સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ તરણેતરનો મેળો, જે ગુજરાતભરમાં તેની વિવિધતાસભર સંસ્કૃતિ માટે જાણીતો છે, તે આ વર્ષે વિવાદાસ્પદ બન્યો છે. સામાન્ય રીતે પારિવારિક આનંદપ્રમોદનું કેન્દ્ર રહેલા આ મેળામાં, આ વખતે પરંપરાગત મૂલ્યોને બાજુ પર મૂકીને અશ્લીલ નૃત્યનું આકર્ષણ જામ્યું હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ભગવાન ત્રિનેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ ભવ્ય લોકમેળામાં થયેલા આ પ્રકારના નૃત્યના વીડિયોએ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વંટોળ ઊભો કર્યો છે.
સુરેન્દ્રનગરના થાનગઢમાં આયોજિત થતા આ વિશ્વવિખ્યાત મેળાની પ્રતિષ્ઠાને ઝાંખપ પહોંચાડતો આ વીડિયો ઝડપથી પ્રસરી રહ્યો છે. સામાન્ય રીતે હુડો રાસ, રાસડા અને દુહા-છંદ જેવી પરંપરાગત કલાઓનો આનંદ માણવા દેશ-વિદેશથી લોકો આવતા હોય છે. પરંતુ આ વખતે અશ્લીલ નૃત્યના આયોજન દ્વારા પાંચાળ પ્રદેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને ઠેસ પહોંચાડવાનું કામ કોણે કર્યું તે અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
ધ્યાનાકર્ષક બાબત એ છે કે આ અશ્લીલ નૃત્ય જોવા માટે પણ હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ વર્ષના મેળામાં ભોજપુરી નૃત્યાંગનાઓએ મુખ્ય આકર્ષણ જમાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં ‘મુજકો રાજાજી માફ કરના, ગલતી મારે સે’ જેવા ફિલ્મી ગીતના અશ્લીલ શબ્દો પર ભોજપુરી નર્તકીઓ ઉશ્કેરાટભર્યા અંદાજમાં નૃત્ય કરતી જોવા મળે છે.
View this post on Instagram
આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પર પણ પ્રકાશ પાડ્યો છે. મેળો પૂર્ણ થઈ ગયા પછી પણ સત્તાવાળાઓએ આ બાબતે કોઈ નોંધપાત્ર પગલાં લીધા હોય તેવું જણાતું નથી. આ પ્રકારના નૃત્યના વીડિયો વાયરલ થવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને સાંસ્કૃતિક મૂલ્યોના જતન માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.