અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર 10 લોકોની જિંદગી ઉજાડનાર તથ્ય પટેલે ગાંધીનગરમાં પણ સર્જ્યો હતો અકસ્માત, મંદિરમાં ઘુસાડી દીધી હતી કાર

તથ્ય પટેલનું ત્રીજું કારસ્તાન: જેગુઆર ગાંધીનગરના એક મંદિરમાં ઘુસાડી દીધી હતી, થર્ટીફર્સ્ટની પાર્ટીમાં ગયો હતો, જુઓ દ્રશ્યો

19 તારીખે જ્યારે અમદાવાદ ગાઝ નિંદ્રામાં હતુ ત્યારે મધરાતે એક ખબર આવી કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં પહેલા 9 લોકોના મોતની ખબર હતી અને પછી આંકડો 10 થયો હતો. ત્યારે 10 લોકોની જિંદગી ઉજાડનાર તથ્ય પટેલ કે જે ગોતા વિસ્તારમાં કુખ્યાત ઇમેજ ધરાવતા પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે તે હાલ જેલમાં છે. પહેલા પોલિસે તેને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને પછી રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. તથ્ય પટેલની કરતૂતો ધીરે ધીરે બહાર આવી રહી છે,

તથ્યનું વધુ એક કારનામું આવ્યુ સામે
હાલમાં જ સામે આવ્યુ હતુ કે તેણે પંદરેક દિવસ પહેલા જ 3 જુલાઈએ 0093 નંબરની થાર સિંધુભવન રોડ પર એક કેફેમાં ઘૂસાડી તેની દીવાલ તોડી નાખી હતી. આ દરમિયાનના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં જોવા મળ્યુ હતુ કે તથ્ય અચાનક કારના સ્ટીયરિંગ પરનો કંટ્રોલ ગુમાવે છે અને કાર ડાબી તરફ વળી રેસ્ટોરન્ટની દીવાલ તોડી નાખે છે. જો કે, હવે તથ્યનું વધુ એક કારનામું સામે આવ્યુ છે. તેણે 6 મહિના પહેલાં જ ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકની હદમાં વાંસજડા ગામની ભાગોળે સાણંદ જતા મેઇન રોડ પર આવેલ બળિયાદેવના મંદિરમાં પણ જેગુઆર ઘુસાડી હતી અને આને પગલે મંદિરનો પિલર તૂટી ગયો હતો.

મંદિરમાં કાર ઘુસાડી દેતા 20 હજારનું થયું હતું નુકસાન 
આ મામલે સાંતેજ પોલીસ મથકમાં ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. ત્યારે હવે તથ્યએ સર્જેલ વધુ એક અકસ્માત સામે આવ્યા બાદ તેની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. પિતા પ્રજ્ઞેશ પટેલના પૈસાના જોરે વૈભવી જીવન જીવતા તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 10 લોકોની જિંદગી ઉજાડી અને તેમના પરિવારની ખુશીઓ પણ છીનવી લીધી. તથ્યએ જે બળિયાદેવના મંદિરમાં કાર ઘુસાડી અકસ્માત સર્જ્યો હતો, 20 હજારનું નુકશાન કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસને શંકા છે કે, તથ્ય થર્ટીફર્સ્ટની ઉજવણી કરવા નીકળ્યો હશે અને આ અક્સ્માત કર્યો હતો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

1 જાન્યુઆરીએ વહેલી સવારે સર્જ્યો હતો અકસ્માત
આ 1 જાન્યુઆરી 2023ના રોજ વહેલી સવારની આશરે 3 થી 5 વાગ્યાના અરસાની ઘટના છે. જેગુઆર કાર ઘુસાડી દેતા મંદિરનો ધાબાનો ભાગ નમી ગયો હતો અને મંદિરને 20 હજારનું નુકસાન થયું હતું. તે સમયે ગાડી નંબર કે અન્ય માહિતી ના હોવાને કારણે ગામમાંથી કોઇએ ફરિયાદ કરી ન હતી. પણ તાજેતરમાં તથ્ય પટેલના કારનામાનાં અહેવાલો પ્રસિદ્ધ થયા અને તથ્ય પટેલના મિત્રોએ ઉપરોક્ત મંદિરમાં પણ કાર ઘુસાડી દીધી હોવાનું નિવેદન આપ્યું હતું. જેના પગલે હવે મણાજી ઠાકોરે અકસ્માત સંદર્ભે તથ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Shah Jina