લેખકની કલમે

“તમે જતા ન રે’તા,સાહેબ…” – 21 મી સદીના શિક્ષકની અદભૂત અને પ્રેરણાત્મક વાત ….

“મારી વ્યથામાં વ્યથિત, છે આટલા બધા,
લાગે છે મેં લાગણી, વાવી છે આ દિલોમાં…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

કહેવાય છે કે મનુષ્ય જીવનમાં ભાવ એટલે કે એકમેક પ્રત્યેનો પ્રેમ જ એક એવું તત્વ છે જે આપણને એકબીજા સાથે જોડી રાખે છે. જો જીવનમાં આ ભાવ તત્વ ખલાસ થઈ જાય એટલે મનુષ્ય આત્મા વિનાના મૃત શરીર જેવો થઈ જાય છે, જેને નથી હોતી કોઈ લાગણી.
“લાગણીના ડોર થી , આપણે સૌ બંધાયા.
સંબંધો આપણાં, એના થકી જ તો ગૂંથાયા…”

હા, એ પણ સાચું કે લોકોના દિલમાં સ્થાન મેળવવું એ સરળ વાત નથી. એના માટે જરૂર છે કેટલા બધા ત્યાગોની , ખરી સાધનાની અને પ્રચંડ કર્મયોગની અને તેમ છતાંય પસાર થવાનું વારંવાર પરિક્ષાઓમાંથી. આ બધા માંથી જે પસાર થઈ જાય કે થતો રહે એજ ખરું સોનુ બનીને બહાર આવે છે. પછી એ મહાત્માના દુઃખે એની સાથે લાગણીથી જોડાયેલા લોકો પણ દુઃખી બને છે અને એના સુખે સુખી બને છે…
એક નાનકડા ગામમાં વર્ષોથી, પ્રથમ શાળામાં શિક્ષક અને ત્યારબાદ આચાર્ય તરીકે સેવા બજાવતા એક કર્મનિષ્ટ , સત્ય નિષ્ટ શિક્ષક કે જેમનું જીવન એટલે ધ્રુવ ના પર્યાય સમ. લોકવાયકા મુજબ જેમ ધ્રુવે વર્ષો સુધી એક પગે ઉભા રહી તપ કર્યું હતું એમ એ શિક્ષક નું જીવન એટલે ધ્રુવના તપની બીજી આવૃત્તિ સમાન. જેમ ધ્રુવે એક પગે જ ઉભા રહી વર્ષો સુધી કઠોર સાધના કરી હતી એમ એ આચાર્ય સાહેબે પણ એક જ ગામમાં સતત પાંત્રીસ વર્ષ સુધી પોતાની શિક્ષક અને આચાર્ય તરીકેની ફરજ પૂર્ણ નિતીમતાથી બજાવેલી.
શ્વેત વાળ, શ્વેત વસ્ત્રો અને એવીજ શ્વેત ભાવનાથી સજ્જ એવા એ આચાર્યશ્રી એટલે જાણે નીતિમત્તા અને કર્મઠતાની જીવતી જાગતી મિશાલ. પંચાવન વર્ષની પાકટ વયે પણ તેમના શાળા વિકાસ માટે આગળ વધતા કદમો કોઈ યુવાનને પણ શરમાવે એવા હતા. ચોમાસામાં વાવાઝોડા સાથે વરસતા વરસાદ માં પોતાના એટલે કે ભાડાના ઘરની ચિંતા પહેલા શાળાના બારી બારણાની ચિંતા કરનાર એ સાહેબ ને જોઈ વૈદિક કાળમાં સમાજ માટે ઘસાયેલા આપણાં મહાન ઋષિ મુનિઓની યાદ તાજી થઈ જાય. સતત પાંત્રીસ વર્ષથી એકજ ગામમાં એકજ શાળામાં નોકરી કરતા અને ગામ લોકોના નાના મોટા કામમાં પણ સહયોગ માટે હંમેશા તૈયાર રહેતા. કોઈ ગરીબને થોડા ઘણા રૂપિયાની જરૂર પડે તો પૂછ્યા વિના આપે અને આપીને ભૂલી જવાની બીમારી પણ ખરી…
કદાચ રજા શબ્દ એ સાહેબની ડિક્સનરી માં હતો જ નહીં. રવિવાર હોય કે હોય કોઈ બીજી રજા સાહેબ ઓફિસમાં ખુરશીને બદલે બગીચામાં કાંતો મહેંદી કાપતા હોય અથવા વૃક્ષને પાણી પાતા હોય અને સાથે હોય બાળકોની મોટી ફોજ. એ સાહેબ કોઈ દિવસ શાળામાં મોડા પણ ન પડે. એમની નિયમિતતા જોઈ ને થાય કે ખુદ સમય પણ ઘડિયાળ તરીકે એ સાહેબનો ઉપયોગ કરતો ન હોય !!!
પણ કહેવાય છે કે માણસના જીવનમાં બધા દિવસો સરખા નથી હોતા. એ સાહેબ જે મકાનમાં ભાડે રહેતા એ મકાન માલિકના દિકરાની વહુ સાથે સાહેબના પત્નીને જરા અમથી બોલાચાલી થઈ અને વાત ઘર બદલવા સુધી પહોંચી ગઈ. એ મકાન માલિકે તો મકાન ખાલી કરવાની ચોખ્ખી ના કહી અને પોતાની પુત્રવધૂને પણ ધમકાવી. પણ સાહેબનો નિયમ કે “આપણા કારણે બીજા કોઈને તકલીફ ન જ પડવી જોઈએ…” તો એવા જીવનમંત્ર સાથે જીવતા સાહેબે મકાન ખાલી કરવાનો નિર્ણય લઈ લીધો. વાત આખા ગામમાં ફેલાઈ ગઈ અને ગામના ઘણા બધા લોકો સાહેબને પોતાના મકાનમાં રહેવા આવી જવા વિનવવા લાગ્યા.

સાહેબ મકાન ખાલી કરવાના છે અને બીજા ગામ રહેવા જવાના છે એ વાત ગામમાં વહેતી થઈ અને રીતસર જેમ સચિવાલયમાં મુલાકાતીઓનો પ્રવાહ હોય એમ ગામ લોકો શાળામાં આવવા લાગ્યા અને સાહેબને ગામ છોડી ન જવા આગ્રહ અને વિનંતી બંને કરવા લાગ્યા. આ આવનારા લોકોમાં જેમને કદી શાળાનું પગથિયું પણ જોયું નહોતું એવા ઘરડા બુઢા પણ ખરા.
આ બધી ઘટનાઓની વચ્ચે એક અજબ ઘટના બને છે. બપોર ના શાળામાં રિસેસનો સમય હતો અને શાળાના દરવાજામાં લાકડીના ટેકાથી માંડ માંડ ચાલતા લગભગ પંચયાસી નેવું વર્ષના એક માજી કે જેમને ભણતર સાથે કશો સંબંધ પણ હવે નહોતો કે સાહેબ ગામમાં રહે કે ના રહે એનાથી પણ ઝાઝો ફરક એમને પડવાનો ન હતો તેમ છતાં લાકડીના ટેકે ટેકે એક હાથથી આંખો પર છત્ર કરી એ માજી શા માટે શાળામાં આવ્યા હશે ? એવો પ્રશ્ન દરેકના મનમાં હતો. ધીમે પગલે ચાલતા ચાલતા એ માજી છેક સાહેબની ખુરશી પાસે પહોંચી ગયા. પણ કોઈ જાસૂસ કથાના પાત્રની જેમ હજી પણ સમજાતું ન હતું કે માજી શા માટે આવ્યા છે ?

અને અચાનક એકદમ સાહેબની નજીક જઈ સાવ ધીમા અને કરુણા ભરેલા શ્વરે સાહેબના કાન જોડે પોતાનું મોં લઈ જઈ માજી એ હળવેકથી કહ્યું…

“તમે જતા ન રે’તા , સાહેબ…”

આટલા શબ્દો કાઢતા એમની આંખો પણ ભીની થઇ ગઇ.
એ આચાર્ય સાહેબની બાજુની ખુરશીમાં બેઠેલા બીજા એક શિક્ષકને મનમાં તરત વિચાર આવી જાય છે કે…

“ખરેખર લોકોના દિલમાં આ સાહેબ કેટલી હદે જીવંત છે !
સાહેબે લોકોના દિલોમાં કેટલી બધી લાગણીઓ વાવી છે !

આ લોકો સાહેબને જે માન આપે છે એની તોલે મોટા મોટા એવોર્ડ પણ કોડી સમાન છે…

POINT :-

અનાદિ કાળથી સમાજ અને રાષ્ટ્ર ગુરુઓનું એટલેકે શિક્ષકોનું ઋણી રહ્યું છે. જો એક શિક્ષક પોતાની શિક્ષક તરીકેની ગરીમાં અને કર્તવ્ય પુરી નિષ્ઠા થી બજાવે તો આજે પણ સમાજ શિક્ષકના ચરણે ઝૂકી જવા તૈયાર છે.
એ આચાર્ય સાહેબે ખરા અર્થમાં આચાર્ય ચાણક્ય નું એ કથન સાચું સાબિત કર્યું ગણાય કે…
“શિક્ષક કભી સાધારણ નહિ હોતા, નિર્માણ ઔર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈ…”

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks