રસોઈ

ટેસ્ટી સ્વીટ કોર્ન બરફી અને હલવો..વરસાદી માહોલ માં મજા પડી જશે – રેસિપી વાંચો

મિત્રો તમે જાણો છો કે અત્યારે વરસાદી માહોલ ચાલે છે. ત્યારે કઈક ગરમા ગરમ ખાવા ની ઈચ્છા થાય અને તે પણ તીખું અને ચટપટું. અત્યારે વર્ષા ઋતુ ચાલે છે તો તમને ખ્યાલ હશે કે આ સમય એ મકાઈ ખાવા નો સમય છે. કોઈ દેશી મકાઈ ખાઈ તો કોઈ અમેરિકન મકાઈ ખાઈ છે. પણ મકાઈ ખાવા ની સાચી મજા તો આ વરસાદી વાતાવરણ માં જ આવે છે.

આ સમયે કોઈ બાફેલી મકાઈ ખાઈ તો કોઈ શેકેલી. તેમાં મસાલો લગાવી ગરમ મકાઈ ખાવા ની મજા પડી જાય. ત્યારે અમને વિચાર આવ્યો કે જો આ મકાઈ ની કઈક અલગ નવી જ વાનગી બનાવવા માં આવે તો. આ હળવી ઠંડી માં તેનો સ્વાદ ચાખવા ની મજા પડી જાય. ચાલો તો આજે અમે તમને શીખવીશું મસ્ત મજેદાર ટેસ્ટી સ્વીટ મકાઈ ની બરફી અથવા તો હલવો. ચાલો ફટાફટ નોંધી લો આ સ્વીટકોર્ન બરફી ની રેસીપી.

સ્વીટકોર્ન બરફી બનાવવા માટે ની સામગ્રી

 1. સ્વીટ કોર્ન (અમેરિકન મકાઈ) – 400 ગ્રામ (2 કપ સ્વીટ કોર્ન પેસ્ટ)
 2. ઘી – 200 ગ્રામ (1 કપ)
 3. મોળો માવો – 200  ગ્રામ (3/4 કપ) મસળી નાખો
 4. ખાંડ – 250 ગ્રામ (2 ¼ કપ થી થોડી વધારે)
 5. દૂધ – 2 કપ
 6. કાજુ – 15-20 (એક કાજુ ના 7 થી 8 ટુકડા કરી નાખો)
 7. નાની એલચી – 5 થી 6 (ફોલી  ને પીસી લો)
 8. પિસ્તા – 7-8 (ઝીણા સમારેલા)

સ્વીટકોર્ન બરફી બનાવવા માટે ની રીત

 • સૌ પ્રથમ સ્વીટ કોર્ન ને સારી રીતે ધોઈ નાખો અને પછી મિક્સર માં નાખી ઝીણું પીસી નાખો.
 • એક જાડા વાસણ માં અથવા નોન સ્ટીક  ના વાસણ માં ઘી નાખી તેને ગરમ કરવા માટે મૂકી દો, ઘી ગરમ થઈ ગયા પછી તેમાં પીસેલા સ્વીટ કોર્ન નાખો. પછી ગેસ ને ધીમો રાખી ચમચા થી હલાવતા રહો. સતત હલાવતા રહો જેથી કરી ને બેસી ના જાય. જ્યારે સ્વીટ કોર્ન ની પેસ્ટ નો રંગ બદલાય જાય અને તેમાથી ખૂબ સરસ સુગંધ આવવા લાગે અથવા સ્વીટ કોર્ન ની પેસ્ટ વાસણ માં ઉપર આવવા લાગે અને વાસણ થી અલગ થવા લાગે એટલે કે ઘી છૂટું પડવા લાગે ત્યારે સમજવું કે આ તમારું સ્વીટ કોર્ન પેસ્ટ તળાય  ને તૈયાર છે.
 • હવે આ તળાયેલા સ્વીટ કોર્ન પેસ્ટ માં મોળો માવો નાખી દો, અને 4 થી 5 મિનિટ સુધી ચમચા થી હલાવતા તળી લો. (મોળા માવા ને અલગ થી પણ તળી શકાય છે.)
 • એક બીજું વાસણ લઈ તેમાં ખાંડ અને દૂધ નાખી ગરમ કરવા માટે ગેસ પર મૂકો, ઉકળવા લાગે અને ખાંડ બધી ઓગળી જાય ત્યાં સુધી ચડવા દો. સારી રીતે ઉકાળી ગયા પછી તેમાં પીસેલી સ્વીટ કોર્ન પેસ્ટ અને માવા નું મિશ્રણ નાખી મિક્સ કરો, ત્યાર બાદ તેમાં થોડા કાજુ ના ટુકડા રાખી બાકી ના બધા ટુકડા પણ મિશ્રણ માં નાખી દો. પરંતુ યાદ રાખો કે મિશ્રણ ને સતત હલાવતા રહો. કિનાર પર ઊભરો આવવા લાગે અને મિશ્રણ ફૂલવા લાગશે. ત્યાર બાદ થોડું જાડુ થાય ત્યાં સુધી ચડવા દો. આ મિશ્રણ ને બરફી જામે એટલું ચડવા દેવાનું છે. જાડું થઈ ગયા પછી ગેસ ને બંધ કરી દો. હવે મિશ્રણ માં એલચી નાખી ને ભેળવી નાખો.
 • હવે એક થાળી અથવા પ્લેટ માં ઘી લગાવી તેને ચીકણી કરી લો, મિશ્રણ ને થાળી માં નાખી ઘી લગાડેલા ચમચા થી બધી બાજુ એક સરખું ફેલાવી દો, ઝીણા સમારેલા કાજુ, અને પિસ્તા તેની ઉપર નાખી ચમચા થી દબાવી દો. એક અથવા દોઢ કલાક માં આ બરફી જામી ને તૈયાર થઈ જશે. પછી ચાકુ થી સ્વીટ કોર્ન બરફી ને પોતાના મનપસંદ આકાર માં કાપી લો, તો તૈયાર છે આપણી  સ્વીટ કોર્ન બરફી અને ચાખો આ કેટલી સ્વાદિષ્ટ છે. હવે વધેલી બરફી ને કોઈ હવા ના જાય તેવી બરણી કે ડબ્બા માં ભરી લો, આ બરફી ને તમે એક અઠવાડીયા સુધી બરણી માં ભરી રાખો અને ઈચ્છા થાય ત્યારે કાઢી ને ખાવો.

સ્વીટ કોર્ન હલવો બનાવવા માટે ની રીત

જો તમે સ્વીટ કોર્ન હલવો ખાવા ઈચ્છો છો તો તે પણ બનાવી ને ખાઈ શકો છો. આ માટે પીસેલા સ્વીટ કોર્ન પેસ્ટ ને અને માવા માં દૂધ અને ખાંડ ભેળવી ગેસ પર ગરમ કરવા માટે મૂકી દો અને તેને હલાવતા રહો. હવે ચમચા થી હલાવતા જ્યારે મિશ્રણ જાડું થઈ જાય ત્યારે સમજવું કે સ્વીટ કોર્ન હલવો તૈયાર છે. હવે તેમાં એલચી નાખી ને ગેસ બંધ કરી દો. પછી એક વાસણ માં કાઢી તેની ઉપર કાજુ ના ટુકડા અને પિસ્તા ના ટુકડા નાખી સજાવી લો, આમ ગરમા ગરમ સ્વીટ કોર્ન હલવો તૈયાર છે, હવે તેને પીરસો અને ખાવો.

Author: GujjuRocks Team
માધવી આશરા ‘ખત્રી’