Fact Check

ચા પીવાથી કોરોનાને અટકાવી શકાય છે? પોઝિટિવ માણસ પણ જલદી સ્વસ્થ થઈ જાય છે? જાણો હકીકત

કોરોના વાયરસની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. દરરોજ 4 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત દરરોજ 4 હજારથી વધુ લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ વાયરસથી બચવાનો ઉપાય માત્ર વેક્સીન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર આ જીવલેણ વાયરસથી બચવા માટે લોકો અનેક પ્રકારના નુસ્ખા અજમાવી રહ્યા છે. હાલના દિવસોમાં એક સમાચાર વહેતા થયા છે કે વધુ માત્રામાં ચા પીવાથી કોરોનાથી બચી શકાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ચા પીવાથી કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાય છે અને તેનાથી સંક્રમિત વ્યક્તિ પણ જલદી સ્વસ્થ થઈ જાય છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે સ્પષ્ટતા કરતાં લખ્યું, આ દાવો બોગસ છે. ચા પીવાથી કોરોના વાયરસનું સંક્રમણ ઘટાડી શકાય છે તેવું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી.

સરકારે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ સમાચારને ફેક ગણાવ્યા છે. PIBFactCheck મુજબ આ દાવો ખોટો છે. તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે ચાના સેવનથી કોરોનાના સંક્રમણનો ખતરો ઓછો થઈ જાય છે. જેથી આ અહેવાલોને ખોટા ગણાવવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.