સ્વાતિ માલિવાલના નવા વીડિયોએ મચાવ્યો હડકંપ, કેજરીવાલના ઘરની બહાર નીકળતા મચ્યો હોબાળો, કેસ થયા દાખલ

શું સ્વાતિ માલિવાલ જુઠ્ઠું બોલી રહી છે ? અરવિંદ કેજરીવાલના ઘરેથી સામે આવેલા નવા સીસીટીવી ફૂટજે મચાવી ધમાલ, જુઓ

Swati Maliwal New Viral Video : સોશિયલ મીડિયામાં રાજકીય નેતાઓને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, છેલ્લા ઘણા સમયથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ચર્ચામાં છે ત્યારે 13મી મેના રોજ સવારે લેવાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે, જેમાં સ્વાતિ માલીવાલ ઘરના મુખ્ય દરવાજામાંથી બહાર નીકળતી જોવા મળે છે. એક મહિલા સુરક્ષા ગાર્ડ તેને પકડી રાખે છે અને તેને બહાર લઈ જતા જોવા મળે છે.

વિડિયો જોતાં, પહેલી નજરે સ્વાતિ માલીવાલ એકદમ સ્વસ્થ દેખાઈ રહી છે. તે મહિલા પોલીસકર્મીને પણ હાથ છોડાવે છે. વીડિયોમાં દેખાતા સુરક્ષાકર્મીઓ એ જ છે જે અગાઉ સ્વાતિ માલીવાલને અન્ય વીડિયોમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાનમાંથી બહાર આવવા માટે કહી રહ્યા હતા. બહાર આવતા સ્વાતિ માલીવાલ પણ પોલીસ અધિકારીઓ સાથે વાત કરતા જોવા મળે છે. સ્વાતિ માલીવાલે પોતાની એફઆઈઆરમાં આરોપ લગાવ્યો છે કે જ્યારે તે મુખ્યમંત્રી આવાસ પર ગઈ ત્યારે વિભવ કુમારે તેના પર નિર્દયતાથી હુમલો કર્યો.

તેણીએ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલના અંગત સચિવ કુમારે તેણીને લાત મારી, મુક્કા માર્યા અને દુર્વ્યવહાર કર્યો. 39 વર્ષીય મહિલાએ એમ પણ કહ્યું કે હુમલા દરમિયાન તેના કપડા ફાટી ગયા હતા અને તેને માથા અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. પરંતુ નવા CCTV ફૂટેજ જોતા એવું લાગતું નથી કે તેને કોઈ ઈજા થઈ છે અને તે મહિલા પોલીસકર્મીની પકડમાંથી પોતાને છોડાવવાનો પ્રયાસ કરતી પણ જોવા મળી રહી છે.

આ ઘટનાએ રાજકીય જગતમાં પણ હલચલ મચાવી દીધી છે. ભાજપે કેજરીવાલના મૌનની આકરી ટીકા કરી છે. તેમના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પણ હુમલા દરમિયાન તેમના મૌનને કારણે કેજરીવાલને “મુખ્ય ગુનેગાર” ગણાવ્યા છે. તમને જણાવી દઈએ કે કેજરીવાલે લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ ઘટના સાથે જોડાયેલા સવાલો ટાળ્યા હતા, જ્યાં તેઓ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને AAP સાંસદ સંજય સિંહ સાથે જોવા મળ્યા હતા.

Niraj Patel