પંડ્યાએ 71 રન બનાવ્યા અને 4 વિકેટ પણ લીધી. આ બે ખેલાડીઓ સિવાય યુઝવેન્દ્ર ચહલે પણ 3 અને સીરીઝની પ્રથમ મેચ રમી રહેલા મોહમ્મદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી.

Niraj Patel