આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના આરોપમાં સીએમ અરવિંદ કેજરીવાલના પીએ બિભવ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ એફઆઈઆર અનુસાર, જ્યારે સ્વાતિ કેજરીવાલને મળવા આવી ત્યારે તેમની જગ્યાએ પીએ બિભવ આવ્યો. તેણે તેની સાથે દુર્વ્યવહાર કર્યો, માર માર્યો અને છાતી તેમજ પેટ પર લાત મારી. એટલું જ નહિ માથું પણ ટેબલ પર પછાડ્યું.
સ્વાતિ માલીવાલે શુક્રવારે તીસ હજારી કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યુ હતું. આ પહેલા ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યે દિલ્હી પોલીસ AAP સાંસદ સ્વાતિ માલીવાલ સાથે એઈમ્સ પહોંચી હતી. જ્યાં તેનું મેડિકલ કરાવ્યું. સીએમ આવાસ પર આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાનો મામલો જોર પકડી રહ્યો છે. આ કેસમાં પોલીસે માલીવાલની ચાર કલાક સુધી પૂછપરછ કરી અને તેનું નિવેદન નોંધ્યું.
આ પછી આ મામલે FIR નોંધવામાં આવી. હવે સમાચાર છે કે પોલીસ કેજરીવાલના ઘરે લગાવેલા તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરશે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, કેજરીવાલની જગ્યા પર સીસીટીવી લગાવનાર કંપનીને પત્ર લખીને ફૂટેજ લેવામાં આવશે. એમએલસીમાં માલીવાલના ચહેરા પર આંતરિક ઈજા થઈ છે. જણાવી દઈએ કે કેજરીવાલના ઘરની બહાર 8 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ તમામની તપાસ કરવામાં આવશે.
ઘટનાના દિવસે એટલે કે 13મી મેના રોજ સ્વાતિ કયા સમયે સીએમ હાઉસ પહોંચી હતી ? સીએમ હાઉસના ગેટ પર તે કોને મળી ? તમામના નિવેદન નોંધવામાં આવશે. મળતી માહિતી મુજબ સ્વાતિ માલીવાલ ટેક્સી દ્વારા સીએમ હાઉસ પહોંચી હતી. પોલીસ તે ટેક્સી ડ્રાઈવરનું નિવેદન પણ નોંધશે. કેજરીવાલના ઘરે માલીવાલને મળેલા દરેકના નિવેદન નોંધવામાં આવશે.