મિત્રો શ્રાવણ માસ આવી રહ્યો છે. એટલે નવા-નવા તહેવારો આવશે. નવી-નવી જગ્યાઓ પર ફરવા જવા નું મન થશે. અને ઘરે નવી નવી વાનગીઓ બનશે. ફરસાણ થી માંડી ને મીઠાઈઓ સુધી ની મજેદાર વાનગી બનશે. મીઠાઈ માં તો આપણે વધુ માં વધુ મગજ ના લાડુ બનાવીએ અથવા મોહન થાળ બનાવીએ. પણ જો આ વખતે જન્માષ્ટમી માં મીઠાઈમાં કઈક નવીન બનાવવા માં આવે તો બધા લોકો ખુશ ખુશ થઈ જાય. તો આજે અમે એ વિચાર સાથે તમને શીખવાડીશું એક મસ્ત મજેદાર ટેસ્ટી બંગાળી વાનગી. જેને ખાઈ તમે પણ કહેશો વાહ મજા આવી ગઈ. ચાલો તો લખી લો આજ ની આ એક નવીન બંગાળી બરફી ની રેસીપી.બંગાળી બરફી બનાવવા માટે ની સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ – 1 લીટર
- લીંબુ – 1
- ખાંડ નું બૂરું – 1/3 કપ (50 ગ્રામ)
- એલચી – 5
- કેસર – 20-25 તાર
- પિસ્તા – 10-12
બંગાળી બરફી બનાવવા માટે ની રીત
- સૌપ્રથમ દૂધ ને કોઈ જાડા વાસણ માં કાઢી ગરમ કરવા માટે ગેસ પર મૂકી દો. દૂધ માં જ્યારે ઊભરો આવે ત્યારે ગેસ ને બંધ કરી દો, અને દૂધ ને ગેસ પર થી ઉતારી લો. હવે દૂધ ને થોડી વાર માટે ઠંડુ થવા દો.
- હવે લીંબુ નો રસ કાઢી લો અને તેમાં થોડું પાણી મિક્સ કરી દો. ત્યાર બાદ દૂધ જ્યારે થોડું ઠંડુ થઈ જાય ત્યારે તેમાં થોડો-થોડો લીંબુ નો રસ નાખો અને ચમચા થી દૂધ ને હલાવતા રહો. દૂધ જ્યારે ફાટી જાય અને તેમાં દૂધ નો માવો અને પાણી અલગ દેખાવા લાગે ત્યારે લીંબુ નો રસ નાખવા નું બંધ કરી દો.
- હવે દૂધ ના માવા ને એક કપડાં માં લઈ લો અને તેની ઉપર થોડું ઠંડુ પાણી નાખો. જેથી કરીને લીંબુ નો સ્વાદ તેમાં ના રહે. હવે કપડાં ને ચારે બાજુ થી પકડી હાથ થી તેને દબાવી તેમાં રહેલું વધારા નું પાણી નીચવી નાખો.
- હવે બરફી બનાવવા માટે માવો તૈયાર કરો
- હવે દૂધ ના માવા ને એક પ્લેટ માં કાઢી લો અને તેને 6 થી 7 મિનિટ માટે ખૂબ જ મસળી ચીકણું કરી લો. યાદ રાખો કે માવા ને ખૂબ મસળવા નું છે.
- એલચી ને ફોલી તેને ખાંડી ને પાઉડર બનાવી લો. પિસ્તા ને પણ ખૂબ જ પાતળા-પાતળા સમારી લો.
- હવે દૂધ ના માવા ની અંદર કેસર અને ખાંડ નું બૂરું નાખી તેને ખૂબ જ સારી રીતે 2 થી 3 મિનિટ માટે હલાવી મિક્સ કરી લો.
- હવે એક નોન સ્ટીક નું વાસણ લઈ તેને ગેસ પર ગરમ કરવા માટે મૂકો, પછી તેમાં દૂધ નો તૈયાર કરેલ માવો નાખી એકદમ ધીમા તાપે સતત હલાવતા 3 થી 4 મિનિટ માટે શેકી લો.
- હવે ગેસ ને બંધ કરી દો અને (દૂધ નો માવો) છૈના કાઢી એક પ્લેટ માં મૂકી દો. આ છૈના ને થોડું ઠંડુ થવા દો, પછી તે હળવું ઠંડુ થઈ ગયા પછી તેમાં એલચી નો પાઉડર નાખી સારી રીતે મિક્સ કરી દો.
- હવે આ દૂધ ના માવા માંથી થોડું મિશ્રણ કાઢો, અને તેને ગોળ-ગોળ અને ચપટા આકાર માં બનાવી એક પ્લેટ માં મૂકો. આવી રીતે થોડું થોડું મિશ્રણ લો અને તેને પણ આ રીતે ગોળ અને ચપટા આકાર ના બનાવી લો.
- આમ નાના આકાર ના ગોળ અને ચપટા આકાર ની બરફી બનાવી તેને એક પ્લેટ માં મૂકો. ખૂબ જ ઝીણા સમારેલા પિસ્તા ને આ બરફી પર સુંદર રીતે સજાવી તૈયાર કરી લો. આમ તમારી મસ્ત સુંદર અને સ્વીટ બંગાળી બરફી તૈયાર છે, જેને તમે કોઈપણ તહેવાર કે વ્રત ઉપવાસ માં બનાવી શકો છો અને પરિવાર સાથે તેનો આનંદ માણી શકો છો.
તો તમે લખી લીધી ને આ મસ્ત મજેદાર અને સ્વીટ બંગાળી મીઠાઈ ની રેસીપી. નાના મોટા અને દરેક ઉંમર ના લોકો ને પસંદ આવતી આ સ્વીટ વાનગી લખી ને મોં માં પાણી આવી ગયું ને, તો હવે ઇંતજાર શેનો કરો છો તમે પણ બનાવો આ સ્વીટ બંગાળી મીઠાઈ.
સલાહ
- આ બંગાળી બરફી માં તમને ગમતો અન્ય સુકોમેવો પણ નાખી શકો.
- આ બરફી ને તમે ફ્રીઝ માં એક અઠવાડીયા સુધી રાખી શકો છો,.
- આ બંગાળી બરફી ને ફ્રીઝ માં ઠંડી કરી ને ખાવા ની ખૂબ મજા પડશે.
- આ વાનગી એવી છે જે ખૂબ જ ફટાફટ બની જાય છે, આથી ઘરે કોઈ મહેમાન આવવા ના હોય ત્યારે પણ તમે તેને ઘરે બનાવી શકો છો.
Author: GujjuRocks Team
માધવી આશરા ‘ખત્રી’
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ