દિલધડક સ્ટોરી મુકેશ સોજીત્રા લેખકની કલમે

“તમારા ફોનમાંથી એની પત્નીના ફોનમાં ચાર મિસ કોલ ગયા છે અને એક ફોન થયો છે, વીસ મિનીટ વાત હાલી છે, એની પાસે પ્રૂફ પણ છે ” વાંચો એક સરસ મઝાની વાર્તા

“તમારો ફોન આપશો પાંચ મિનીટ માટે?”

હીરજીભાઈ પોતાના ગામડેથી બસમાં ચડ્યા. દિવાળીના દિવસો હતા. સો કિલોમીટર દૂર એક મિત્રને ત્યાં જતાં
હતાં. આમ તો નિવૃત શિક્ષક હતાં. એમના પત્ની સુરત ગયાં હતા. નાના દીકરાને ત્યાં ઘોડિયું બંધાવાનું હતું એટલે
હોરજીભાઈના પત્ની ગોમતીબેન હજુ ત્રણ દિવસ પહેલાં જ સુરત ગયાં હતા. નાનો દીકરો તેડવા આવ્યો હતો હીરજીભાઈ પણ જવાના જ હતા નાના દીકરાની કારમાં પણ અચાનક જ એક મિત્રનો ફોન આવ્યો અને એણે આયોજન ફેરવ્યું.

Image Source

“એક કામ કર્ય હિતુ તું તારી બા ને લે તો જા.. મારે ધંધુકા કરશનભાઈને ત્યાં જવાનો વિચાર છે. બે ત્રણ દિવસ
અહી ગામમાં રોકાઈશ અને પછી ધંધુકા જઈ આવીશ કરશન પાસે. નાનપણનો ભાઈ બંધ પછી તો એ ધંધામાં જતો રહ્યો. મુંબઈ, કલકતા અને છેક કોઈમ્બતુર સુધી એનો ધંધો ફેલાયો. છોકરા સાથે વિદેશ પણ રોકાણો હવે પાછો ધંધુકા આવી ગયો છે અને ત્રણ દિવસ પછી એના નવા મકાનનું વાસ્તુ છે. એ વાસ્તુ પતાવીને હું સીધો સુરત આવી જઈશ અને પછી ઠીક લાગે ત્યાં સુધી રોકાઇશ!!” અને બે દિવસ ગામમાં આંટા ફેરા માર્યા. થોડાં પુસ્તકો વાંચ્યા અને ત્રીજા દિવસે કરશનભાઈ ને ત્યાં જવા રવાના થયા અને એ પણ સરકારી બસમાં. બસ નાનકડી હતી. સીટ પણ નાની નાની હતી. ડ્રાઈવર કંડકટર પણ સાવ નાના જ હતા અને નવી ભરતીના લાગ્યાં. કદાચ નેનો ટેકનોલોજીનો કમાલ હોઈ શકે. હીરજીભાઈ વિચારતા રહ્યા. બસની અંદર લખ્યું હતું.
“નાની બસ સારી બસ”

હીરજીભાઈ વિચાર કરતાં રહ્યા નાની બસ સારી બસ તો મોટી બસ???? ખરાબ બસ એમ જ ને!! શિક્ષક
રહયાને દરેક વસ્તુને બુદ્ધિના ત્રાજવે થી તોલીને મગજ બાજુ મોકલે. બસ હજુ ગઢડા પહોંચી હશે ત્યાં જ ત્યાંથી એક ત્રીસેક વરસનો યુવાન ચડ્યો. બધા જ રંગોને સમાવી લેતો એનો પંચ રંગી પોષાક હતો. પીળા રંગના ચશ્માં પહેર્યા હતા. હીરજીભાઈની આગળની સીટમાં જ એ બેઠો હતો. હીરજીભાઈએ પોતાનો મોબાઈલ કાઢીને સુરત વાત કરી કે એ ધંધુકા જાય છે. બે દિવસ એ કરશનને ત્યાં રોકાશે. પછી જો એ વધારે આગ્રહ કરશે અને આગ્રહમાં સત્યતાનું પ્રમાણ વધારે હશે તો એ બીજા બે દિવસ રોકાઈને સુરત આવશે. અચાનક પેલો પચરંગી યુવાન બોલ્યો.

Image Source

“અંકલ તમારો ફોન આપશો પાંચ મિનીટ માટે??? મારે બેટરી પતી ગઈ છે અને એક અગત્યનું કામ છે પ્લીઝ!!
તમારો ફોન આપશો પાંચ મિનીટ માટે??” સાઇઠ વટાવી ગયેલા વૃદ્ધને કોઈ અંકલ કહે એ બહુ જ ગમે.. હીરજીભાઈને પણ ગમ્યું. પોતે હજુ વૃદ્ધ નથી થયા એવું પોતે તો માનતા હતા પણ બીજા પણ આવું જ માને છે એ જોઇને તેને અંતરમાં અનહદ આનંદ ઉપજ્યો. રાજી ખુશીથી એણે ફોન આપ્યો. પેલાની આંખોમાંથી આભારદર્શનની લાગણીઓ નીતરતી હતી.

એ પંચરંગી યુવાને હીરજીભાઈ પાસેથી લીધેલો ફોન લગાવ્યો પણ સામેથી કોઈ ઉપાડતું ન હોય તેવું
લાગ્યું.. વારંવાર એ નંબર ડાયલ કરવા લાગ્યો અને છેલ્લે નસીબ પાધરું નીકળ્યું કે કોલ કનેકટ થઇ ચુક્યો હતો એવું એના ચહેરા અને હાવભાવ ઉપરથી લાગી રહ્યું હતું. એકાદ મિનીટ વાત કરીને હીરજીભાઈની સીટથી આગળ ચાર સીટ પર જઈને બેઠો અને ફોનમાં એકાકાર થઇ ગયો. હીરજીભાઈ પણ વિચારતા રહ્યા કે ગમે તેટલી વાત કરે બિલ ક્યાં આવવાનું છે. આખા વરસનો પ્લાન એકીસાથે જ લીધેલો છે. અનલિમિટેડ કોલ અનલિમિટેડ નેટ!!

વીસ મિનીટ સુધી વાત કર્યા પછી યુવાને ફોન પાછો આપ્યો અને આભાર વ્યકત કર્યો. એટલી વારમાં બોટાદ
આવી ગયું હતું અને એ પચરંગી યુવાન ત્યાં ઉતરી ગયો. બસ આગળ ચાલી.. દોઢેક કલાક પછી બસ ધંધુકા બસ સ્ટેન્ડ પર પહોંચી અને હીરજીભાઈ ઉતરી ગયા. કરશનભાઈનું નવું ઘર બે કીલોમીટર દૂર હતું. ભીમજીભાઈ નું મન ભૂતકાળની ભવ્ય યાદોથી ભરાઈ રહ્યું હતું.. નાનપણમાં ખાધેલી ધંધુકાની ખારી શીંગ , વટાણા , દાળિયા અને કાજુ રેવડી!! રેલવે સ્ટેશનના વડા સ્પેશ્યલ ભજીયા!! કાયમ ટ્રેનો આવતી.. ગાડીના પાવાએ ધંધુકા જાગતું અને ગાડીના પાવાએ ધંધુકા સુઈ જતું.. એ જૂની યાદો ઉનાળામાં પાણીની તંગી.. એટલા માટે જ કદાચ કહેવાયું હશે.. “દીકરીને બંદુકે દેવી પણ ધંધુકે ના દેવી!!” વરસાદ સારો હોય ચોમાસામાં તો પછી શિયાળામાં થતા જીતોલા એને યાદ આવી ગયા.. એ અને કરશન રોડ સાઈડ ભરાયેલ પાણીમાં ઉગેલા જીતોલા તોડી તોડીને ઘરે લાવતાં. પીલુડી પણ ભરપુર ખાધેલી અચાનક જ હીરજીભાઈનો ફોન રણકયો. એ યાદોમાંથી પાછા આવ્યાં અને ફોન ઉપાડ્યો અને પરસેવે રેબઝેબ!!

Image Source

“કેવીનો છો?? કયાનો છો?? તારું નામ શું છે?? સરનામું આપ્ય એટલે ઘરમાં ઘૂસીને ટાંટિયા તોડી નાંખવા છે!!
કોણ છો તું???” ફોન પર ગાળોના મિશ્રણ સાથે ઉગ્ર અવાજ આવી રહ્યો હતો. કાયમ બહુ વચનમાં માનાર્થે વાત કરનારા અને સાંભળનારા માટે આ એકવચન અપમાનાર્થે વપરાતા શબ્દો ખૂંચી ગયાં.

“અરે ભાઈ સાહેબ તમે કદાચ રોંગ નંબર લગાવ્યો છે.. પ્લીઝ તમે નંબર ચેક કરીને વાત કરો.” હીરજીભાઈ અંદરથી
વ્યગ્ર હતા પણ બહાર પૂરી સ્વસ્થતાથી એ બોલ્યાં.

“એ ય ટોપા રોંગ નંબરનો દીકરો થા માં હો.. તું ગમે ઈ હો પણ હવે ઝપટમાં આવી જ ગયો છો.. તારો તો પાકે પાયે
ઘડો લાડવો કરવો જ પડશે કોડા” આ વખતે ગાળોનું પ્રમાણ અતિશય વધી ગયું હતું. હીરજીભાઈ ગાળ બોલતાં તો નહીં પણ કોઈ બોલે તો સહન પણ ન કરતા. હવે આ આવી રીતે ભેરવાઈ જશે. એની તો એને કલ્પના પણ ક્યાંથી હોય?? પણ અચાનક એના ખભા પર કોઈ હાથ પડ્યો અને એ પાછળ વળીને જોતાં હતા એક ચહેરો એની આંખ આગળ આવી રહ્યો હતો.

Image Source

“નમસ્તે ગુરુજી.. મને ઓળખ્યો હું પી સી!! અત્યારે અહિયાં એ એસ આઈ માં છું.. પીસી રોજ તમારો માર
ખાનાર વિદ્યાર્થી ગુરુજી!!” પીસી એને વંદન કરી રહ્યો હતો અને હીરજીભાઈને યાદ આવ્યું કે છેલ્લે એ બરવાળા માં શિક્ષક તરીકે નોકરી કરતાં હતા ને ત્યારે આ પી સી એનો વિદ્યાર્થી હતો. પ્રવીણસિંહ ચતુરસિંહ ચુડાસમા ટૂંકમાં એને બધાં પીસી કહેતા.

“કોઈ તકલીફ નથી ને હું સામે પેટ્રોલિંગ માં હતો પણ તમે જે રીતે ફોન પર વાત કરતાં હતા.. બરાબર રસ્તાની વચ્ચે
ચાલતાં હતા. તમારી પાછળ વાહનો હોર્ન મારતા હતા પણ જાણે તમને કાઈ સંભળાતું ન હોય એવું લાગ્યું એટલે હું તમારી પાસે આવ્યો અને જોયું તો આ તો મારા ગુરુજી નીકળ્યા. કોઈ તકલીફ નથીને ગુરુજી બાકી આમ જુઓ આ બાજુ ભડીઆદ.. આ બાજુ ધોળકા.. આ સાઈડમાં ગણો તો રાણપુર લીંબડી.. આ બધી દિશામાં એક જ નામ કાફી છે પીસી.. નામ દ્યો એટલે કામ થઇ જાય.. તમારી આંખમાં આંસુ પણ છે નક્કી તમે કોઈ મુશ્કેલીમાં છો” પીસી બોલતો હતો. વેદનાને કોઈ સાંભળવા વાળું મળેને ત્યારે એ આપોઆપ બહાર આવે એમ પોતાની મુશ્કેલી હીરજીભાઈએ રજુ કરી. અને કીધું પણ ખરું કે હું એમને ઓળખતો પણ નથી અને એ સીધી ગાળો બોલે છે. પીસીએ નંબર લીધો અને પોતાના મોબાઈલમાંથી જોડ્યો અને શરૂઆત ગાળોથી કરી પણ પછી હીરજીભાઈ પોતાના ગુરુજી ઉભા છે એનો ખ્યાલ આવવાથી પીસી મર્યાદા જાળવવા થોડો દૂર ગયો અને પાંચ મિનીટ પછી એ આવીને કહે.

Image Source

“એ સૌરાષ્ટ્રનો છે.. ત્યાના પી એસ આઈને ઓળખે છે મને પણ નામથી ઓળખે જ છે.. એનું કહેવું એમ છે કે તમારા
ફોનમાંથી એની પત્નીના ફોનમાં ચાર મિસ કોલ ગયા છે અને એક ફોન થયો છે અને વીસ મિનીટ વાત હાલી છે અને એની પાસે પ્રૂફ પણ છે જ”

અને હીરજીભાઈને તરત જ યાદ આવ્યું.. બસમાં પેલો પચરંગી યુવાન … ફોનની માંગણી.. દૂર જઈને વાત કરી.. અને
એણે પીસીને જે બન્યું હતું એ કીધું..પીસી એ ફરીથી પેલા સાથે વાત કરી.. પેલા એ ગેરસમજ બદલ માફી પણ માંગી.
હીરજીભાઈની પણ માફી માંગી.

“માફ કરજો.. તમે શિક્ષક છો એ મને નહોતી ખબર પણ આ તો પીસી સાહેબે કીધું.. પણ તમારા નંબર પરથી
મિસકોલ અને કોલ થયેલો.. હમણાં હમણાં મારું મગજ ઠેકાણે નથી.. ચાર વરસથી લગ્ન થયા છે પણ છેલ્લા બે વરસથી
દુઃખીના દાળીયા થઇ ગયો છું.. મારા બાપા ના પાડતા હતા કે મોબાઈલ વાળી ને નો પરણાય. પણ હું ન માન્યો. ઘણી નજર રાખું છું તો પણ કોઈકનો ને કોઈકનો કોલ આવે જ છે.. હવે એ બીજાના નંબરમાંથી ફોન કરે છે.. ઘરે પણ કીધું એ પણ માનતી નથી.. મને મારે એમ છે.. મારું મગજ ઠેકાણે નથી સાહેબ માફ કરજો.” કહીને પેલાએ માફી માંગી.
વળી પીસીએ એની સાથે વાત કરી.. હીરજીભાઈને આગ્રહ કરીને કોફી પીવડાવી અને કહ્યું.

Image Source

“એની પત્નીના કારનામાથી કંટાળી ગયો છે. વોચ રાખે અજાણ્યો નંબર ભાળે એટલે એને ગાળો આપે છે.પોતે
કમાતો નથી એની પત્ની કમાય છે. અને ભાઈ એનાથી બીવે છે.. અને સહુથી મોટી વાત કે એની પત્ની પણ નોકરી જ કરે છે.. એટલે જ એ ભાઈ મને ઓળખે છે. પત્ની થોડી ફોરવર્ડ હતી.. ફ્રી માઈન્ડની હતી.. બે વરસ સુધી સારું જ હાલ્યું.. પણ આ ભાઈની શંકા વધતી ગઈ. ભાઈના ધંધા પણ બહુ સારા નહિ એક વખત પત્નીના હાથે જ પકડાઈ ગયા અને પત્ની પણ પછી છેલ્લે પાટલે બેસી ગઈ.. આમ તો પત્ની નામ જ ભયંકર ગણાય મારા મતે અને એમાય પાછી નોકરી વાળી એટલે ડબલ તકલીફ. .. વળી અધૂરામાં પૂરું જીલ્લા ક્ક્ષાએ કુસ્તીમાં ચેમ્પિયન પત્ની!! વાત જ જવા દો.. પત્ની બદલો લે છે.. સ્ટાફમાં બધાને કીધું કે એને છૂટો ય નથી કરવાનો અને સાથે ય નથી રાખવાનો..છેક સુધી દ્ઝાડવાનો છે. મારી પર શંકા કરતો હતો સાલો પોતે જાણે હરિચંદ્રનો દીકરો હોય એમ!!” પીસી એ વાત પૂરી કરી. ફરી મળવાનું વચન આપીને હળવાફૂલ થઇ ગયેલા હીરજીભાઈએ કરશનભાઈ ના ઘર બાજુ ચાલવા માંડ્યું. આગળ તે ચાલતા હતાં ત્યાં એક ભાઈ આવીને બોલ્યો.

“કાકા ફોન આપશો બે મિનીટ મારા ફોનની બેટરી ઉતરી ગઈ છે” હીરજીભાઈના હાથની મુઠ્ઠીઓ વળી ગઈ અને એક
કરડી નજર એ વ્યક્તિ તરફ નાંખી.”

“નો આપવો હોય તો ના પડાય, આમ ડોળા નો કઢાય.. જાણે શું ય હવા ઘરી ગઈ લાગે છે જાણે કે એની એકની આગળ જ ફોન ન હોય! અત્યારે ઘરે ઘરે ફોન હાડ્ય હાડ્ય છે.. જાણે પાવરનો પાર નહિ !!” બબડતો બબડતો અને બળતો બળતો એ ભાઈ ચાલ્યો ગયો. અને હીરજીભાઈ જીવનમાં પેલી વાર જ એક મસમોટી ગાળ બોલ્યાં અને એ પણ મનમાં જ બોલ્યા.

Image Source

કરશનભાઈના ઘર તરફ એ ચાલતા થયા.
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.