18 વર્ષિય પ્રખ્યાત ટેબલ ટેનિસ સ્ટારનું થયું મૃત્યુ, ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જઇ રહ્યો હતો શિલોંગ

તમિલનાડુના આશાસ્પદ ટેબલ ટેનિસ ખેલાડી વિશ્વ દીનદયાલનનું માર્ગ અકસ્માતમાં દુખદ અવસાન થયું છે. ખેલાડીઓ 83મી સિનિયર નેશનલ અને ઈન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા શિલોંગ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના ઘટી અને તેમણે જીવ ગુમાવ્યો. અહેવાલો અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે તે જે ટેક્સીમાં મુસાફરી કરી રહ્યો હતો તે રવિવારે મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં એક 12-વ્હીલર ટ્રક સાથે અથડાઈ હતી. ANI અનુસાર, વિશ્વ દીનદયાલન સિવાય, દક્ષિણ ભારતીય રાજ્યના વધુ ત્રણ ખેલાડીઓ 83મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ગુવાહાટી એરપોર્ટથી શિલોંગ જઈ રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત શાનબંગલા વિસ્તારમાં બપોરે 1.50 વાગ્યે થયો હતો. અકસ્માત બાદ, તેને સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જો કે, સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલાં, 18 વર્ષીય ખેલાડીનું મોત થયું હતું. તેની સાથે કારમાં અન્ય ખેલાડીઓ પણ હાજર હતા. બાકીના ઈજાગ્રસ્ત ખેલાડીઓને નોર્થ ઈસ્ટર્ન ઈન્દિરા ગાંધી રિજનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સ (NEIGRIHMS)માં દાખલ કરવામાં આવ્યા છે.

મેઘાલય ટેબલ ટેનિસ એસોસિએશન (MTTA)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ખતરાની બહાર છે. હરિયાણાના નાયબ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાએ પણ વિશ્વ દીનદયાલના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમના પરિવાર માટે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી. વિશ્વ દીનદયાલને અન્ના નગરમાં કૃષ્ણસ્વામી ટીટી ક્લબમાંથી તાલીમ લીધી અને ત્યાંથી તેણે ઉડાન ભરી. તેણે ગયા વર્ષે જાન્યુઆરીમાં દેહરાદૂનમાં રાષ્ટ્રીય રેન્કિંગ ટુર્નામેન્ટમાં છોકરાઓની સિંગલ્સ કેટેગરીમાં યુવા અંડર-19નો ખિતાબ જીત્યો હતો.

તે ડિસેમ્બર 2021માં સાઉથ ઝોન રેન્કિંગ ટુર્નામેન્ટમાં સમાન કેટેગરીમાં રનર-અપ રહ્યો હતો. તેણે કેડેટ અને સબ-જુનિયર રાષ્ટ્રીય ખિતાબ પણ જીત્યા. લોયોલા કોલેજના B.Com વિદ્યાર્થીએ આ જાન્યુઆરીમાં દેહરાદૂન નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટ દરમિયાન અંડર-19 બોય્ઝ ટાઇટલ જીત્યું હતું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને સોમવારે મેઘાલયના શિલોંગ નજીક માર્ગ અકસ્માતમાં પ્રતિભાશાળી ટેબલ ટેનિસ ખેલાડી વિશ્વ દીનદયાલનના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાને ટ્વીટ કરી લખ્યુ કે, ‘ટેબલ ટેનિસ ચેમ્પિયન વિશ્વ દીનદયાલનનું નિધન આઘાતજનક અને દુઃખદ છે. તેના સાથી ખેલાડીઓએ તેની પ્રશંસા કરી અને તેણે ઘણી સ્પર્ધાઓમાં પોતાની ક્ષમતા સાબિત કરી. આ દુઃખદ સમયે તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.’દીનદયાલન ઉભરતા ખેલાડી હતા અને ઘણા રેન્કિંગ લેવલના ટાઇટલ જીત્યા હતા. તે 27 એપ્રિલથી ઓસ્ટ્રિયાના લિન્ઝમાં WTT યુથ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો હતો.

Shah Jina