અજબગજબ કૌશલ બારડ જાણવા જેવું લેખકની કલમે

કોળી પટેલની બાતમીને આધારે તાનાજી ગઢ કોંડાણાની નબળી બાજુ જાણી શક્યા હતા! વાંચો રસપ્રદ માહિતી

હાલમાં ‘તાનાજી : ધ અનસંગ વોરિયર’ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. દર્શકોનું કહેવું છે કે, તેઓ પહેલીવાર આ પ્રકારનો અજાણ્યો ઇતિહાસ જોઈ રહ્યા છે, જે ખરેખર આદર્શપુરુષો દ્વારા લખાયેલો છે. તાનાજી માલુસરે શિવાજી મહારાજના સૂબેદાર હતા. દક્ષિણ ભારતમાં પ્રવેશવાની ચાવી કહેવાતો કોંડાણાના કિલ્લા પર મુગલોના સેનાપતિ ઉદયભાણનો કબજો હતો, જે શિવાજીને અને માતા જીજાબાઈના આંખમાં કણાંની જેમ ખૂંચતો હતો.

Image Source

કોંડાણા વગર મરાઠા સામ્રાજ્ય અધૂરું:
કોંડાણા પર ચડાઈ લઈ જવા માટે શિવાજીએ તાનાજીને સંદેશો મોકલ્યો. તાનાજી એ વખતે પોતાના ગામ ઉમરેઠામાં હતા. પુત્ર રાયબાનાં લગ્ન લેવાયાં હતાં. પણ શિવાજીનો સંદેશો મળતા જ એ પુત્રના લગ્ન મૂકીને સેના લઈ નીકળી પડ્યા! મહારાષ્ટ્રની કૂંચી કહેવાતો કોંડાણા ગઢ જીતાય એનાથી મોટું લક્ષ્ય તાનાજીના મત મુજબ એકેય નહોતું.

આ બાબતોને લીધે કોંડાણા અજેય હતો:
કોંડાણાનો કિલ્લો દુર્ગમ મનાતો. એને જીવતો લગભગ અસંભવ વાત હતી. આ ગઢની સીધી ચાલી જતી જોરાવર દિવાલો પર ચડવું અશક્ય જેવું હતું. વળી, કિલ્લાની ચારેબાજુ ઊંડી ખીણ આવેલી હતી. કિલ્લાનો રખેવાળ ઉદયભાણ રાઠોડ યુદ્ધમાં માહેર ગણાતો. રાજપૂતો, આરબો અને પઠાણોની સેના કોંડાણા પર મોજૂદ હતી. ખાઉધરા અને બળીયા ઉદયભાણને ૧૨ દીકરા હતા. એ પણ લડાઈમાં મહારથી મનાતા. વળી, ઉદયભાણની એક ઔર મોટી તાકાત સીદ્દી હિલાલ હતો. ઉદયભાણે ચંદ્રાવત નામનો એક ગાંડો હાથી પણ રાખ્યો હતો, જેને છોડી મૂકવામાં આવે તો દુશ્મનોની સેનામાં ખાસ્સું એવું ભંગાણ પડે.

કોળી પટેલને ત્યાં ગોંધળી બનેલા તાનાજી:
કોંડાણાનું યુદ્ધ માત્ર બળથી નહી, કળથી જીતવું પડે તેમ હતું. એ માટે કિલ્લાનાં નબળાં પાસાં વિશે માહિતી હોવી જરૂરી હતી. આથી તાનાજીએ એ બાબતો પર પહેલા ધ્યાન કેન્દ્રિત કરેલું. કોંડાણાની તળેટીમાં વસેલ ગામમાં કોળી સમુદાયનો એક મુખી રહેતો હતો. આમ તો તેને ઉદયભાણના હુકમો માનવા પડતા પણ મનમાં શિવાજી મહારાજનાં હિન્દવી સામ્રાજ્ય પ્રત્યે પણ તેને માન હતું. આ પટેલને ત્યાં ‘ગોંધળ’ હતું. મહારાષ્ટ્રમાં એવો રિવાજ છે કે, લગ્નપ્રસંગ સારી રીતે પતી જાય પછી કુળદેવીને રાજી કરવા માટે ગાયન-વાદનનો ઉત્સવ ગોઠવવામાં આવે છે, જેને ‘ગોંધળ’ કહેવાય છે. ગોંધળમાં ‘ગોંધળી’ તરીકે ઓળખાતા લોકો ગાવા આવે છે. તેઓ જે ગીતો ગાય તેને ‘પોવાડો’ કહેવામાં આવે.

તાનાજી ગોંધળીનો વેશ લઈ કોળી પટેલને ઘરે ગયા અને શિવાજી મહારાજના સામ્રાજ્યના વખાણ કરતો પોવાડો ગાયો. પટેલને લાગ્યું કે આ માણસ જરૂર શિવાજીનો સાગરિત હોવો જોઈએ! કાર્યક્રમ પૂરો થયા પછી તાનાજીએ કોળી પટેલને બધી માહિતી આપી અને કહ્યું કે, કોંડાણા જીતવા માટે એની નબળી બાજુ અમારે જાણવી છે.

ડોણાગીરીની ખીણમાંથી ચડાઈ કરજો:
તાનાજીને જોઈને પટેલ રાજી થયો. ભલે તેને મુગલોના હુકમો માનવા પડતા પણ એનું અંતર ઉંડાણ તો એ વખતના હરેક હિન્દુની જેમ સ્વરાજ્ય જ ઝંખતું હતું. આ પટેલ શિવાજી મહારાજને માટે થઈને જોખમ ખેડીને પણ છૂપી બાતમી આપવા તૈયાર થયો. એણે તાનાજીને જણાવ્યું કે, ડોણાગીરીની ખીણ બાજુ કિલ્લાની જે દિવાલ છે તે થોડી નીચી છે અને ત્યાંથી ઉપર ચડવામાં પણ સરળતા રહેશે.

આમ, જોઈતી માહિતી તાનાજીને આ પટેલ પાસેથી પ્રાપ્ત થઈ. આગળ જતા આ જ માહિતીને આધારે તાનાજી સહિતના ૫૦ સૈનિકો ડોણાગીરીની ખીણ બાજુની દિવાલ પરથી જ કિલ્લામાં અંદર ઘૂસ્યા હતા અને કલ્યાણ દરવાજો ખોલી બહાર ઉભેલા મરાઠા લશ્કરને અંદર લાવવામાં સફળ રહ્યા હતા.

કોંડાણાની જીત મુગલ સામ્રાજ્ય પર કુહાડાનો ઘા હતો. જેમાં ઓછોવત્તો, પ્રત્યક્ષ નહી તો પરોક્ષ ફાળો કોળીઓના એ મુખીનો પણ હતો!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.