દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“ તમે આ બળવંતરાયને ઓળખો છો?” – “જેમ શરીરમાં ડાયાબિટીસ વધે.. બીપી વધે કે ઘટે એમ માણસના જીવનમાં એક ખાલીપાનું પણ એક લેવલ હોય!! આવા જ ખાલીપાથી ભરેલા એક વડીલની વાત…..

“પાપા કઈ તકલીફ છે?? હમણા હમણા તમે કશું બોલતા પણ નથી અને વીણા પણ કહેતી હતી કે પાપા જમતા પણ નથી.. તમારું શરીર પણ સાવ લેવાતું જાય છે.. મારે ખુબ કામ રહે છે. અને નયન પણ હવે મોડો સાંજે ઘરે આવે છે. એક કામ કરજો કાલે બાજુમાં આવેલ બાબુભાઈ સાથે તમે ડો. જગદીશના દવાખાને જઈ આવો. મેં એની સાથે અત્યારે જ વાત કરી લીધી છે. એ તમારું બોડી ચેક અપ કરી દેશે.. અને જરૂરી સૂચનાઓ પણ આપી દેશે” તરુણે બાલ્કનીમાં ઉભા ઉભા વાત કરી. બળવંતરાય બાલ્કનીમાં એક ખુરશી પર બેઠા હતા. બાજુમાં જ એનો રૂમ હતો. રૂમમાં બધીજ સુવિધા હતી. નીચે જવાપણું જ નહોતું. બેય ટાઈમ ભોજનની થાળી આવી જતી હતી. બપોર પછી છાપાઓનો ઢગલો નોકર કરી જતો હતો. બળવંતરાય મન પડે તો વાંચે નહીતર રૂમમાં સુતા રહેતા..ટીવી હતું પણ ભાગ્યેજ એ શરુ કરતા.
“કોઈ જગ્યાએ બતાવવાનું નથી.. હવે અવસ્થા થઇ છે. એટલે એવું બધું રેવાનું છે. શરીર છે થાય એવું એમાં તારે કોઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી” બળવંતરાય બોલ્યા પણ તરુણ તો મોબાઈલમાં વ્યસ્ત હતો. એણે મોબાઈલમાં જ નજર રાખીને બોલ્યો.

“ તકલીફની શરૂઆતમાં જ ઉપચાર થઇ જાયને તો પછી સારું..પછી પાછળથી ખોટે ખોટું રીબાવવું પડે.. અને પછી આ સ્પર્ધાનો યુગ..અમે કોઈ ફ્રી ના હોઈએ અને એમાં લાંબી બીમારી આવી જાયને તો પછી આફતના પાર નહિ. ધંધામાં ધ્યાન દેવુ કે તમારી સેવામાં એટલે કાલે તમે બાજુવાળા બાબુભાઈ સાથે જતા રહેજો સવારે નવ વાગ્યે ત્યાં પહોંચી જજો” કહીને તરુણ ફટાફટ પગથીયા ઉતરી ગયો. બળવંતરાય ના મગજમાં તરુણના શબ્દો ઘુમરાઈ રહ્યા.

“અમે કોઈ ફ્રી ના હોઈએ અને એમાં લાંબી બીમારી આવી જાયને તો પછી આફતના પાર નહિ. ધંધામાં ધ્યાન દેવુ કે તમારી સેવામાં”!!!!

આ શબ્દો બળવંતરાય બીજી વાર સાંભળી રહ્યા હતા. પોતાની પત્ની હંસાને જયારે હોસ્પીટલમાં દાખલ કરી ત્યારે તરુણ અને નયન બોલતા હતા. એમની પત્નીઓ વીણા અને સીમા પણ હંસા સામે તાકી રહી હતી. પોતે હંસાની બાજુમાં બેઠા હતા. આજે પણ એ શબ્દો એમને યાદ હતા!!

“અમારું માન્યું હોત તો આ દશા ના થાત.. કેટલી વાર કીધું કે ખાવામાં ધ્યાન રાખો.. આ ઉમરે ખાટું તીખું તળેલું અને ગળ્યું ખાવાના અભરખા ના ગયા. અને છેલ્લે તમારી સાથે અમારે હેરાન થવાનુંને!! અહી તો એક બાજુ સમયની મારામારી હોય ને આ હોસ્પિટલે આવવું પડે!! તમે લોકો અમારી વાત નહિ સમજો!! કેટલી વાર હું તમને કહેતો કે અમે કોઈ ફ્રી ના હોઈએ અને એમાં લાંબી બીમારી આવી જાયને તો પછી આફતના પાર નહિ. ધંધામાં ધ્યાન દેવુ કે તમારી સેવામાં!!” છેવટે ડોકટરે કહ્યું ત્યારે તરુણ બોલતો બંધ થયો. ડો. રાવળ બોલેલા.

“ બીમાર માણસ સાથે આમ વાતચીત થાય?? એને અત્યારે આવું કહેવાનું?? એનાથી કોઈ ભૂલ હોય તો પછી ક્યાં નથી કહેવાતું?? શું તમે એટલા મોટા થઇ ગયા છો કે માતા પિતાને પણ મન ફાવે તેમ બોલી શકો” અને એ વખતે જ બળવંતરાયને એક ડૂસકું આવી ગયેલું. પણ એ જોવા માટે ત્યાં કોઈ નહોતું.. એના સંતાનો બહાર લોબીમાં ઉભા ઉભા બળાપો કાઢી રહ્યા હતા. ત્રણ દિવસની ટૂંકી બીમારી પછી હંસાએ દેહ છોડયો. સવારના ચાર વાગ્યા હશે. હોસ્પીટલના એ રૂમમાં એક નર્સ પોતે અને હંસા સિવાય કોઈ નહોતું. આમ તો જીવિત તો બે જ એ અને નર્સ!! હંસા તો આ દુનિયામાં નહોતી. ડોકટર રાવળને નર્સે જાણ કરી. એ તરત જ આવી ગયા. એણે તપાસ કરી અને કહ્યું કે.

“ હવે તમારા છોકરાને બોલાવી લો.. જેને જાણ કરવી હોય એને કરી દો”

“ એ બધા સુતા હશે..!! ભલે સુતા!! હવે કયાં વહેલું મોડું થવાનું છે?? સવારે નિરાંતે જાણ કરીશ..સાહેબ તમે અને આ નર્સ દીકરી હવે સુઈ જાવ!! હું અહી બેઠો છું”!!
સવારે દસ વાગ્યે બધી અંતિમક્રિયા પતાવી દીધી. બીજા દિવસે બેસણું હતું. દીકરાઓની શાખા આ શહેરમાં સારી હતી એટલે માણસો પણ સવારથી જ આવવા લાગ્યા હતા. ગામડે તો કોઈને કીધું નહોતું. અંતિમક્રિયા પતાવીને એણે ખાલી પૂછ્યું હતું.
“ગામડે આપણે સગા સબંધીઓને જાણ કરી દેજો” અને તરત જ નયન બોલ્યો.
“બેસણું કાલે જ છે.. એ લોકો નહિ આવી શકે.. જેમ જેમ ખબર પડશે એમ આવી જશે.. અહી તો એક એક દિવસની હાડમારી છે એમાં એ બધાને મોઢે ક્યાં રહેવું.. એવું લાગે તો બે દિવસ પછી સીમાને કહેજો એ બધાને ફોન કરીને કહી દેશે.. અને ફોન પર જ એ બધા ખરખરો કરી લેશે” પછી તો એ બળવંતરાય કશું બોલેલા પણ નહિ.
બેસણામાં તો એ પહેલા હંસાના ફોટા પાસે જ બેઠા હતા. બને દીકરાઓ શ્વેત વસ્ત્રમાં એમની બાજુમાં જ બેઠા હતા. માણસો આવતા જતા હતા.. ખબર પૂછતાં જતા હતા.. જવાબો બને દીકરાઓ વારાફરતી આપતા જતા હતા.

“બીમાર તો પહેલથી જ હતા.. સારવારનું કીધેલું પણ માન્યા નહિ..છેલ્લે છેલ્લે ત્રણ દિવસ હોસ્પીટલમાં રાખ્યાં પણ કશું જ ના વળ્યું” ખરખરો કરવાવાળા પણ એના દીકરા જેવા જ હતા એ પણ કહેતા.

“ મેડીકલેમ હતો કે નહિ?? અત્યારે મેડીક્લેઇમ હોયને તો આવા અણધાર્યા ખર્ચથી બચી જવાય!! આ તો શું છે કે તમારે સગવડ છે નહિતર બીજા કોઈ હોય તો માણસ તો જતો રહે ઉપરને ઘર પણ ધોઈ નાંખે!! બધો ખરચ માથે પડે!! માણસ પણ ના બચે અને પૈસા પણ ના બચે.. મારા બાપાએ પણ મેડીકલેઈમ નહોતો લીધેલો.. તે ઈ બીમાર પડેલા ને બે દિવસમાં સીતેર હજારનો ખર્ચ થઇ ગયેલ પછી તો મેં નક્કી કર્યું ઘરમાં બધાના મેડીકલેઈમ તો હોવા જ જોઈએ.. મોટી ઉમરના વ્યક્તિઓ એ યુવાનીમાં જ મેડીકલેઈમ લઇ લેવાય એટલે છોકરાને માથાકૂટ ઓછી..પછી ઉમર મોટી થાયને એટલે મેડીકલેઈમ વાળા પણ ના પાડે” ત્રીસેક વરસની ઉમરનો એક સોડાબાટલીના કાચ જેવા ચશ્માં પહેરેલો બેસણામાં મેડીકલેઇમનું જ્ઞાન આપી રહ્યો હતો.

બસ બધા જ આવનારા અલગ અલગ વાતો કર્યા કરતા હતા. બળવંતરાય થોડી વાર પછી દૂર એક ખૂણામાં બેસી રહ્યા.. વાતો સાંભળવી પણ નહિ અને ખોટે ખોટું દિલ પણ ના દાજે ને!!
બસ પછી તો દિવસો પસાર થતા ગયા.. આજ હંસા અવસાન પામી એના ચાર માસ વીતી ગયા હતા.!! એમાં એનું શરીર લેવાવા માંડ્યું હતું.. આમેય ચાર વરસથી એ અહી આવ્યા હતા. ફાવતું તો નહોતું પણ પત્નીનો ટેકો હતોને એટલે બળવંતરાય જીવ્યે જતા હતા!!

દીકરાઓ સાથે ના રહે તો બીજે જાય પણ ક્યાં?? ગામડાની થોડી ઘણી જમીન હતી એ વેચી નાખીને બેય દીકરા માટે આ બંગલો લીધો હતો!! પોતે હતા ગાંધીવાદી સંસ્થામાં શિક્ષક. છેલ્લે છેલ્લે આચાર્ય પણ બનેલા. પગાર પણ સારો હતો. એટલે જ એ બેય છોકરાને ભણાવી શક્યા. પરણાવી શક્યા. છોકરાની ઘરે છોકરા હતા. પણ ગાંધીવાદી સંસ્થામાં નોકરી કરતા હતા. એ નિવૃત થયા ત્યારે પેન્શન ના મળ્યું. જયારે લાગ્યા ત્યારે આ નિયમની ખબર નહોતી. જયારે ખબર પડી કે આમાં પેન્શન ના મળે ત્યારે રાજીનામું આપે તો બીજી સરકારી શાળામાં નોકરી મળે કે ના મળે એની કોઈ ગેરંટી નહોતી. એટલે પછી અઠ્ઠાવન વરસ સુધી સંસ્થામાં જ રહ્યા. જે બચત હતી એ વપરાતી ચાલી. સંસ્થા પોતાના ગામમાં જ હતી. સંસ્થાના મકાનમાં જ રહેતા. ઘરનું મકાન સુધ્ધા ના બનાવ્યું. વિચારતા કે છોકરાઓ જે શહેરમાં શિફ્ટ થાય ત્યાજ મકાન લઈશું.લીધા પણ ખરા અને રહેવા પણ આવી ગયા!!

રાતના અગિયાર વાગવા આવ્યા હતા. બળવંતરાય વિચારે ચડી ગયા હતા.હવે એને સુવું જરૂરી લાગ્યું હતું. કાલે સવારમાં બાજુવાળા બાબુભાઈ સાથે એ હોસ્પીટલમાં જવાના હતા.!!
બીજે દિવસે સવારે બળવંતરાય બાબુભાઈ સાથે ડો.જગદીશના દવાખાને ગયા. તરુણે અગાઉ વાત કરી લીધી હતી એટલે ડો. જગદીશને કશું પૂછવું ના પડ્યું. નખશિખ બધું નિદાન થઇ ગયું. શરીરમાં જે જે ચેક કરી શકાય એ બધું જ ચેક કરી લીધું. નહોતી જરૂર તોય એન્ડોસ્કોપી પણ કરી લીધી. કદાચ પેટમાં કોઈ મોટી ગરબડ હોય.. ત્રણ કલાક સુધી બળવંતરાય દવાખાને બેસી રહ્યા બાબુભાઈ સાથે વાતો કરતા રહ્યા. રીપોર્ટ આવ્યાં. બધુજ નોર્મલ હતું. ડોકટરે ઘણા બધા પ્રયત્નો કર્યા. રીપોર્ટ બે બે વાર વાંચ્યા પણ કોઈ રોગ પકડાયો જ નહિ ને!! ડાયાબીટીશ નહોતો. બીપી પણ એવરેજ હતું. લોહીમાં ટકા પણ યોગ્ય હતા. પેશાબમાં કોઈ વાંધો નહોતો. કીડની પણ બરાબર કામ કરતી હતી. કોઈ જ રીપોર્ટ નેગેટીવ નહોતો આવ્યો.

સાંજે વળી તરુણ નીચે એની પત્ની સાથે વાત કરતો હતો. અને બળવંતરાય ઉપર બેઠા બેઠા સાંભળતાં હતા.

“ પૈસા પાણીમાં ગયા.. નવ હજાર છસોનું બિલ આવ્યું.. પણ કશું જ પકડાયું નહિ.. આતો આપણે પહોંચી શકીએ છીએ એટલે ખર્ચો કરીએ.. બાકી તો કોઈ ભાવ ના પૂછે..”

“પણ તોય એ એક શબ્દ નથી બોલતા કે એને થાય છે શું?? આખી જીંદગી ખાદી પહેરી છે એટલે લાંબી વિચાર શક્તિ પણ ના હોય ને?? એ બોલી દેતા હોય કે આ તકલીફ છે તો એનું નિદાન થાય.. અહિયાં શું દુઃખ છે એને” વીણા બોલતી હતી. બાજુમાં એના બે સંતાનો બેઠા બેઠા લેશન કરતા હતા.
બે દિવસ પછી તરુણ બેંકમાં ઉભો હતો એક ચેક લઈને અને પાછળ થી કોઈએ એના ખભ્ભા પર હાથ મુક્યો.તરુણે પાછળ જોયું. એક સાઈંઠ વટાવી ગયેલ વ્યક્તિ એની સામે વિસ્મયપૂર્વક જોઈ રહ્યો હતો.

“કા તરુણીયા ના ઓળખ્યોને?? કેવડો મોટો થઇ ગયો નહિ?? હું તારો કાકો શંભુ કાકો”

અને તરુણને અચાનક જ યાદ આવ્યું કે પોતાના બાપુજીના ખાસ મિત્ર!! એને થોડીજ વારમાં બધું જ યાદ આવી ગયું.. એ સંસ્થાના મકાનમાં જ્યાં એ રહેતા હતા ત્યાં જ રોડની પેલી બાજુ આ શંબુ કાકાની દુકાન હતી. સાંજ અને સવાર બાપુજી સાથે એ ત્યાં જતો. શંભુકાકા એને બિસ્કીટ અને ચોકલેટ આપતા.પછી એ અને ગૌતમ સાથે રમતા. ગૌતમ શંભુ કાકાનો એક નો એક દીકરો હતો.

“શું કરે છે ગૌતમ કાકા”?

“ ગૌતમ તો ડોકટર થઇ ગયો છે. અહી અમદાવાદમાં જ છે. શું કરે છે બળું”?? શંભુકાકા બળવંતરાયને હંમેશા બળું જ કહેતા.
તરુણે વાત કરી અને શંભુકાકા બોલ્યાં.

“ તો તો હું અત્યારે જ આવું. મારે એને મળવું પડશે.. એવું હશે તો હું એને મારી સાથે લઇ જઈશ. મારે તો ઘરે જ ડોકટર છે એટલે પાકે પાયે નિદાન છે . અને સિટીની બહાર રહીએ છીએ. એ ય સરસ મજાનું ફાર્મ હાઉસ છે. ગીરની ગાયો પણ છે. ખાલી તમે ત્યાં અઠવાડિયું રહો ત્યાં જ રોગ મટી જાય.” શંભુ કાકા બોલ્યાં.
તરુણ સાથે શંભુ કાકા ઘરે આવ્યાં. અજાણ્યાને જોઈ વીણાની આંખો ફરી ગઈ. પણ જયારે એને ખબર પડી કે શંભુ કાકા કદાચ બાપુજીને એની સાથે લઇ પણ જાય અને એનો છોકરો ડોકટર છે. એ સાંભળીને વીણાનો જીવ જરા હેઠો બેઠો.

બળવંતરાય તો શંભુને જોઈ રાજી રાજી થઇ ગયા.

“અલ્યા શંભુડા!! ક્યાં હતો અત્યાર સુધી!!” બળવંતરાય એને ભેટી પડ્યા.

“ બળું તારું શરીર ટળી ગયું છે… ભલાદમી આમ કઈ હોય” શંભુની આંખોમાં ભીનાશ તરવરતી હતી. પછી તો ઘણી બધી વાતો થઇ.
સંસ્થામાં શિક્ષક તરીકે નોકરીએ લાગ્યા ત્યારે બળવંતરાયનો પહેલો ભાઈ બંધ આ શંભુ. સંસ્થાના દરવાજા સામે જ રોડની પેલી બાજુ દુકાન હતી. બે ય ની ઉમર વિચાર સરખા એટલે દેશી જામી ગયેલી. બેય લગભગ એક જ વરસમાં પરણી ગયેલા. બેય ને ત્યાં પુત્ર જન્મ પણ લગભગ સાથે થયો હતો. પાકા ભાઈબંધ હતા. તરુણ જયારે આઠમાં ધોરણમાં હતો ત્યારે શંભુએ ગામ છોડેલું. શંભુના એક સગા મામા નિર્વંશ હતા અને એનું અવસાન થતા એના વસિયતનામાં મુજબ અમદાવાદ સાઈડ સારી એવી જમીન મિલકત મળી હતી. બસ શંભુ ગયો તે ગયો. થોડોક સમય ટપાલ વયવહાર ચાલતો.પછી શંભુની ટપાલો પણ આવતી બંધ થઇ ગયેલી તે છેક આટલા વરસે આજ એનો ભેટો થયો હતો. ભૂતકાળનો કોઈ દોસ્ત અચાનક જ વરસો પછી મળે ત્યારે વર્તમાનમાં પણ ભૂતકાળ સજીવન થતો હોય છે એમ એ બે ભાઈબંધો ભૂતકાળની વાતોમાં વળગી ગયા.
“ અરે બળું તને ખબર છે કે બે વરસ પહેલા કાંકરિયામાં અચાનક પોપટ મળી ગઈ!! મને તરત જ ઓળખી ગઈ.. એ એની છોકરીના છોકરાને લઈને આવી કાંકરિયા આવી હતી. હજુ પણ એવી જ સુંદર દેખાય છે. અમે બને બે કલાક બેઠા.. પોપટનો એક છોકરો કેનેડા છે અને એક ન્યુજીલેન્ડ.. એ એના પતિ સાથે સેટેલાઈટમાં રહે છે.” શંભુ બોલતો હતો અને બળવંતરાયને બધું જ યાદ આવતું હતું.
સંસ્થામાં એક શિક્ષિકા મુકાયેલી આમ તો એનું નામ પારુલ હતું. અંગ્રેજી અને સંસ્કૃત ભણાવતી હતી. પણ એનું નાક પોપટ જેવું હતું. શંભુએ એનું નામ પોપટ પાડ્યું હતું. સંસ્થાના છોકરાઓ પણ એને પીપી કહેતા હતા. પીપી એટલે “પારુલ પોપટ” અને હતી પણ એવી જ લીલા અને પોપટી રંગના કપડાં એ વધારે પહેરતી. એને અને શંભુને સારું બનતું એની બળવંતરાયને ખબર હતી. ત્યારે શંભુ કે બળવંતરાય કોઈ પરણ્યા નહોતા. દિવસમાં લગભગ આઠ થી દસ વાર પોપટ શંભુની દુકાને જ હોય. પછી તો બળવંતરાય શંભુ સાથે બેઠા હોય અને સામે દરવાજા પાસે પોપટ ઉભી હોય. બળવંતરાય પછી ઉભા થઈને દરવાજા બાજુ જાય અને પોપટ શંભુની દુકાને જાય!! લગભગ ચાર વરસ સુધી આ પોપટ પુરાણ ચાલ્યું હતું. પછી પોપટે સંસ્થામાંથી રાજીનામું આપ્યું. અમદાવાદમાં એક વેપારીને પરણી ગઈ. છેલ્લે શંભુને એ મળી ત્યારે ખુબ રોઈ હતી. પોતે એક પોપટી રંગની અને શંભુને ખુબ જ ગમતી હતી એ ચણીયા ચોળી શંભુને આપતી ગઈ હતી. અને બળવંતરાયને બરાબર યાદ હતું કે એ ચણીયા ચોળી પછી શંભુની પત્ની પહેરતી!!

સાંજે પાંચ વાગ્યે બળવંતરાય પોતાની બેગ તૈયાર કરીને શંભુની સાથે ઘરેથી રવાના થયા. ફોન પર વીણાએ તરુણને સમાચાર આપી દીધા કે બાપુજી એના ભાઈબંધની સાથે એમના ઘરે જાય છે. એક મહિના પછી અચાનક જ તરુણ અને એની પત્ની વીણા પોતાના બે બાળકોને લઈને શંભુએ આપેલ સરનામે ઘુમા થી આગળના રસ્તે એક ભવ્ય ફાર્મ હાઉસ પર ગયા. તરુણ અને વીણાને નવાઈ લાગી કે બાપુજી એકદમ સ્વસ્થ થઇ ગયા હતા. એકદમ તાજામાજા!!

છોકરાઓને બધું બતાવતા બતાવતા બળવંતરાય વાડીમાં થોડા દૂર ગયા પછી તરુણે શંભુકાકા ને પુછ્યું.

“બાપુજીને શું બીમારી હતી?? કયો રોગ હતો?? હવે તો એ એકદમ સ્વસ્થ થઇ ગયા છે. હું એને લેવા આવ્યો છું”

જમાના ના ખાધેલ શંભુકાકા સમજી ગયા કે આ હું એને લેવા આવ્યો છું એ શબ્દો વાહિયાત અને ખોખલા હતા. શંભુકાકા બોલ્યા.
“જેમ શરીરમાં ડાયાબિટીસ વધે.. બીપી વધે કે ઘટે એમ માણસના જીવનમાં એક ખાલીપાનું પણ એક લેવલ હોય!! વડીલોમાં આ રોગ કોમન ગણાય છે… એ ખાલીપાનું લેવલ હદ કરતા વધે ને ત્યારે માણસ આખોને આખો ભાંગી પડે છે. એની એક જ દવા છે કે વડીલો પાસે બેસો અને એને સમય આપો.. વડીલો બાળક જેવા હોય..

બાળકને સમય આપો એની સાથે રહો તો એને સારું લાગે ને એમ વડીલોનું છે. તારી મમ્મી ગયા પછી એના સુકાવાનું એક કારણ પેલું ખાલીપાનું લેવલ વધી ગયું હતું. અત્યારે હું એની સાથે છું એને સહેજ પણ ખાલીપો લાગતો નથી. એટલે એ હવે અહીં જ રહેશે.. મને પણ મજા આવે અને એને પણ.. એણે મને વાત કરી એ પ્રમાણે તું પણ લાચાર છો.. તારી પત્ની આગળ તું સાવ પામર જીવ છો. ફક્ત તું જ નહિ અહી અમદાવાદમાં આ પરીસ્થીતીમાં ભલભલા લાચાર છે. અહી પણ એવા કેટલાય વકીલો છે કે જે ગમે એવી કાયદાકીય આંટીઘૂંટી હોય એ પળવારમાં નિવેડો લાવી દે!! પણ એની પત્નીનો એ નિવેડો લાવી શકતા નથી ઘરે જાય ત્યારે મિયાની મીંદડી થઇ જાય છે..!! મોટા કુટુંબોમાં આ ખાલીપાનું લેવલ સતત વધતું રહે છે!! એટલે તું ખોટું ના લગાડતો. અને મારે પણ આ બધું મામાનો વારસો મળ્યો છે અને ખૂટે એમ છે નહિ.. હું અને બળું અહી ધુબાકા કર્યા કરીશું.. બળું જ્યાં સુધી મારી સાથે ત્યાં છે ત્યાં સુધી તો એને કોઈ વાતે ઓછું નહીં આવવા દઉં!! તમે મૂંઝાતા નહિ!!

તરુણ અને વીણા દૂર ઉભા હતા. બળવંતરાય પોતાના પૌત્રોને બગીચાના તાજા જામફળ ખવડાવતા હતા. શંભુ વાડીમાં ઢાળેલ એક ખાટલા પર બેઠો હતો. આકાશમાં કુંજ પક્ષીઓના ટોળા ઉડી રહ્યા હતા. પોતાના વતન તરફ જઈ રહેલા આ પક્ષીઓ પોતાના બચ્ચાને મળવા આતુર હતા.

સમાજમાં લગભગ ઠેર ઠેર આવા બળવંતરાય જોવા મળે છે. શું તમે કોઈ આવા બળવંતરાયને ઓળખો છો??

લેખક :-મુકેશ સોજીત્રા
૪૨. “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.મુ. પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.