સ્વાધ્યાય પરિવારનું ઉત્તમ કાર્ય : અત્યંત ઉપયોગી સેનિટાઇઝર મશીનો અને 30 હજાર કિટનું વિતરણ કર્યું!

0

દેશ અત્યારે સંકટની ઘડીમાં છે. કોરોના વાઇરસને કારણે ફેલાયેલી મહામારીએ આજે વિશ્વને બાથ ભરી છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. દેશનાં ધાર્મિક સંસ્થાનો દ્વારા આપવામાં આવી રહેલી મદદ અવગણી શકાય તેમ નથી. મંદિરની શું જરૂર? – એવું કહેતા લોકો હવે મંદિરનું મહત્ત્વ સમજતા થયા છે.

લગભગ ભારતમાં અને ગુજરાતમાં તો ગામડે-ગામડે સુગંધ પ્રસરાવી રહેલ પાંડુરંગ શાસ્ત્રીજી દ્વારા સ્થાપવામાં આવેલ ‘સ્વાધ્યાય પરિવાર’ પણ કોરોના સામેની લડતમાં નાગરિકોની અને સરકારની મદદ કરવા જે તત્પરતા દાખવે છે એ પ્રશંસનીય છે. પૂજ્ય દાદાનાં અવસાન બાદ હાલ સ્વાધ્યાય પરિવારની સંપૂર્ણ કાર્યધૂરા દીદી સંભાળી રહ્યાં છે.

મહત્ત્વપૂર્ણ સેનિટાઇઝર યંત્રો મોકલ્યાં:
સ્વાધ્યાય પરિવાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાને સેનિટાઇઝશન મશીન મોકલવામાં આવ્યું છે. ‘ફોગિંગ મશીન’ કહેવાતા આ મશીનની વિશેષતા એ છે, કે તેમાં આશરે ૬૦૦ લીટર જેટલા જથ્થામાં વિષાણુનાશક પ્રવાહીનો સંગ્રહ થઈ શકે છે. હમણાથી આ મશીન વિશે બધાંએ બહુ સાંભળ્યું છે. જરૂરિયાત પ્રમાણે આ મશીનરૂપી વાહન સંકોચાઈ શકે છે. એથી ફાયદો એ થાય કે, નાની ગલીઓમાં પણ દવાઓનો છંટકાવ થઈ શકે. અત્યાર સુધી દવાઓનો છંટકાવ માત્ર મોટા રસ્તાઓ પૂરતો સીમિત હતો, જે આ મશીનની સગવડથી હવે શહેરની નાની ગલીઓમાં પણ થઈ શકશે. આવા વધારે યંત્રો પણ સ્વાધ્યાય પરિવાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

૩૦ હજાર કિટોનું વિતરણ:
સ્વાધ્યાય પરિવારે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં પોલીસ જવાનોને અને સફાઈ કર્મચારીઓને ૩૦,૦૦૦ કિટોનું વિતરણ કર્યું છે. પ્રત્યેક કિટમાં હેન્ડ ગ્લોવ્ઝ, માસ્ક અને સેનિટાઇઝર હોય છે. પૂજ્ય દીદીના જણાવ્યા પ્રમાણે, આપણા વીરોની સુરક્ષા કરવાનાં કામને પ્રાથમિકતા આપવામાં આવી છે.

પ્રાર્થનામંદિર-અમૃતાલયમ્ બંધ:
૧૬ માર્ચથી જ દીદીએ દેશભરમાં આવેલાં લાખો પ્રાર્થનામંદિરો અને અમૃતાલયમ્ બંધ કરાવી દીધાં છે. રાતના સાડા આઠ વાગ્યે થતી સમુહ પ્રાર્થના હાલ બંધ છે. તેના બદલે દીદીએ ઘરે રહીને જ લોકોને પ્રાર્થના કરવા કહ્યું છે. સાડા આઠ વાગ્યે વાલ્મિકી રામાયણ વાંચવા કહ્યું છે. એ પછી પરિવારમાં તેમના વિશે પ્રશ્નોતરી પણ કરવી.

હિન્દુ સંસ્કૃતિની મૂળ વિભાવનાને જાગતી રાખવા બદલ સ્વાધ્યાય પરિવારને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. વૈજ્ઞાનિક અભિગમ સાથે ધર્મ-શ્રદ્વાનો પરમ સમન્વય આ પરિવારમાં છે!

Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.