તથ્યના ઘરનું નામ ‘હરે શાંતિ બંગલો’, પણ 9 લોકોને કચડીને તેમના પરિવારની શાંતિ હરી, તથ્યના બાપની પણ કાળી કરતૂતો…રેપ કેસ સહિત અનેક ગુના નોંધાયેલા છે
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાતે થાર અને ડમ્પર વચ્ચે એક અકસ્માત સર્જાયો, જે બાદ લોકોના ટોળા ત્યાં એકઠા થઇ ગયા અને લગભગ વીસેક મિનિટ પછી જ ત્યાંથી પસાર થઇ રહેલી તેજ રફતાર જગુઆર કારે બીજો એક અકસ્માત સર્જાયો અને પહેલો અકસ્માત જોઇ રહેલા લોકો પર કાર ચઢાવી દીધી. ત્યારે ઓવર સ્પીડિંગ જગુઆરે વિનાશ વેર્યા બાદ રાજ્ય સરકારે મોટી કાર્યવાહીની જાહેરાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા અને તેઓ અમદાવાદ આવી પહોંચ્યા.
યુવતિને નશો કરાવી સામૂહિક દુષ્કર્મના કેસમાં મુખ્ય આરોપી છે પ્રજ્ઞેશ પટેલ
આ ઉપરાંત તેમણે આ મામલે કડક વલણ દાખવ્યુ છે અને એક સપ્તાહમાં ચાર્જશીટ દાખલ કરવાની જાહેરાત કરી છે. અકસ્માતની જાણ થતા જ અકસ્માત સર્જનાર કારચાલક તથ્ય પટેલના પિતા કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે પ્રજ્ઞેશ પટેલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દીકરાને ત્યાં મારી રહેલા લોકોથી છોડાવી સીમ્સ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. પ્રજ્ઞેશ પટેલના ગુનાહિત ઇતિહાસ પર નજર નાખીએ તો, તેણે વર્ષ 2020માં સૌરાષ્ટ્રની એક યુવતી પર ડ્રગ્સો નશો કરી સામુહિક દુષ્કર્મ આચર્યું હતું અને પૈસા પણ પડાવ્યા હતા.
ગેંગરેપ કેસ સહિત અનેક ગુના નોંધાયેલા છે
મીડિયા અહેવાલો અનુસાર 2020માં સૌરાષ્ટ્રની યુવતીને કોર્પોરેટ હાઉસમાં નોકરીની લાલચ આપીને આરોપીઓએ તેની પર ગેંગરેપ કર્યો હતો. તે સમયે કુલ 5 આરોપીઓ સામે યુવતિએ હિંમત કરી ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મુખ્ય આરોપી તરીકે પ્રજ્ઞેશ પટેલનું પણ નામ સામેલ હતું. તેની સામે સોલામાં- 2, શાહપુરમાં- 1, રાણીપમાં- 1, ક્રાઈમ બ્રાન્ચમાં- 1, મહિલા ક્રાઈમમાં- 1, ડાંગ અને મહેસાણામાં 1 મળી કુલ 8થી વધારે ગુના નોંધાયેલા છે. ગોતામાં પ્રજ્ઞેશ પટેલનો આલિશાન ‘હરે શાંતિ’ નામનો બંગલો છે, પણ તથ્ય પટેલે 9 લોકોને કચડી તેમના પરિવારની શાંતિ અને ખુશીઓ છીનવી લીધી.
ગણતરીના કલાકોમાં જ પરિવાર બંગલામાંથી ગાયબ થઈ ગયો
જો કે, કેટલાક મીડિયા રીપોર્ટ્સમાં એવું કહેવાઇ રહ્યુ છે કે અકસ્માત થયાની ગણતરીના કલાકોમાં જ પરિવાર બંગલામાંથી ગાયબ થઈ ગયો હતો, તથ્યને મેજર ઇજા પહોંચી નથી અને સામાન્ય ઇજાને કારણે તેની સારવાર ચાલી રહી છે. તથ્યના સ્વસ્થ થયા બાદ પોલીસ તેની ધરપકડ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, તથ્ય 19 વર્ષનો અને સાબરમતી યુનિવર્સિટીમાં બીબીએમાં અભ્યાસ કરી રહ્યો હોવાનું સામે આવ્યુ છે. આરોપી હાલ સિમ્સ હોસ્પિટલમાં દાખલ છે અને અકસ્માત બાદથી તેના માતા-પિતા ઘરના ચોકીદારને હોસ્પિટલ જઈએ છીએ તેમ કહીને નીકળી ગયા હોવાનું પણ દિવ્ય ભાસ્કરના રીપોર્ટમાં કહેવાયુ છે.