રસોઈ

ચુરમાના લાડુ તો ખાધા જ હશે પણ શું તમે આ પંજાબી સ્ટાઈલના લાડુ ખાધા છે? આજે જ ટ્રાય કરો.

સાંજની મજેદાર અને ચટપટી વાનગી બનાવવાની ઈચ્છા થાય ત્યારે વિચાર આવે કે શું બનાવવું. જો તમે પંજાબી બનાવવા નું વિચારી રહ્યા હોય તો તેમાં પણ કઈક અલગ ખાવા ની ઈચ્છા થઈ આવશે. તેમાં પણ કઈક તીખું, ચટપટું, મસાલેદાર ખાઈ ને સંતોષ ની લાગણી થશે. પણ ક્યારેક તીખા સાથે થોડું સ્વીટ પણ ખાવા ની ઈચ્છા થાય છે. તો ચાલો બહાર ની જેવી મસ્ત પંજાબી વાનગી મકકે ની પિન્ની બનાવીએ ઘરે જ અને સૌ ને આનંદ આપીએ.

પંજાબી મકકે ની પિન્ની બનાવવા માટે ની સામગ્રી

 • મક્કા નો લોટ – 1 કપ (150 ગ્રામ)
 • ઘઉં નો લોટ – 1/4 કપ (35 ગ્રામ)
 • ખાંડ નું બૂરું – 1 કપ (150 ગ્રામ)
 • ઘી – 1/2 કપ (100 ગ્રામ)
 • દૂધ – 1 કપ
 • કાજુ – 50 ગ્રામ (ઝીણા સમારેલા)
 • અખરોટ – 50 ગ્રામ (ઝીણી સમારેલી)
 • બદામ – 50 ગ્રામ (પીસેલી)
 • ગોદ – 25 ગ્રામ
 • એલચી નો પાઉડર – 1 નાની ચમચી

મકકે ની પિન્ની બનાવવા માટે ની રીત

 • એક મોટા વાસણ માં મક્કા નો લોટ લઈ લો, પછી ઘઉં નો લોટ લો, અને 4 નાના ચમચા ઘી ના નાખી તેને સારી રીતે ભેળવી દો.  બરાબર મિક્સ થઈ ગયા પછી દૂધ ની મદદ થી થોડો નરમ લોટ બાંધી ને તૈયાર કરી લો. હવે આ બાંધેલા લોટ ને 10 મિનિટ માટે ઢાંકી ને એક બાજુ મૂકી દો, અને તે સેટ થઈ ને તૈયાર થઈ જશે.
 • હવે આ બાંધેલા લોટ ને ત્રણ સમાન ભાગ માં વહેચી દઈ તૈયાર કરી લો.
 • હવે એક નોન સ્ટીક વાસણ કે કોઈ જાડું વાસણ લઈ તેને ગરમ કરવા માટે મૂકો, હવે લોટ નો એક ભાગ લઈ તેને ગોળ બનાવો. તેને થોડું ચપટું કરી મોટું કરી લો, તેને ઘઉં ના સૂકા લોટ માં લપેટો, પછી પાટલા પર મૂકી તેનું મોટું પરોઠું વણી લો.
 • વાસણ ગરમ થઈ ગયા પછી તેમાં થોડું ઘી નાખી તેને ચીકણું કરી લો, હવે વણેલા પરાઠા ને શેકવા માટે નાખી દો, જ્યારે પરોઠું નીચે થી થોડું શેકાઈ જાય પછી તેને બીજી બાજુ પલટી શેકવા દો. જ્યારે પરાઠા ની બીજી બાજુ થોડી સોનેરી રંગ ની થાય પછી પરાઠા ની પહેલી બાજુ પર થોડું ઘી નાખો અને તેને ચારે બાજુ સારી રીતે ફેલાવી દો. હવે પરાઠા ને બીજી બાજુ પલટો અને આ બાજુ પણ થોડું ઘી નાખી બધી બાજુ ફેલાવી દો. આમ પરાઠા ની બંને બાજુ સોનેરી રંગ ની થાય ત્યાં સુધી સારી રીતે શેકી લો, અને શેકાય ગયા પછી એક પ્લેટ માં  કાઢી લો, પછી તેને થોડું ઠંડુ થવા દો.
 • આવી રીતે બીજા બે બાધેલા લૂઆ ના પણ પરાઠા બનાવી તૈયાર કરી લો.
 • હવે કાજુ ને ખૂબ જ ઝીણું સમારી તૈયાર કરી લો, અને 10 કાજુ ને બે ફાડા માં કાપી લો, જે પિન્ની ની ઉપર લગાવવા માટે છે. અખરોટ ને પણ ખૂબ જ ઝીણી-ઝીણી સમારી લો.
 • હવે ગોળ  ને ઝીણો કરી લો, એક વાસણ માં ઘી નાખી થોડુક ગરમ કરી લો, ત્યાર બાદ તેમાં ગોળ નાખી તેને ધીમા તાપે શેકી લો, જ્યારે ગોળ ફૂલવા લાગે અને તેનો રંગ સોનેરી થાય ત્યારે તેને એક પ્લેટ માં કાઢી લો, ઠંડુ થઈ જાય પછી તેને પ્લેટ માં જ વેલણ થી કરકરું પીસી લો.
 • પરાઠા જ્યારે ઠંડા થઈ જાય પછી તેના કટકા કરી તેને મિકસર ના ઝાર માં નાખી પીસી લો, પિસાઈ ગયા પછી આ મિશ્રણ ને એક વાસણ માં કાઢી લો, ત્યાર બાદ તેમાં ગોળ, ખાંડ નું બૂરું, સમારેલા કાજુ, ઝીણી સમારેલી અખરોટ, પીસેલી બદામ અને એલચી નો પાઉડર નાખી દો. પછી આ મિશ્રણ ને સારી રીતે મિક્સ કરી લો. અને વધેલું ઘી પણ નાખી દો.
 • આમ લાડવા બનાવવા માટે મિશ્રણ તૈયાર છે. હવે થોડું મિશ્રણ હાથ માં લઈ લો, અને પછી પોતાની પસંદ અનુસાર નાના-મોટા કોઈ પણ સાઇઝ ના ગોળ-ગોળ લાડવા બનાવી લો, લાડવા બની ગયા પછી તેની ઉપર એક કાજુ લગાવી, તેને થોડું દબાવી સજાવી લો. આટલા મિશ્રણ માથી લગભગ 15 થી 16 લાડવા બની તૈયાર થઈ જશે. હવે આ પિન્ની ને (લાડવા) ને 1 કે 2 ક્લાક માટે ખુલ્લા મૂકી દો, જેનાથી લાડવા માં રહેલું ઘી સુકાઈ જશે. ત્યાર બાદ તમે તેને કોઈ સાફ અને હવા ના જાય તેવા ડબ્બા કે બરણી માં ભરી લો. આ લાડવા ને તમે 10 થી 12 દિવસ માટે ખાઈ શકો છો.

આમ તમે ઘરે ચુરમા ના લાડવા બહુ ખાધા હશે આજે પંજાબી સ્ટાઈલ માં મકકે ના લોટ ના અને ઘઉં ના લોટ ના લાડુ બનાવી તેનો સ્વાદ પણ ચાખો. તો મિત્રો નોંધી લીધી ને આ પંજાબી મકકે ની પિન્ની ની રેસીપી. હવે ફટાફટ બનવો ઘરે જ અને સૌને ખવડાવો.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ