...
   

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત : 9 નિર્દોષોનો ભોગ લેનાર તથ્ય પટેલને એક વર્ષ બાદ મળ્યા જામીન- જાણો કારણ

ગત વર્ષે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર ચલાવી 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તથ્યના હંગામી જામીન મંજૂર કરાયા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તથ્ય પટેલને પોલીસ જાપ્તા સાથે 1 દિવસના જામીન મંજૂર કર્યા છે. ત્યારે 1 વર્ષ બાદ તથ્ય હવે જેલમાંથી બહાર નીકળશે. તથ્યને જામીન મળવાનું કારણ તેના દાદાનું અવસાન છે, મરણક્રિયાના કારણોસર જામીન માટે અરજી કરવામાં આવી હતી અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દાદાની અંતિમવિધી માટે તથ્યના જામીન 1 દિવસ માટે મંજૂર કર્યા છે.

જો કે, અંતિમવિધી બાદ તથ્યને જેલમાં પાછા લઈ જવા કોર્ટનો આદેશ છે. બે દિવસ પહેલા તથ્ય દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરવામાં આવી હતી અને આ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તથ્યના દાદા બીમાર છે અને તબિયત ગંભીર હોવાને કારણે કે.ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જો કે સુનાવણી પહેલા જ તથ્યના દાદાનું અવસાન થઈ જતા તથ્ય તરફથી દલીલ કરવામાં આવી કે દાદાનું નિધન થયું હોવાથી અંતિમવિધિ કરવા અને બેસણું સહિત 4 અઠવાડિયા માટે જામીનની માંગ કરાઇ. તો સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કરી દલીલ કરી કે અંતિમ વિધી માટે જામીન આપી શકાય પણ ચાર અઠવાડિયા સુધીનો સમય ન આપી શકાય.

ત્યારે બંને પક્ષોની રજૂઆત બાદ કોર્ટે તથ્યને પોલીસ જાપ્તા સાથે દાદાની અંતિમવિધિમાં હાજર રહેવા 1 દિવસના જામીન મંજૂર કર્યા. ઉલ્લેખનીય છે કે તથ્ય પટેલે એક વર્ષ પહેલા 19 જુલાઈએ રાત્રે સર્જેલા અકસ્માતમાં 9 લોકોને જીવતા કચડી નાખ્યા હતા અને તે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ જ નહીં પણ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું.

Shah Jina