છોટા ઉદેપુરની રથયાત્રામાં દુષ્કર્મના દોષિત આસારામનો ફોટો સાથેનો ટેબ્લો ! શું ભગવાન કરતા પણ અપાયુ ઉંચું સ્થાન

શરમ કરો શરમ … ભગવાનના સ્થાન કરતાં પણ ઉંચું સ્થાન અપાયું, જગન્નાથની રથયાત્રામાં નરાધમ બળાત્કારી આસારામનો ટેબ્લો દેખાયો, પોલીસે સુરક્ષા પણ આપી

ગઇકાલે એટલે કે મંગળવારે જ અષાઢી બીજની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની નગર યાત્રાનો દિવસ. આ દિવસે અમદાવાદમાં તો ભરપૂર આનંદનો માહોલ હોય છે, પણ સાથે સાથે અષાઢી બીજના દિવસે છોટાઉદેપુરના બોડેલીમાં પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આ વર્ષે તે બીજી વખત હતું.

સમગ્ર બોડેલી, અલીપુરા અને ઢોકલીયાનાં નગરજનોમાં રથયાત્રાના ખાસ અને પાવન અવસર પર અનેરો ઉત્સાહ આનંદ જોવા મળ્યો પણ આ દરમિયાન કંઇક એવું થયુ કે જેની ચર્ચા હાલ ચારેકોર થઇ રહી છે. રથયાત્રામાં દુષ્કર્મના દોષિત આસારામાના ફોટો અને તેના ગુણગાન ગાતા ગીતો સાથે તેના સમર્થકો જોડાયા હતા. આ ઉપરાંત વિવિધ ધાર્મિક સંસ્થાઓ પણ જોડાઇ હતી અને પોલીસે પણ બંદોબસ્ત પૂરો પાડ્યો હતો.

છોટાઉદેપુરમાં નીકળેલી રથયાત્રામાં લંપટ આસારામના ફોટા સાથેનો ટેબ્લો સામેલ કરાયો હતો અને તે બાદ હાલ આ મામલે મોટો વિવાદ સર્જાયો છે. ભગવાન જગન્નાથના ભક્તોમાં આ મામલાને લઇને ભારે રોષ ફાટી નીકળ્યો છે. દુષ્કર્મનો દોષિત આસારામ કે જે રાજસ્થાનની જેલમાં છે અને તે તેના કુકર્મોને કારણે જેલની સજા કાપી રહ્યો છે,

ત્યારે બીજી બાજુ ગુજરાતના છોટાઉદેપુરમાં લંપટ આસારામના ગુણગાન ગવાઈ રહ્યા છે અને એ પણ ભગવાન જગન્નાથની રથયાત્રામાં આસારામની મોટી તસવીરને ગાડીની ઉપર લગાવવામાં આવેલી સામે આવેલા વીડિયોમાં જોઇ શકાય છે. જો કે, હાલ તો એવો એક મોટો સવાલ છે કે રથયાત્રામાં આસારામના ટેબ્લોને કોણે મંજૂરી આપી અને આસારામને ભગવાન કરતા ઊંચું સ્થાન કેમ આપવામાં આવ્યું ?

Shah Jina