સુરેન્દ્રનગરના વઢવાણના તાંત્રિક ભુવા નવલસિંહ ચાવડાએ 12 લોકોની હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો હતો. જેમા તેણે સુરેન્દ્રનગરના એક જ પરિવારના 3 સભ્યોની પાણીમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને હત્યા કરી હતી. બાદમાં તેમને કેનાલમાં ફેકી દીધા હતા. જેથી લોકોને એમ લાગ્યું કે પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે. પરંતુ આ મામલે હવે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે અને પોલીસે પુરાવાઓ એકત્ર કરવા સહિતની કામગીરી હાથ ધરી છે. જોકે આ કબુલાત બાદ નવલસિંહનું પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, 10 માર્ચ 2023ના રોજ સુરેન્દ્રનગરના દુધરેજ પાસે આવેલ નર્મદા કેનાલમાંથી દિપેશભાઈ પાટડિયા, પ્રફુલ્લાબેન પાટડિયા અને પુત્રી ઉત્સવીની લાશ મળી આવી હતી. આથી પ્રથમ દૃષ્ટિએ બનાવ સામૂહિક આત્મહત્યાનો લાગતો હતો. પરંતુ મૃતકોની લાશ જ્યારે મળી આવી ત્યારે મૃતક પ્રફુલ્લાબેન તેમજ તેમની પુત્રીના શરીર પરથી ઘરેણાં ગાયબ જોવા મળ્યાં હતાં. તેમજ દિપેશભાઈનું બાઈક અને મોબાઈલનો પણ આજ દિવસ સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો. જોકે નવલસિંહ ચાવડા પોલીસના હાથે ઝડપાયા બાદ આ બનાવનો ખુલાસો કરતા લોકો ચોંકી ઉઠ્યા હતાં. કારણ કે જ્યારે ત્રણેય વ્યક્તિઓની લાશને સુરેન્દ્રનગર હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી ત્યારે અને મૃતકોની અંતિમવિધિમાં પણ ભુવો નવલસિંહ હાજર રહ્યો હતો.
પરંતુ મૃતકના પુત્ર ભાવિકભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પિતાએ એક મકાન વેચ્યું હતું જે પેટે રૂપિયા 6 લાખ આવ્યા હતા અને આ પૈસા ક્યાં વાપર્યા તે કોઈને કાંઈ જાણ ન હતી. પરંતુ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, મૃતક ભુવા નવલસિંહ ચાવડાએ સુરેન્દ્રનગરના એક પરિવાર પાસેથી ઉછીના લીધેલા રૂપિયા અઢી લાખ પરત ન આપવા પડે તે માટે 9 માર્ચ 2023ના રોજ પતિ, પત્ની અને પુત્રી સહિતના 3 વ્યક્તિઓને દુધરેજ કેનાલ પાસે બોલાવી સોડિયમ નાઈટ્રેટ પીવડાવી કેનાલમાં ધક્કો મારી હત્યા નિપજાવી હતી.